MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો
- નાણાકીય વર્ષ ૨૦૨૫માં સક્રિય લોનની સંખ્યા ઘટીને ૨.૧૪ કરોડ થઈ
અમદાવાદ : ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ક્ષેત્રને આપવામાં આવેલી કુલ લોન હવે ૪૦ લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગઈ છે. રિપોર્ટ મુજબ, માર્ચ ૨૦૨૫ સુધી એમએસએમઈ દ્વારા મળેલી કુલ લોન ગયા વર્ષ કરતા ૨૦% વધુ હતી.
આ વધારા પાછળનું મુખ્ય કારણ એ છે કે બેંકો દ્વારા પ્રાથમિકતા ક્ષેત્રો માટે ધિરાણ આપવાની નીતિ મજબૂત બનાવવામાં આવી છે, તેમજ સરકારે એમએસએમઈ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ ઉપરાંત, વ્યવસાયમાં વધતા ડિજિટાઇઝેશનને કારણે પણ લોન મેળવવાનું સરળ બન્યું છે.
જોકે, ચાલુ લોન ખાતાઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. અહેવાલ દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં સક્રિય લોનની સંખ્યા ઘટીને ૨.૧૪ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા કરતા ૧.૩% ઓછી છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં, તેમાં લગભગ ૨૪% નો વધારો નોંધાયો હતો.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે એમએસએમઈ ક્ષેત્રનો લોન પોર્ટફોલિયો હવે પહેલા કરતા સારી સ્થિતિમાં છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં, ૩૧થી ૯૦ દિવસના વિલંબ સાથે લોનનો ગુણોત્તર ૧.૭% પર સ્થિર રહ્યો છે, જ્યારે ૯૧થી ૧૮૦ દિવસની લોનમાં સુધારો જોવા મળ્યો હતો અને આ ગુણોત્તર ઘટીને ૧.૨% થયો છે. ૧૮૦ દિવસથી વધુ વિલંબ સાથે લોનનો ગુણોત્તર પણ ૫.૭% પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષ કરતા ૯૦ બેસિસ પોઈન્ટ ઓછો છે.