Get The App

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે

- વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં અભૂતપૂર્વ તેજી

- વૈશ્વિક સોનું ૩૫૦૦ ડોલરની નજીક : આયાત ડયૂટીની વસૂલાત માટેના ટેરિફ દરમાં વધારો: ક્રુડ તેલમાં સુધારો

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે 1 - image


મુંબઈ : સપ્ટેમ્બરમાં   ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાની ધારણાં, ડોલરમાં નબળાઈ તથા વૈશ્વિક સ્તરે  રાજકીયભૌગોલિક સમીકરણોમાં આવી રહેલા બદલાવને પરિણામે વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવાઈ રહી છે. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ સોમવારે ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા અને  ૩૫૦૦ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી લગભગ ૨૦ ડોલરનું છેટું  હતું. ચાંદી પણ ૨૦૧૧ બાદ  ઔંસ દીઠ ૪૦ ડોલરની ઊંચી સપાટીએ જોવા મળી છે. 

અમેરિકાની અપીલ કોર્ટે પણ ટેરિફને લઈને આપેલા ચુકાદાથી પણ હેજ ફન્ડો  ગોલ્ડમાં સેફ હેવન રોકાણ તરફ વળ્યા હતા. વિશ્વ બજારની તેજીને પરિણામે ઘરઆંગણે  સોનાચાંદીમાં નવા વિક્રમી ભાવ જોવા મળ્યા છે.  વૈશ્વિક તેજી ઉપરાંત સોનાચાંદી પર આયાત ડયૂટીની ગણતરી માટેની ટેરિફમાં વધારાને કારણે ુપણ સ્થાનિકમાં ભાવ ઊંચા બોલાતા હતા. ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં સુધારા તરફી વલણ રહ્યું હતું.  

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૪૪૯૩ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર રૂપિયા ૧૦૪૦૭૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૮૦૦ સાથે ઓલટાઈમ હાઈ રહ્યા હતા. જીએસટી સાથે ભાલ રૂપિયા ૧૨૬૦૦૦થી વધુ મુકાતા હતા. 

સોનાચાંદીની આયાત ડયૂટીની ગણતરી માટે નિશ્ચિત કરાતી ટેરિફ વેલ્યુમાં કસ્ટમ સત્તાવાળાઓએ વધારો કરીને સોના માટે પ્રતિ દસ ગ્રામ ૧૦૯૭ ડોલર કરી છે જે અગાઉ ૧૦૮૩ ડોલર હતી. ચાંદી  માટેની ટેરિફ વેલ્યુ પ્રતિ કિલો ૧૨૪૬ ડોલરથી વધારી ૧૨૫૭ ડોલર કરવામાં આવી છે. ટેરિફ વેલ્યુ વધારાતા આયાત  પડતર ભાવમાં વધારો થયો છે.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૭૭૦૦ અને ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ ૧૦૭૪૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૨૫૦૦ કવોટ થતા હતા. અમદાવાદમાં સોનાચાંદીમાં નવા વિક્રમી ભાવ જોવાયા હતા.વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૪૭૮ ડોલર અને ચાંદી ઔંસ દીઠ ૪૦.૬૫ ડોલર સાથે પંદર વર્ષની ટોચે જોવા મળી હતી. સોનું તેની ૩૫૦૦ ડોલરની ટોચેથી ૨૨ ડોલર દૂર રહ્યું છે. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ  ઔંસ દીઠ ૧૪૧૧ ડોલર જ્યારે પેલેડિયમ  પ્રતિ ઔંસ ૧૧૩૦ ડોલર બોલાતું હતું.

અમેરિકામાં અપીલ કોર્ટે ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. જે ટેરિફ નાબુદ થશે તો ક્રુડ તેલની માગમાં વધારો થવાની ગણતરીએ ભાવમાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો જોવા મળ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૪.૭૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ  બેરલ દીઠ ૬૮.૨૯ ડોલર મુકાતુ હતું. 


Tags :