સેન્સેક્સ 42222 થી 41222 અને નિફટી સ્પોટ 12412 થી 12112 વચ્ચે ફંગોળાતા જોવાશે
- ૨૦૧૯ના વર્ષાંતે ફંડો દ્વારા શેરોમાં વેલ્યુબાઈંગની થયેલી શરૂઆતને જોતાં આગામી વર્ષમાં આકર્ષક વળતરની અપેક્ષા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર
કેલેન્ડર વર્ષ ૨૦૧૯ પૂરું થવામાં છે, ત્યારે આ વર્ષ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીનું જરૂર નીવડયું છે. ફોરેન ફંડો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી અટકીને નવેસરથી ઈન્ડેક્સ બેઝડ શેરોમાં ખરીદી શરૂ થતાં અને આકર્ષક વેલ્યુએશને મળતાં ફ્રન્ટલાઈન-હેવીવેઈટ ઈન્ડેક્સ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ શેરોમાં ખરીદી નીકળતાં સેન્સેક્સે ૪૧૮૦૯ અને નિફટીએ ૧૨૨૯૩ નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ સર્જયો હતો. સેન્સેક્સ ૨૦,ડિસેમ્બર ૨૦૧૯ના ૪૧,૮૦૯.૯૬ અને નિફટી સ્પોટ ૧૨૨૯૩.૯૦ નવો વિક્રમ સર્જાયો હતો. ૩૧,ડિસેમ્બર ૨૦૧૮ના સેન્સેક્સ ૩૬,૦૬૮.૩૩ હતો, એ એક વર્ષમાં ૫૭૪૧.૬૩ પોઈન્ટ વધ્યો છે. જ્યારે નિફટી સ્પોટ ૩૧,ડિસેમ્બર ૨૦૧૮ના ૧૦૮૬૨.૫૫ની સપાટીએ હતો, એ વર્ષ ૨૦૧૯માં ૪૩૧.૩૫ પોઈન્ટ વધીને ૧૨૨૯૩.૯૦ની નવી વિક્રમી ઊંચાઈને આંબી ગયા છે. જ્યારે બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કુલ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ એક વર્ષમાં એટલે કે ૩૧,ડિસેમ્બર ૨૦૧૮ની રૂ.૧૪૪.૪૮ લાખ કરોડની સપાટીથી એક વર્ષમાં રૂ.૧૧.૦૪ લાખ કરોડ વધીને ૨૩,ડિસેમ્બર ૨૦૧૯ના રૂ.૧૫૫.૫૨ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઈ છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં રોકાણકારો સતત અટવાયેલા રહી નિરાશ રહ્યા છે. પરંતુ વર્ષ ૨૦૨૦માં આર્થિક રિકવરી ફરી શરૂ થવાની અપેક્ષા સાથે વર્ષ ૨૦૨૦ શકય છે કે ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષક ઊંચું વળતર અપાવી જનારૂ નીવડશે.
વર્ષ ૨૦૨૦ ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં અણધાર્યું આકર્ષક ઊંચું વળતર આપનારૂ નીડવડવાની શકયતા
આર્થિક વિકાસ અત્યારે રૂંધાયેલો રહ્યા સામે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં મંદ પડેલા વિકાસને વેગ આપવા કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા સહિતના સંખ્યાબંધ રાહતો-પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, પરંતુ આ પ્રોત્સાહનો છતાં અર્થતંત્ર અત્યારે મંદ વૃદ્વિના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. નાણા પ્રધાન દ્વારા શકય છે કે વર્ષ ૨૦૨૦માં કેન્દ્રિય બજેટમાં સંખ્યાબંધ પ્રોત્સાહનો-રાહતોની દરખાસ્તો કરાશે. જે આર્થિક રિકવરીને વેગ આપીને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં વધુ સુધારો લાવનારા નીવડે એવી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ વધુ સુધરવાની સંભાવના રહેશે. ઈન્ડેક્સ બેઝડ બજારે વર્ષ ૨૦૧૯માં નવા વિક્રમો સર્જયા છે, ત્યારે વર્ષ ૨૦૨૦માં આર્થિક રિકવરની શરૂઆત થવાની શકયતા વચ્ચે સારા ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધવાની અને આ શેરોમાં રોકાણકારોને અણધાર્યું આકર્ષક ઊંચું વળતર મળે એવી સંભાવના રહેશે. જેથી ૨૦૧૯ના વર્ષાંતે ફંડો દ્વારા શેરોમાં વેલ્યુબાઈંગની થયેલી શરૂઆતને જોતાં આગામી વર્ષમાં આકર્ષક વળતરની અપેક્ષાએ સારા શેરોમાં રોકાણ કરનારા ફાવશે. અલબત મલ્ટિ બેગર શેરોની લાલચમાં નબળી ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના સસ્તા પેન્ની શેરોમાં લલચાઈ ન જવાય એની તકેદારી રાખવી રહી.
