મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ત્રણ દાયકા જૂના મ્યુચ્યુઅલ ફંડ નિયમો-ધારાધોરણોમાં ફેરફારોને માન્યા કર્યા છે. આ ફેરફારો ખર્ચ માટે સુધારેલા માળખા, વધુ સ્પષ્ટ જાહેરાત-ડિસ્કલોઝર્સ આવશ્યકતાઓ અને ફંડ હાઉસ માટે મજબૂત ગવર્નન્સ-શિસ્ત સંબંધિત છે.
નવા નિયમોનું મુખ્ય પાસું મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સને કામગીરી સાથે જોડાયેલા બેઝ એક્સપેન્સ રેશિયો ચાર્જ કરવાની મંજૂરી આપવાની જોગવાઈ છે, જે નિયમનકાર દ્વારા નિર્ધારિત શરતોને આધીન છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ જે સ્કિમના પ્રદર્શનના આધારે બેઝ એક્સપેન્સ રેશિયો ચાર્જ કરવાની ઓફર કરે છે, તે બોર્ડ દ્વારા સમયાંતરે નિર્દિષ્ટ ખર્ચ રેશિયો માળખા અને તેમાં જણાવેલા ડિસ્કલોઝરનું પાલન કરશે, એવું સેબીએ સૂચનામાં જણાવ્યું હતું.
સુધારિત નિયમોને સેબીની ડિસેેમ્બરની બોર્ડ મીટિંગમાં મંજૂર કરાયા હતા અને એ ૧, એપ્રિલ ૨૦૨૬થી અમલી બનશે.
એક મહત્વપૂર્ણ માળખાકીય ફેરફારમાં, નિયમો બેઝ એક્સપેન્સ રેશિયો (બીઈઆર)ની વિભાવના રજૂ કરે છે, જે ફક્ત રોકાણકારોના નાણાનું સંચાલન કરવા માટે એએમસી દ્વારા વસૂલવામાં આવતી ફીનું પ્રતિનિધિત્વ કરશે. બ્રોકરેજ, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ, સ્ટેમ્પ ડયુટી અને એક્સચેન્જ ફી જેવા અન્ય કરવેરા હવે અલગથી જાહેર કરવા પડશે.
સેબીએ સેગ્મેન્ટમાં બ્રોકરેજ મર્યાદાને પણ તર્કસંગત બનાવી છે. કેશ માર્કેટમાં, બ્રોકરેજ ટોચ મર્યાદા અગાઉના ૮.૫૯ બેઝિઝ પોઈન્ટથી ઘટાડીને ૬ બેઝિઝ પોઈન્ટ કરવામાં આવી છે, જ્યારે ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં, નેટ બ્રોકરેજ ટોચ મર્યાદા ૩.૮૯ બેઝિઝ પોઈન્ટથી ઘટાડીને ૨ બેઝિઝ પોઈન્ટ કરવામાં આવી છે.


