સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ
- અમદાવાદ સોનું રૂ. ૧૨૦૦ ઊછળીને રૂ. ૧,૦૯,૨૦૦ની નવી ટોચે : ચાંદીમાં ઊંચા મથાળે રૂ. ૧૦૦૦નું ગાબડું
- ઓકટોબરમાં ઓપેક દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતે ક્રુડ તેલમાં પીછેહઠ
અમદાવાદ, મુંબઈ : વૈશ્વિક સ્તરે સતત અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા રોકાણકારોના વધી રહેલા વિશ્વાસ વચ્ચે સોનામાં તેજીની આગેકૂચ જારી રહી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં સોનામાં સેફ હેવન માગ વધવાની ધારણાંએ ફન્ડ હાઉસોની લેવાલી જોવાઈ રહી છે. સપ્ટેમ્બરની મધ્યમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની વધતી શક્યતાએ તેમજ ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિ વચ્ચે વિશ્વ બજારમાં કિંમત ધાતુમાં ઉદભવેલી તેજી પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં નીત નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે સોનું ૯૯.૯ રૂ. ૧૨૦૦ ઊછળીને રૂ. ૧,૦૯,૨૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. અત્રે છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં નવા વિક્રમ સર્જાઈ રહ્યો છે. જોકે અત્રે ચાંદીમાં ઊંચા મથાળે રૂ. ૧૦૦૦નું ગાબડું નોંધાતા તે રૂ. ૧,૨૪,૦૦૦ની સપાટીએ બંધ રહી હતી.
સોનાની સરખામણીએ ચાંદી ઊંચા મથાળે ટકેલી રહી હતી. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ત્યાંની અપીલ કોર્ટે ગેરકાયદે ગણાવ્યા છે અને ટેરિફ મામલે હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આખા વિશ્વની નજર રહેલી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી વિશ્વ વેપારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં તેજીની આગેકૂચ જારી રહી હતી.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) તથા સભ્ય દેશોની રવિવારે મળનારી બેઠકમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં વધુ વધારો કરવા પર ઓપેક ભાર આપી રહ્યુ હોવાના અહેવાલે ક્રુડ તેલમાં બે ટકા જેટલો ઘટાડો જોવાયો હતો.
ઘરઆંગઁણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ૧૫૦૦ જેટલા વધી રૂપિયા ૧૦૬૦૨૧ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧૦૫૫૯૬ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૨૩૨૨૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૯૨૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૮૯૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૪૦૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૫૫૫ ડોલર સાથે નવી ઊંચી સપાટીએ કવોટ થતા હતા. ચાંંદી પણ ઔંસ દીઠ ૪૧ ડોલરની નવી ઊંચી સપાટીએ બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૪૧૯ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૫૨ ડોલર બોલાતું હતું.
અમેરિકન ફેડરલ રિઝર્વ વર્તમાન મહિનાની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી ધારણાં મજબૂત બનતા ફન્ડોનું સોનામાં રોકાણ વધ્યુ હતું. વ્યાજ દરમાં ઘટાડો કરાશે તો સોનામાં રેલી આવવાની અપેક્ષાએ ફન્ડોની લેવાલી રહી છે.
ઓકટોબરમાં ક્રુડ તેલનું ઉત્પાદન વધારવાના ઓપેકના સંકેતે ક્રુડ તેલમાં પીછેહઠ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૮.૦૫ ડોલર મુકાતુ હતું. ઓપેકની બેઠક રવિવારે નિર્ધારી છે.