આગામી દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર પાછળ રૂ.235 ટ્રિલિયનના રોકાણની આવશ્યકતા
- ખાનગી રોકાણકારોની ગેરહાજરીમાં વધુ પડતા ખર્ચ રાજ્યોએ જ કરવા પડશે
, તા. 27 નવેમ્બર 2019, બુધવાર
આગામી એક દાયકામાં દેશની માળખાકીય સુવિધા પાછળ રૂપિયા 235 ટ્રિલિયનના ઈન્વેસ્ટમેન્ટની આવશ્યકતા રહેશે. આવનારા દસ વર્ષમાં અપેક્ષિત કુલ ઈન્વેસ્ટમેન્ટમાં પચાસ ટકા જેટલા ઈન્વેસ્ટમેન્ટ સાથે રોડ સેકટર પ્રોજેકટસમાં આન્ધ્ર, તેલંગણા તથા હરિયાણા આગેવાની લે તેવી વકી હોવાનું ક્રિસિલ ઈન્ફ્રાસ્ટ્રકચર એડવાઈઝરી (સીઆઈએ)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
આ રાજ્યોનો બેઝ નીચો હોવાથી તેઓ આગેવાની લેશે તેવી ધારણાં છે. આગામી પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ રૂપિયા 100 ટ્રિલિયનના ઈન્વેસ્ટમેન્ટ કરાશે એવા બીજેપીના ચૂંટણી ઢંઢેરાની સરખામણીએ આ રકમ બમણી છે.
રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ તાજેતરના વર્ષોમાં ઊંચા ખર્ચ કરનારા રાજ્યો હતા પરંતુ દેવાબોજમાં વધારો થતા તેઓ હાલમાં નાણાંભીડ અનુભવી રહ્યા છે.
આગામી દાયકામાં દેશભરમાં રૂપિયા 235 ટ્રિલિયનના ઈન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડીંગની આવશ્યકતા છે. અને આ સિદ્ધ કરવા માટે ભારતનું ઈન્ફ્રા ખર્ચ જીડીપીના 6 ટકાથી વધુ રહેવું જોઈએ અને વાર્ષિક વિકાસ દર સરેરાશ 7.50 ટકા રહેવો જરૂરી છે એમ સીઆઈએ દ્વારા જણાવાયું છે.
જ્યાં સુધી રાજ્યો ઈન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટના 50 ટકા યોગદાન નહીં આપે ત્યાંસુધી ભારતની શરૂ થયેલી ગતિમાં અવરોધ આવી શકે છે. તાજેતરના વર્ષોમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટ ઘટી ગયું છે ત્યારે અને કેન્દ્રના ખર્ચમાં રાજકોષિય મર્યાદાઓને જોતા રાજ્યોએ જાહેર ખર્ચ કરવાનું ચાલુ રાખ્યું છે.
આવી સ્થિતિમાં રાજ્યોએ મૂડીખર્ચના સ્તરને ઊંચુ જાળવી રાખવું હશે તો રાજકોષિય તંદૂરસ્તીને મજબૂત બનાવવી પડશે અને સંસ્થાકીય ક્ષમતા ઊભી કરવી પડશે.