મુંબઈ સોનુ રૂપિયા 1,00,000ની અંદર
- અમેરિકા-યુરોપ ટેરિફ કરારમાં પ્રગતિથી વેપાર તાણ ઘટવાના સંકેતે ક્રુડ તેલ મક્કમ
- વૈશ્વિક કિંમતી ધાતુમાં પીછેહઠ : સેફ હેવન માંગમાં ઘટાડો
મુંબઈ : જાપાન સાથે ટેરિફ કરાર બાદ હવે અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચે પણ ટેરિફ કરાર થવાની વધેલી તકોને પરિણામે વિશ્વબજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઐતિહાસિક સપાટીએથી પીછેહઠ જોવા મળી હતી. ટેરિફ કરારને કારણે વેપાર તાણ ઘટશે અને વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનશે તેવી ગણતરીએ સોનાચાંદીમાં સેફહેવન માગ ઘટવા સાથે પીછેહઠ રહી હતી જ્યારે ડોલર ઈન્ડેકસ સુધારા તરફી રહ્યો હતો.
ભારત અને યુકે વચ્ચે વેપાર કરાર થતા સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનાએ ૩૪૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં ભાવ ઊંચા મથાળેથી ઘટયા હતા. ટેરિફ વોર થાળે પડવા સાથે વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનશે તેવી ધારણાંએ ક્રુડ તેલ મક્કમ રહ્યું હતું.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૦૦,૦૦૦ની અંદર ઊતરી રૂપિયા ૯૮૮૮૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૮૪૮૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ સહેજ નરમ પડી રૂપિયા ૧૧૫૦૯૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૪૦૦ ડોલરની અંદર સરકી મોડી સાંજે ૩૩૬૦ ડોલર મુકાતુ હતુ. ચાંદી ઔંસ દીઠ ૩૯ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ ઘટી પ્રતિ ઔંસ ૧૨૬૨ ડોલર જ્યારે પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૧૫ ડોલર મુકાતુ હતુ. ટેરિફ વોર ધીરે ધીરે હળવી થઈ રહી હોવાના સંકેતે કિંમતી ધાતુમાં સેફ હેવન માગ ઘટી હતી.
અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટીને આવતા ક્રુડ તેલના ભાવને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત ટેરિફ વોર શાંત પડી રહ્યાના સંકેતે પણ ભાવને ટકાવી રાખ્યા હતા. ટેરિફ વોર શાંત પડશે તો વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો જોવા મળવાની અપેક્ષા રખાઈ રહી છે. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ પ્રતિ બેરલ ૬૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૯.૧૮ ડોલર મુકાતુ હતું.