ઓટો કંપનીઓના ડિસેમ્બરના વાહનોના વેચાણ આંકડા, મેન્યુફેકચરીંગ પીએમઆઈ, ઈન્ફ્રાસ્ટ્રકચર આંક પર નજર
નવા સપ્તાહમાં વર્ષ ૨૦૧૯ પૂરું થઈ રહ્યું હોઈ હોલીડે મૂડની શકયતા સાથે લોકલ ફંડો-હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પસંદગીના શેરોમાં આકર્ષણ રહેવાની શકયતા રહેશે. જ્યારે ઈન્ડેક્સ બેઝડ બજાર ફંગોળાતી ચાલ જોવાશે. ઓટોમોબાઈલ કંપનીઓના ડિસેમ્બર ૨૦૧૯ મહિનાના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા, મેન્યુફેકચરીંગ પીએમઆઈના ડિસેમ્બર ૨૦૧૯ મહિનાના આંક ૨,જાન્યુઆરી ૨૦૨૦ના જાહેર થનારા આંક અને ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના નવેમ્બર ૨૦૧૯ મહિનાના ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે. નવા સપ્તાહમાં સેન્સેક્સ ૪૨૨૨૨ થી ૪૧૨૨૨ અને નિફટી ૧૨૪૧૨ થી ૧૨૧૧૨ વચ્ચે ફંગોળાતા જોવાય એવી શકયતા છે.
ડાર્ક હોર્સ : હિન્દ રેકટીફાયર્સ લિ.
બીએસઈ(૫૦૪૦૩૬), એનએસઈ(HIRECT) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, વર્ષ ૧૯૯૫માં ૧:૧ શેર બોનસ, વર્ષ ૨૦૦૫માં ૧:૨ બોનસ અને વર્ષ ૨૦૦૮માં ૧:૧ શેર બોનસ આમ ત્રણ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૫.૫૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, હિન્દ રેકટીફાયર્સ લિમિટેડ(Hind Rectifiers Ltd,) વર્ષ ૧૯૫૮માં વેસ્ટીંગહાઉસ, બ્રેક એન્ડ સિગ્નલ, યુ.કે. સાથે કોલોબ્રેશનમાં સ્થપાયેલી કંપની લાંબા સમયથી પાવર સેમીકન્ડકટર, પાવર ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટસ અને રેલવે ટ્રાન્સપોર્ટેશન ઈક્વિપમેન્ટસ વિકસાવવા, ડિઝાઈનીંગ અને મેન્યુફેકચરીંગ અને માર્કેટીંગ ક્ષેત્રે સક્રિય છે. ઈલેક્ટ્રિકલ, મેકેનીકલ, ઈલેક્ટ્રો મેકેનીકલ અને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટસ ઉપરાંત કંપનીએ તેમના પોતાના સોફટવેર ડિઝાઈન કરવામાં સાહસ ખેડીને ગ્રાહકોને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પૂરા પાડી રહી છે. વર્ષ ૧૯૫૯-૬૦માં હિન્દ રેકટીફાયર્સ દ્વારા તેની બિઝનેસ પ્રવૃતિ વર્તમાન સ્થળ ભાંડુપ-મુંબઈ ખાતે ૨૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં શીફટ કરી હતી.
