Netflix WBD Deal : મનોરંજન જગતમાં અત્યાર સુધીના સૌથી મોટા સોદામાં, વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) હોલિવૂડની દિગ્ગજ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરી (WBD)ને ખરીદવાની જાહેરાત કરી છે. આ ડીલ 82.7 બિલિયન (અંદાજે 6.88 લાખ કરોડ રૂપિયા) ડૉલરમાં થઈ છે. આ ડીલને કારણે 'હેરી પોટર' જેવી ફિલ્મો અને 'ફ્રેન્ડ્સ' તથા HBOના પ્રીમિયમ શો હવે નેટફ્લિક્સના અધિકારક્ષેત્રમાં આવી જશે.

શું છે આ ડીલ અને ભારત માટે કેમ છે ખાસ?
આ ડીલ હેઠળ, WBD તેની ગ્લોબલ ટીવી નેટવર્ક (જેમ કે CNN, ડિસ્કવરી ચેનલ) ને 'ડિસ્કવરી ગ્લોબલ' નામની નવી કંપનીમાં અલગ કરશે. ત્યારબાદ, હોલિવૂડના સૌથી મોટા સ્ટુડિયોમાંથી એક, વોર્નર બ્રધર્સ, અને HBO તથા HBO Max જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર નેટફ્લિક્સનું નિયંત્રણ આવી જશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે. નિષ્ણાતોના મતે, આ ડીલ ભારતના સ્ટ્રીમિંગ ઉદ્યોગ માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ સાથે ભારતમાં 2027માં યોજાનાર મહત્ત્વપૂર્ણ ક્રિકેટ મેચના રાઈટ્સ કોની પાસે જશે તે બાબત ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
કન્ટેન્ટનો ખજાનો: HBOના શાનદાર શો અને વોર્નર બ્રધર્સની બ્લોકબસ્ટર ફિલ્મો હવે નેટફ્લિક્સ પર આવવાથી, તે ગ્લોબલ હિટ્સ માટે એકમાત્ર પ્રીમિયમ પ્લેટફોર્મ બની જશે.
અન્ય પ્લેટફોર્મ્સને ફટકો: જેમ જેમ અન્ય OTT પ્લેટફોર્મ્સ (જેમ કે JioCinema, Amazon Prime) સાથેના WBDના હાલના કરાર પૂરા થશે, તેમ તેમ તેમની પાસેથી આ લોકપ્રિય કન્ટેન્ટ જતું રહેશે.
ક્રિકેટ રાઇટ્સ પર નજર?
સૌથી મોટો ગેમ ચેન્જર ક્રિકેટના પ્રસારણ અધિકારો સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ ડીલથી મજબૂત બનેલું નેટફ્લિક્સ, ભારતમાં જબરદસ્ત વૃદ્ધિ મેળવવા માટે 2027માં ક્રિકેટના પ્રસારણ અધિકારો ખરીદવા માટે બોલી લગાવી શકે છે. જોકે, હજુ સુધી નેટફ્લિક્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હરીફોની રણનીતિ બદલાશે
એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, આ ડીલ પછી અન્ય પ્લેટફોર્મ્સે તેમની રણનીતિ બદલવી પડશે. તેમને હવે સ્પોર્ટ્સ રાઇટ્સ, પ્રાદેશિક ઓરિજિનલ કન્ટેન્ટ અને જાહેરાત-આધારિત મોડેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આનાથી સ્પર્ધા વધશે અને દર્શકોને કિંમત, પેકેજ અને સ્થાનિક વાર્તાઓમાં વધુ નવીનતા જોવા મળશે.


