સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો
- સમગ્ર સેવા ક્ષેત્રમાં ફક્ત ૨.૮ ટકા મોટા સાહસોનું વર્ચસ્વ, તેમનો GVAમાં બે તૃતીયાંશ હિસ્સો
અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, ૮૨.૪ ટકા કોર્પોરેટ સર્વિસ એન્ટિટી ખાનગી લિમિટેડ કંપનીઓ હતી. બુધવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (એનએસઓ) દ્વારા જાહેર કરાયેલા ભારતના સેવા ક્ષેત્રના પોતાના પ્રકારના પ્રથમ સર્વેક્ષણમાં આ વાત પ્રકાશમાં આવી છે. બાંધકામ, વેપાર અને અન્ય સેવાઓ સહિત તમામ મુખ્ય પ્રવૃત્તિ શ્રેણીઓમાં આ સ્થિતિ જોવા મળી છે.
પાયલોટ સ્ટડી ઓન એન્યુઅલ સર્વે ઓફ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝ નામનો આ સર્વે ગયા વર્ષે એનએસઓ દ્વારા મે ૨૦૨૪થી ઓગસ્ટ ૨૦૨૪ અને નવેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો. આમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કના ડેટાનો ઉપયોગ સાહસોને ઓળખવા માટે કરવામાં આવ્યો હતો.
સર્વેના ડેટા દર્શાવે છે કે ફક્ત ૮.૫ ટકા સેવા સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓ હતા અને ૭.૯ ટકા સાહસો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) હતા.સર્વેએ પણ દર્શાવે છે કે ભારતના સેવા ક્ષેત્રમાં રૂ. ૫૦૦ કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા મોટા ઉદ્યોગોનું વર્ચસ્વ છે. કુલ મૂલ્યવર્ધિત (જીવીએ)માં તેમનો હિસ્સો બે તૃતીયાંશ છે, જ્યારે સેવા ક્ષેત્રનો એકંદર હિસ્સો માત્ર ૨.૮ ટકા છે.
મૂડી ખર્ચમાં મોટી કંપનીઓનો હિસ્સો ૬૨.૩ ટકા હતો અને સ્થિર સંપત્તિમાં પણ એટલો જ હિસ્સો હતો. બાકી લોનમાં તેમનો હિસ્સો ૩૬.૧ ટકા છે અને રોજગાર સર્જનમાં તેમનો હિસ્સો ૩૭ ટકાથી ઓછો છે.