વર્ષ ૧૯૬૬માં કંપની દ્વારા પાવર સિલિકોન ડીઓડ્સ મેન્યુફેકચરીંગ માટે પ્લાન્ટ વેસ્ટિંગહાઉસ બ્રેક એન્ડ સિગ્નલ કંપની લિમિટેડ-યુ.કે. પાસેથી આયાત કરાઈ હતી. ૭૦ના દાયકાની શરૂઆતમાં હિન્દ રેકટીફાયર્સ દ્વારા બેટરી ચાર્જર્સ, હાઈ વોલ્ટેજ અને હાઈ કરન્ટ રેકટીફાયર્સ જેવા રેલવે એપ્લિકેશન્સ માટેના ઈક્વિપમેન્ટનું મેન્યુફેકચરીંગ શરૂ કરાયું હતું. ૮૦ના દાયકામાં કામગીરી શરૂ કરનાર સબસીડિયરી સુપ્રિમ પાવરઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ-નાસિકને વર્ષ ૧૯૯૫માં હિન્દ રેકટીફાયર્સ સાથે મર્જ કરાઈ હતી. વર્ષ ૨૦૦૧માં કંપનીએ નવી મેન્યુફેકચરીંગ સવલતો ભાંડુપ-મુંબઈ ખાતે ભારતીય રેલવેઝ માટે ૨૫ કેવીએ ઈન્વર્ટર થી ૧૮૦ કેવીએ કન્વર્ટરના ઉત્પાદન માટે શરૂ કરાઈ હતી. એપ્રિલ ૨૦૦૭થી ગોલ્ડન જયુબિલિ વર્ષમાં પ્રવેશેલી હિન્દ રેકટીફાયરે ૧૩,એપ્રિલ ૨૦૦૭ના દેહરાદુન, ઉત્તરાખંડ ખાતે વધુ બે સવલતો રેલવેઝ માટે પાવર ઈક્વિપમેન્ટસના ઉત્પાદન માટે શરૂ કરી હતી.
કંપનીના બિઝનેસ ડિવિઝનોને ત્રણ ભાગમાં વહેંચી શકાય. જેમાં ઈક્વિપમેન્ટ ડિવિઝન, ટ્રેકશન ડિવિઝન અને કોમ્પોનન્ટ્સ ડિવિઝન છે.
ઈક્વિપમેન્ટ ડિવિઝન જે ઈએસપી, લોકો ટ્રાન્સફોર્મર્સ, વોટર કુલ્ડ રેકટીફાયર્સ, ટીસીઆરનું ઉત્પાદન કરે છે, તેનો કુલ વેચાણમાં નોંધનીય હિસ્સો છે. આ ડિવિઝન એવીએશન, પાવર, ટેલીકોમ્યુનિકેશન અને વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટો માટે પાવર ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ ક્ષેત્રે ડિઝાઈનીંગ, મેન્યુફેકચરીંગ અને સર્વિસિઝ ઓફર કરે છે.
ટ્રેકશન ડિવિઝન ઈન્વર્ટર્સ, કન્વર્ટર્સ અને અન્ય રેલવે પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે.
કોમ્પોનન્ટસ ડિવિઝન સેમી કન્ડકટર્સ ડિવાઈઝીઝના બિઝનેસમાં સક્રિય છે. જે સામાન્ય રીતે રેકટીફાયર્સના ઉત્પાદન માટે સ્વવપરાશ માટે થાય છે.
