મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે
- સ્મોલ કેપ ફંડોમાં ૨૫ ટકા વધીને રૂ.૪૦૨૪ કરોડ અને મિડ-કેપ ફંડોમાં ૩૪ ટકા વધીને રૂ.૩૭૫૪ કરોડ થયું
- જૂનમાં SIP રોકાણ રૂ.૨૭,૦૦૦ કરોડ ક્રોસ : ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ૬૧૩ ટકા વધીને રૂ.૨૦૮૦ કરોડ
ઈક્વિટી ફંડોમાં રોકાણ ૨૪ ટકા વધીને રૂ.૨૩,૫૬૮ કરોડ
મુંબઈ : ઈક્વિટીમાં માર્ક-ટુ-માર્કેટ વધારાના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ નેટ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) મે મહિનાના રૂ.૭૧.૯૩ લાખ કરોડની તુલનાએ વધીને જૂન ૨૦૨૫માં ૩ ટકા વધીને રૂ.૭૪.૧૪ લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચી છે. જે એપ્રિલમાં રૂ.૬૯.૯૯ લાખ કરોડ રહી હતી. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ચોખ્ખું રોકાણ મે ૨૦૨૫ના મહિનાના રૂ.૧૮,૯૯૪.૫૬ કરોડની તુલનાએ ૨૪ ટકા વધીને જૂન ૨૦૨૫માં રૂ.૨૩,૫૬૮ કરોડ થયું છે. જે એપ્રિલના રૂ.૨૪,૨૫૩ કરોડની તુલનાએ હજુ ઓછું રહ્યું છે.
એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા આજે જાહેર થયેલા જૂન મહિનાના આંકડામાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી રોકાણ મે ૨૦૨૫ મહિનાના રૂ.૨૬,૬૮૮ કરોડની તુલનાએ વધીને જૂન ૨૦૨૫માં સર્વોચ્ચ રૂ.૨૭,૨૬૯ કરોડ નોંધાયું છે. ૧૧ સબ-કેટેગરીમાંથી ઈલએસએસ સિવાય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની તમામ કેટેગરીના ફંડોમાં પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો છે.
ફ્લેક્સી કેપ ફંડોમાં રોકાણ મે મહિનાના રૂ.૩૮૪૧ કરોડની તુલનાએ જૂનમાં ૪૯ ટકા વધીને રૂ.૫૭૩૩ કરોડ થયું છે. સ્મોલ કેપ ફંડોમાં ૨૫ ટકા વધીને રૂ.૪૦૨૪ કરોડ અને મિડ-કેપ ફંડોમાં ૩૪ ટકા વધીને રૂ.૩૭૫૪ કરોડ થયું છે. ઈએલએસએસ એટલે કે ટેક્સ-સેવિંગ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ જાવક રૂ.૫૫૬ કરોડની રહી છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ઉપાડ જૂનમાં રૂ.૧૭૧૧ કરોડ રહ્યો છે. જે મે મહિનામાં રૂ.૧૫,૯૦૮ કરોડનો ચોખ્ખો રોકાણ ઉપાડ રહ્યો હતો. ૧૬ સબ-કેટેગરીમાંથી ૮ કેટેગરીમાં પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો છે. જ્યારે અન્ય ૮ ફંડોમાં રોકાણ જાવક રહી છે.
શોર્ટ ડયુરેશન ફંડોમાં રોકાણ પ્રવાહ સૌથી વધુ રૂ.૧૦,૨૭૬ કરોડ રહ્યો છે. જે પાછલા સમાનગાળામાં રૂ.૯૪૮૪ કરોડ રહ્યો હતો. ડાયનામિક બોન્ડ ફંડોમાં રોકાણ પ્રવાહ સૌથી ઓછો રૂ.૪૪ કરોડ રહ્યો છે. જ્યારે લિક્વિડ ફંડોમાં રોકાણ જાવક જૂનમાં રૂ.૨૫,૧૯૬ કરોડ નોંધાઈ છે. જે મે મહિનામાં રોકાણ રૂ.૪૦,૨૦૫ કરોડ પોઝિટીવ રહ્યું હતું. ઓવરનાઈટ ફંડોમાં રોકાણ જાવક રૂ.૮૧૫૪ કરોડ અને મીડિયમ ડયુરેશન ફંડોમાં રોકાણ જાવક રૂ.૬૦.૯૮ કરોડની રહી છે. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ ૧૨ ટકા વધીને રૂ.૨૩,૨૨૨ કરોડ થયું છે. આર્બિટ્રાજ ફંડોમાં રોકાણ રૂ.૧૫,૫૮૪ કરોડ રહ્યું છે.
મલ્ટિ-એસેટ એલોકેશન ફંડોમાં રોકાણ રૂ.૩૨૦૯ કરોડ અને ડાયનામિક એસેટ એલોકેશન-બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડોમાં જૂનમાં રૂ.૧૮૮૫ કરોડનું રોકાણ થયું છે. અન્ય સ્કિમોમાં પેસિવ ફંડોમાં ઈન્ડેક્સ ફંડો અને ઈટીએફમાં માસિક ધોરણે ૨૮ ટકાનો ઘટાડો થયો છે. આ ફંડોમાં રોકાણ મે મહિનાના રૂ.૫૫૨૫ કરોડની તુલનાએ ઘટીને જૂનમાં રૂ.૩૯૯૭ કરોડ થયું છે. ચાર સબ-કેટેગરીમાં પોઝિટીવ રોકાણ પ્રવાહ પોઝિટીવ રહ્યો હતો. ગોલ્ડ ઈટીએફમાં સૌથી વધુ ૬૧૩ ટકા વધીને રૂ.૨૦૮૦ કરોડ અને ઈન્ડેક્સ ફંડોમાં રૂ.૧૦૪૩ કરોડનો રોકાણ પ્રવાહ રહ્યો હતો.
અન્ય ઈટીએફમાં રોકાણ રૂ.૮૪૪ કરોડનું અને ફંડ ઓફ ફંડ્સમાં રૂ.૨૮ કરોડ થયું છે. આમ એકંદર મ્યુચ્યુઅલ ફંડોમાં કુલ રોકાણ મે મહિનાના રૂ.૨૯,૫૭૨ કરોડની તુલનાએ જૂનમાં ૬૭ ટકા વધીને રૂ.૪૯,૩૦૧ કરોડ નોંધાયું છે.