Get The App

Nifty 50 @25000 : 20000થી 25000ની સફરમાં 10 માસ લાગ્યા

- ૨૪ ટ્રેડીંગ સત્રમાં ૨૪૦૦૦થી ૨૫,૦૦૦નો પડાવ પાર કર્યો

Updated: Aug 2nd, 2024

GS TEAM


Google News
Google News
Nifty 50 @25000 : 20000થી 25000ની સફરમાં 10 માસ લાગ્યા 1 - image


મુંબઈ : ભારતીય શેર બજારોમાં એક તરફ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે. ત્યારે બીજી  બાજુ રિટેલ ઈન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસપીઆઈ-સિસ્ટેમિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સતત રોકાણ પ્રવાહના પરિણામે લોકલ ફંડોની અવિરત ખરીદીના જોરે આજે નિફટી ૫૦ ઈન્ડેક્સે ૨૫,૦૦૦ની સપાટી પ્રથમ વખત પાર કરી નવો ઈતિહાસ  રચ્યો છે. નિફટીની આ સિલ્વર જયુબિલી સફર ઝડપી રહી છે. નિફટીએ ૨૦,૦૦૦ની સપાટીથી ૨૫,૦૦૦ની સપાટી પાર કરવામાં માત્ર ૧૦ મહિનાનો સમય લીધો છે.

નિફટી ૫૦  સ્પોટ ૨૪,૦૦૦ની સપાટીથી ૨૫,૦૦૦ પહોંચતાં એટલે કે ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો ૨૪ ટ્રેડીંગ સત્ર-દિવસમાં નોંધાયો છે. નિફટી સ્પોટ દ્વારા પ્રથમ વખત ૨૦,૦૦૦ની સપાટી ૧૧, સપ્ટેમ્બર ૨૦૨૩માં પાર કરવામાં આવી હતી. જે સમયે નિફટીએ ઈન્ટ્રા-ડે ૨૦,૦૦૮ની સપાટીએ પહોંચ્યો હતો. હવે પ૦૦૦ પોઈન્ટનો ઉછાળો માત્ર ૧૦ મહિનામાં નોંધાવી આજે ૨૫,૦૦૦ની સપાટી કુદાવી નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો છે.

નિફટીએ ૨૩,૦૦૦ની સપાટી ૨૭, મે ૨૦૨૪ના પાર કરી હતી. આ સપાટીથી ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો ૨૩ ટ્રેડીંગ સત્રમાં નોંધાવી ૨૪,૦૦૦ની સપાટી પાર કરી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ૪, જૂન ૨૦૨૪ની નીચી સપાટીથી નિફટીમાં ૪૦૦૦ પોઈન્ટ જેટલો ઉછાળો નોંધાયો છે.

નિફટીના ૧૦ મહિનામાં ૫૦૦૦ પોઈન્ટના ઉછાળામાં ટકાવારી પ્રમાણે સૌથી વધુ હિસ્સો બજાજ ઓટોનો રહ્યો છે. આ સમયગાળામાં બજાજ ઓટોના શેરમાં ૧૦૧ ટકાનો ઉછાળો એટલે કે બમણાથી વધુ વૃદ્વિ નોંધાઈ ચે. જ્યારે ત્યાર બાદ ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ)નો શેર આ ૧૦ મહિનાના સમયગાળા એટલે નિફટીની ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ની સફરમાં ૯૩ ટકાનો વધારો નોંધાયો છે.

આ સિવાય કોલ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પના શેરોમાં દરેકમાં ૮૦ ટકાથી ૯૦ ટકા ભાવમાં વધારો થયો છે. જ્યારે અદાણી પોર્ટસ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને એનટીપીસીમાં ૭૦ થી ૭૮ ટકાનો  વધારો થયો છો.

ભારતી એરટેલના શેરના ભાવમાં ૬૭ ટકાનો અને સન ફાર્મા, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયના શેરમાં દરેકમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે. નિફટી ૫૦ ઈન્ડેક્સના ૨૮ શેરોમાં આ સમયગાળામાં ૨૫ ટકાનો વધારો થયો છે. માત્ર ચાર નિફટી ૫૦ શેરોમાં આ સમયગાળામાં નેગેટીવ વૃદ્વિ નોંધાઈ છે. જેમાં બજાજ ફાઈનાન્સમાં ૮ ટકાનો ઘટાડો, એશીયન પેઈન્ટસમાં પાંચ ટકા, ઈન્ડસઈન્ડ બેંક અને એચડીએફસી બેંકમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

Tags :