પાવર ઈલેક્ટ્રોનિક્સના વિકાસ સાથે કદમ મિલાવવા હિન્દ રેકટીફાયર્સ દ્વારા સ્ટડ બેઝડ અને કેપ્સુલ ડિવાઈસીઝની રેન્જ વધારી છે. જેમાં આઈસોલેટેડ બેઝ પાવર મોડયુલ્સનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કંપની માટે એએમસી મહત્વનું વર્ટિકલ છે. માર્જિન એમા સારૂ હોવાથી મેનેજમેન્ટને આ વર્ટિકલમાં સારી વૃદ્વિ મળવાની અપેક્ષા છે. ટ્રેડીંગ ડિવિઝન સમાન્ય રીતે કેપેસીટર્સ અને ફયુઝીઝના આયાત બિઝનેસમાં છે.
કંપનીના કુલ વેચાણમાંથી ૬૫ ટકા જેટલો હિસ્સો રેલવેઝમાંથી આવે છે. બાકી વિવિધ ક્ષેત્રો જેવા કે સિમેન્ટ, સ્ટીલ અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ્સમાંથી મેળવે છે. કંપનીનો પ્રમુખ ગ્રાહક ઈન્ડિયન રેલવેઝ તેની ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા સાથે જૂના ઈક્વિપમેન્ટસ બદલી રહ્યો હોવાથી કંપની માટે મોટી તકો છે. કંપનીને બિઝનેસ સાઈઝ પણ વધવાનો વિશ્વાસ છે. ઈન્ડિયન રેલવેઝ, મેટ્રો અને મોનો રેલ પ્રોજેક્ટોની આગામી દિવસોમાં જરૂરીયાતો વધવાની પૂરી શકયતા છે. આ ઉપરાંત સરકારની નવી નીતિઓને ધ્યાનમાં લેતાં પ્રદુષણ નિયંત્રણ ઈક્વિપમેન્ટ્સ તેમ જ થ્રી ફેઝ લોકોમોટીવ્ઝના ઈક્વિપમેન્ટ માટે મોટી તકો રહેલી છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં પણ પ્રદુષણ નિયંત્રણ ઈક્વિપમેન્ટ માટેની માંગ સારી રહેવાની અપેક્ષા છે. કંપની વધતી માંગ સાથે તેની ક્ષમતાનું પણ સમયાંતરે વિસ્તરણ કરતી આવી છે અને પ્લાન્ટોને ઓટોમેટેડ કર્યા છે.
ઓર્ડર બુક : કંપની પાસે રૂ.૩૩૦ કરોડની મજબૂત ઓર્ડર બુક સાથે સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિકની શરૂઆત કર્યા બાદ કંપનીએ તેના ઓર્ડરો પૂરા કરવાના પ્રયાસ સાથે આવકમાં ૪૦ ટકા વૃદ્વિ થકી રૂ.૮૩.૧૮ કરોડની આવક હાંસલ કરી હતી. આ સાથે કંપની તેના ચોખ્ખા નફામાં ૨૨૦ ટકાનો વધારો મેળવી શકી હતી.
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૫માં ૧:૧ શેર બોનસ, વર્ષ ૨૦૦૫માં ૧:૨ બોનસ અને વર્ષ ૨૦૦૮માં ૧:૧ શેર બોનસ આમ ત્રણ બોનસ ઈસ્યુ
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૪૨.૨૦ ટકા હોલ્ડિંગ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો નિરજ બજાજ પાસે ૨.૮૯ ટકા, મધુર બજાજ પાસે ૧.૦૮ ટકા, કિરણ બજાજ પાસે ૧.૦૨ ટકા, રાહુલ કુમાર બજાજ પાસે ૨.૩૭ ટકા, વીણા કે જગવાની પાસે ૧.૭૦ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૨.૦૬ ટા છે. જ્યારે બીટીઆર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે ૧૪.૪૯ ટકા છે. રૂ.૨ લાખ સુધી વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૨૭.૭૩ ટકા છે.
