ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો
Stock Market Today: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા જિઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં અફરાતફરી વધી છે. સેન્સેક્સ નીચા મથાળે ખૂલ્યા બાદ 1366.47 પોઈન્ટ તૂટ્યો હતો. મોર્નિંગ સેશનમાં જ 1064 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. 10.41 વાગ્યે 793.82 પોઈન્ટના કડાકા સાથે 79540.99 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉતાર-ચડાવના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા મિસાઈલ હુમલાઓ કરાતાં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપતાં હવામાં જ તેની મિસાઈલ નિષ્ક્રિય બનાવી હતી. વધી રહેલા જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાયા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ IndiA VIX 7 ટકા તૂટી 22.65ના સ્તરે પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ
235 શેરમાં લોઅર સર્કિટ
બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3621 પૈકી 2863 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 591 શેર નજીવા સુધારે ટ્રેડેડ હતા. 236 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 159 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીએસઈ સ્મોલકેપ અને મીડકેપમાં પણ 1 ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. પીએસયુ બેન્કો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં પાવર 2.12 ટકા અને રિયાલ્ટી 3.63 ટકા તૂટ્યો છે.
નિફ્ટીએ 24000નું લેવલ તોડ્યું
નિફ્ટીએ આજે ખૂલતાંની સાથે જ 24000નું લેવલ તોડ્યું હતું. જો કે, બાદમાં સુધરી 24164.25 થયો હતો. જે 10.50 વાગ્યે 256.80 પોઈન્ટના કડાકે 24017 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 675.30 પોઈન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો.