મોંઘવારીનો ડામ! મધર ડેરીએ દૂધના ભાવમાં લિટરે 2 રુપિયાનો વધારો ઝીંક્યો
Mother Dairy Hikes Milk Price: મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ વર્તમાન કિંમત કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. નવા ભાવ બુધવાર (30મી એપ્રિલ) અમલમાં આવ્યા છે. નવી કિંમતો દિલ્હી-એનસીઆર સહિત દેશભરના તમામ રાજ્યો માટે અસરકારક રહેશે.
મધર ડેરીએ ભાવ કેમ વધાર્યા?
કંપનીનું કહેવું છે કે ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ 4થી 5 રૂપિયા વધી ગયો હોવાથી ભાવમાં વધારો થયો છે. આનું મુખ્ય કારણ દેશભરમાં ઉનાળાની ઋતુની વહેલી શરૂઆત અને ઘણાં રાજ્યોમાં ચાલી રહેલી ગરમીનું મોજું છે, જેના કારણે પ્રાણીઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયાથી વધીને 57 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ. ફુલ ક્રીમ દૂધ (પાઉચ) 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા પ્રતિ લિટર થયું. ડબલ ટોન્ડ દૂધનો ભાવ 49 રૂપિયાથી વધીને 51 રૂપિયા પ્રતિ લિટર અને ગાયના દૂધનો ભાવ 57 રૂપિયાથી વધીને 59 રૂપિયા પ્રતિ લિટર થયો છે. પેક વગરના ટોન્ડ દૂધનો ભાવ 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થયો.
જો દૂધના ભાવ વધશે તો શું થશે?
દૂધના ભાવમાં વધારા સાથે લોકો તેની અસર મોટા પાયે અનુભવશે. દૂધના ભાવમાં વધારાથી ઘરના બજેટ પર અસર પડશે, દૂધના ઉત્પાદનો મોંઘા થશે. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધોના પોષણ પર અસર પડશે. દૂધના ભાવમાં વધારાને કારણે, કેટલાક પરિવારો તેનો વપરાશ ઘટાડશે. ઉપરાંત, સરકાર પર કિંમતોને નિયંત્રિત કરવા માટે દબાણ રહેશે.