બુક વેલ્યુ : રૂ.૨ પેઈડ અપ મુજબ બુક વેલ્યુ, કૌંસમાં રૂ.૧૦ પેઈડ-અપ મુજબ. માર્ચ ૨૦૧૫ના રૂ.૪૨.૦૭(રૂ.૨૧૦.૩૫:, માર્ચ ૨૦૧૬ના રૂ.૪૧.૦૭(રૂ.૨૦૫.૩૫), માર્ચ ૨૦૧૭ના રૂ.૩૫.૩૩(રૂ.૧૭૬.૬૫), માર્ચ ૨૦૧૮ના રૂ.૪૦.૦૨(રૂ.૨૦૦.૧), માર્ચ ૨૦૧૯ના રૂ.૪૭.૧૭(રૂ.૨૩૫.૮૫), અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૬૧.૯૪(રૂ.૩૧૦)
નાણાકીય પરિણામ
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ : ચોખ્ખી આવક રૂ.૧૨૭.૦૬ કરોડની તુલનાએ ૧૦૧ ટકા વધીને રૂ.૨૫૫.૧૪ કરોડ મેળવીને એનપીએમ ૪.૬૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧.૩૧ કરોડની તુલનાએ ૭૯૭ ટકા વધીને રૂ.૧૧.૭૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૭.૧૨ હાંસલ કરી હતી.
(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ : ચોખ્ખી આવકરૂ.૫૯.૪૦ કરોડની તુલનાએ ૪૦ ટકા વધીને રૂ.૮૩.૧૮ કરોડ મેળવીને એનપીએમ ૯.૦૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨.૩૫ કરોડની તુલનાએ ૨૨૦ ટકા વધીને રૂ.૭.૫૩ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૪.૫૫ હાંસલ કરી છે.
(૩) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ : ચોખ્ખી આવક રૂ.૧૦૨.૬૯ કરોડની તુલનાએ ૪૮ ટકા વધીને રૂ.૧૫૧.૫૩ કરોડ મેળવીને એનપીએમ ૮.૩૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩.૬૮ કરોડની તુલનાએ ૨૪૬ ટકા વધીને રૂ.૧૨.૭૨ કરોડ નોંધાવી શેર દીઠ અર્ધવાર્ષિક આવક રૂ.૭.૬૯ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૦૫.૭૮ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૨૪.૪૫ કરોડ મેળવીને શેર દીઠ આવક રૂ.૧૪.૭૭ અપેક્ષિત છે.
(૫) વેલ્યુએશન : BBB : ઉદ્યોગના સરેરાશ ૨૩ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને ૨૦નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૨૯૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન ટ્રીપલ BBB
આમ (૧) ત્રણ બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૭૫.૫૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૨) પાવર સેમીકન્ડકટર, પાવર ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટસ અને રેલવે ટ્રાન્સપોર્ટેશન ઈક્વિપમેન્ટસ વિકસાવવા, ડિઝાઈનીંગ અને મેન્યુફેકચરીંગ અને માર્કેટીંગ ક્ષેત્રે સક્રિય (૩) કુલ વેચાણમાંથી ૬૫ ટકા જેટલો હિસ્સો રેલવેઝમાંથી અને બાકી વિવિધ ક્ષેત્રો જેવા કે સિમેન્ટ, સ્ટીલ અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ્સમાંથી મેળવતી (૪) ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯માં ચોખ્ખા નફામાં ૨૪૬ ટકા વૃદ્વિ હાંસલ કરીને અર્ધવાર્ષિક શેર દીઠ આવક રૂ.૭.૬૯ હાંસલ કરી લેનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૪.૭૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨ પેઈડ-અપ મુજબ રૂ.૬૧.૯૪ અને રૂ.૧૦ પેઈડ-અપ મુજબ રૂ.૩૧૦ સામે રૂ.૨ પેઈડ શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૨૦૪.૨૦ ભાવે માત્ર ૧૩.૮૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(જીઈમ્ૈં ઇઈય્. ર્શં. ૈંશલ્લ૦૦૦૦૦૦૧૦૭)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન લ્લ, મ્મ્, મ્મ્મ્, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : ચલિેહીઅીસજજ્રયસચૈન.ર્બસમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.