ઇનપુટ ખર્ચમાં થયેલા નોંધપાત્ર વધારાના કારણે નવા વર્ષથી ખાદ્ય ચીજવસ્તુઓ, ફ્રીઝ, TV મોંઘા થશે
- ઘઉં, ખાંડ, તેલ, દૂધ સહિત અનેક કોમોડિટીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો
- વૈશ્વિક સ્તરે ટી.વી. પેનલના ભાવમાં વધારો : એનર્જી રેટિંગના આકરા નિયમોથી ફ્રીઝનો ઉત્પાદન ખર્ચ વધશે
નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર 2019, બુધવાર
કાળઝાળ મોંઘવારીના આકરા મારથી પિડાઈ રહેલ પ્રજાના માથે આગામી નવા વર્ષે પણ ભાવવધારો સહન કરવા તૈયાર રહેવું પડશે. ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઉત્પાદન કરતી કંપનીઓના ઇનપુટ ખર્ચમાં થયેલ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને એફએમસીજી અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ દ્વારા નવા વર્ષમાં ભાવવધારો કરવા કવાયત હાથ ધરી હોવાનું આ ગતિવિધિ સાથે સંકળાયેલ વર્તુળોએ જણાવ્યું હતું. ઘઉં, ખાદ્ય તેલ અને ખાંડ સહિતની અનેક કોમોડિટીના ભાવમાં ૧૨-૨૦ ટકાની રેન્જમાં વધારો નોંધાયો છે. જેને લીધે ભાવ વધારવા અથવા પેક સાઇઝમાં ઘટાડો કરવાની ફરજ પડશે. તાજેતરમાં દૂધના ભાવ પણ વધ્યા છે.
આમ, તમામ ચીજોના ઇનપુટ ખર્ચમાં વધારો નોંધાયો છે તેને લીધે પેકેજ્ડ ફૂડ કંપનીએ ભાવ વધારવા પડશે અથવા નાની કિંમતના પેકેટ્સના કદમાં ઘટાડો કરવો પડશે તેની જાહેરાત ટૂંક સમયમાં થવાનો અંદાજ છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, બિસ્કિટ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, સ્નેક્સ, ફ્રોઝન ફૂડ, કેક અને રેડી ટુ ઇટ પેકેજ્ડ ફૂડ સેગમેન્ટમાં ભાવનું દબાણ એવા સમયે આવ્યું છે. જ્યારે ગ્રાહકો ખર્ચ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખાદ્યાન્ન ફુગાવો ૧૧ ટકાની છ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. તો બીજી તરફ ઇનપુટ ખર્ચનું દબાણ ઘણું વધારે છે.
કંપની પ્રમોશન ખર્ચ ઘટાડી અને ભાવમાં વધારો કરી ઇનપુટ ખર્ચને સરભર કરી શકે, પણ ખાદ્યાન્ન ફુગાવો ઘટવાની શક્યતા નથી તેમ આ ક્ષેત્રની કંપનીઓએ જણાવ્યું હતું. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના કારણે માર્જિન પરનું દબાણ અમુક અંશે સરભર થયું હતું. સામાન્ય સ્થિતિમાં અમે ભાવ વધારીને પેકેટની સાઇઝમાં ઘટાડોકર્યો હોત. કોમોડિટી ફુગાવો અંકુશમાં નહી રહેતા અમારે ભાવ વધારવાનું પણ વિચારવું પડશે તેમ એફએમસીજી કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.
કન્ઝ્યુ ઇલેક્ટ્રોનિક્સમાં ટેલિવિઝન પેનલના ભાવ વૈશ્વિક સ્તરે ૧૫- ૧૭ ટકા વધ્યા છે. તેને લીધે કંપનીઓને જાન્યુઆરીથી ભાવ વધારવાની ફરજ પડશે. ઉપરાંત, સરકારે એનર્જી રેટિંગના નિયમો ચુસ્ત કર્યા છે તેના લીધે રેફ્રીજરેટર્સનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે.
આ સંજોગોમાં આગામી જાન્યુઆરીના મધ્ય ભાગથી ભાવ ૫-૧૦ ટકા વધશે.આમ, એક તરફ સતત વધતી મોંઘવારીથી પ્રજા પિસાઈ રહી છે ત્યાં હવે આગામી નવા વર્ષમાં ખાદ્ય ચીજો અને ટી.વી. ફ્રિઝના ભાવમાં વધારો થતા સામાન્ય વર્ગની મુશ્કેલીમાં વધારો થશે.