Get The App

પામતેલ ઉછળી રૂ.900 બોલાતાં નવો ઈતિહાસ રચાયો

- આયાત અંકુશો પછી ખાદ્યતેલ બજારમાં વિક્રમી ઉછાળો

- સિંગતેલ તથા કપાસિયા તેલમાં પણ ઝડપી આગેકૂચ

Updated: Jan 10th, 2020

GS TEAM

Google News
Google News
પામતેલ ઉછળી રૂ.900 બોલાતાં નવો  ઈતિહાસ રચાયો 1 - image

મુંબઈ, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં  ભાવ ૧૦ કિલોના રૂ.૯૦૦ને આંબી જતા તથા આ ભાવોએ વેપાર થતાં બજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. તાજેતરમાં સરકારે દેશમાં આયાત થતા રિફા. પામતેલ પર આયાત અંકુશો લાદયા છે અને તેના પગલે ઘરઆંગણે હવે રિફાઈન્ડ માલોની આયાત ઘટવાની તથા સામે કાચા (ક્રૂડ) પામતેલની આયાત વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. 

ભારતમાં આયાત અંકુશો છતાં વિશ્વ બજારમાં  બે દિવસથી પામતેલના ભાવ વધતા જતાં ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે પામતેલના ભાવ વધી હવાલા રિસેલના રૂ.૯૦૦ તથા જેએનપીટીના રૂ.૮૯૫ રહ્યા હતા.  

હવાલા-રિસેલંમાં આજે રૂ.૮૯૦થી ૮૯૫માં છૂટાછવાયા વેપારો થયા હતા. જ્યારે રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના વેપારો રૂ.૯૦૦માં થયા હતા. અમુક રિફાઈનરીઓ આજે રૂ.૯૧૦ના ભાવ પણ બતાવી રહી હતી.  

દરમિયાન,  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૧૯થી ૮૨૦ વાળા ઉછળી રૂ.૮૩૦  બોલાયા હતા જ્યારે  વાયદા બજારમાં સીપીઓના ભાવ ઉંચામાં રૂ.૮૩૯.૮૦ થઈ સાંજે ભાવ રૂ.૮૩૩.૮૦ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૧૫૦થી ૧૧૬૦ બોલાતા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૧૦૦થી ૧૧૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૭૮૦થી ૧૭૯૦ રહ્યા હતા. ત્યાં  કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૮૭૫થી ૮૭૮ બોલાતાં મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૯૨૦ રહ્યા હતા. 

સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૯૧૦ તથા રિફા.ના રૂ.૯૨૫થી ૯૩૦ બોલાયા હતા.  જ્યારે સનફલાવરના ભાવ રૂ.૯૦૦ તથા રિફા.ના રૂ.૯૩૦ રહ્યા હતા.  મસ્ટર્ડના  ભાવ રૂ.૯૫૦તથા કોપરેલના વધી ૧૦ કિલોના રૂ.૧૩૪૦ રહ્યા હતા.  જોકે દિવેલના ભાવ આજે  રૂ.૨ નરમ રહ્યા હતા સામે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૭૫ વાળા ૪૨૬૫ રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં આજે  કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ વધી  રૂ.૨૩૫૦૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ રૂ.૨૩૫૦૦ વાળા ૨૨૫૦૦ રહ્યા હતા.

જોકે સોયાતેલના ભાવ આંચકા પચાવી  રૂ.૩૪૯૫૭ વાળા ફરી ઉછળી રૂ.૩૬૫૨૦થી ૩૬૫૨૫ બોલાયા હતા. એરંડા ખોળના ભાવ ઘટી રૂ.૫૧૫૦ રહ્યા હતા. દરમિયાન, મલેશિયાથી પામતેલની કુલ નિકાસ  ચાલુ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં ૨૧.૬૦ ટકા  વધી ૪૫૭૮૩૧ ટન થઈ છે જે પાછલા મહિને  આ ગાલામાં  ૩૭૬૬૫૯ ટન થઈ હતી.  જોકે ત્યાંથી ભારત તરફ નિકાસ આ ગાળામાં  ૩૧૩૦૦ ટનથી ઘટી  ૧૮૫૦૦ ટન નોંધાઈ છે.

ઘરઆંગણે  આજે સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશ ખાતે  આશરે સવા લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભાવ રૂ.૪૧૫૦થી  ૪૪૦૦ રહ્યા હતા.   ત્યાં  સોયાતેલના ભાવ રૂ.૮૯૫થી ૯૦૦ તથા રિફા.ના રૂ.૯૪૦થી ૯૪૫  રહ્યા હતા.  મલેશિયામાં ડિસેમ્બરમાં પામતેલનું ઉત્પાદન  ઘટયું છે. ત્યાં સ્ટોક પણ ઘટયો છે.

 દરમિયાન, મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૪૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૪૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૧૮ હજાર ગુણી નોંધાઈ હતી તથા  મથકોએ ૨૦ કિલોના  ભાવ જાતવાર વધી રૂ.૮૮૦થી ૧૦૦૦ બોલાઈ રહ્યા હતા. 

ભારતમાં હવે પછી રિફા. ખાદ્યતેલોની આયાત  સરકાર હસ્તકની એજન્સીઓ મારફત જ કરાશે એવી શક્યતા પણ બજારમાં  આજે ચર્ચાઈ રહી હતી. અમેરિકામાં શિકાગો સોયાતેલ ઓવરનાઈટ ૮થી ૧૧ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે વધુ ૫થી ૬ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા.


Tags :