NBFC ફંડ માટે બોન્ડ બજાર પર નજર દોડાવશે
- રીઝર્વ બેન્કના આકરા પગલાંની અસર
- નાણાં સંસ્થાઓ માટે બેન્કો ભંડોળ મેળવવાનો મુખ્ય સ્ત્રોત રહી છે
મુંબઈ : અનસિક્યોર્ડ લોન સંદર્ભમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસીસ) તથા બેન્કો માટે સખત ધોરણો જાહેર કર્યા બાદ એનબીએફસીસે પોતાના ભંડોળની આવશ્યકતા પૂરી કરવા બોન્ડ બજારમાં નજર દોડાવવાની ફરજ પડશે નાણાં ક્ષેત્રની સુત્રો જણાવી રહ્યા છે.
આરબીઆઈના નવા ધોરણોને પરિણામે બેન્કો પાસેથી નાણાં મેળવવાનું એનબીએફસીસ માટે થોડુંક મુશકેલ બની રહેશે.
વર્તમાન વર્ષના માર્ચના અંત સુધીમાં એનબીએફસીસના કુલ બોરોઈંગમાંથી ૪૧.૨૦ ટકા જેટલું બોરોઈંગ તેમણે બેન્કો પાસેથી મેળવ્યું હતું તેમાં હવે ઘટાડો જોવા મળવા સંભવ છે.
બેન્કો દ્વારા એનબીએફસીસને પૂરા પડાતા ધિરાણ પેટે રિસ્ક વેઈટને રિઝર્વ બેન્કે ૨૫ ટકાનો વધારો કર્યો છે.
રિઝર્વ બેન્કના નિર્ણય બાદ એનબીએફસીસે તેમના વેપાર મોડેલમાં ફેરબદલ કરવાની આવશ્યકતા ઊભી થશે અને ભંડોળ માટે બેન્કો પરની નિર્ભરતા ઘટાડવાનો વારો આવશે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
સારા રેટિંગ્સ સાથેની એનબીએફસીસ માટે હાલમાં બોન્ડ માર્કેટ નાણાં મેળવવાનું મુખ્ય સ્રોત બની રહેશે. એનબીએફસીસ ટૂંકા ગાળાના કમર્સિઅલ પેપર્સ મારફત નાણાં ઊભા કરી શકે છે, પરંતુ તેના પર વધુ પડતા આધારથી એસેટ-લાયાબિલિટીની અસમતુલા ઊભી થવાની શકયતા છે.
રિઝર્વ બેન્કના નિર્ણયને કારણે એનબીએફસીસ માટે બોરોઈંગ ખર્ચમાં વધારો થશે, તેવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
વર્તમાન નાણાં વર્ષમાં કંપનીઓ તથા નાણાં સંસ્થાઓએ બોન્ડસ મારફત અત્યારસુધીમાં રૂપિયા ૫.૩૧ ટ્રિલિયન ઊભા કર્યા છે, જે ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં રૂપિયા ૮.૭૦ ટ્રિલિયન ઊભા કરાયા હતા.