Get The App

ચાર વર્ષમાં 40 લાખથી વધુ નવા ડિમેટ એકાઉન્ટ ખુલ્યા, બ્રોકરો 40 ટકા ઘટયા

- રેગ્યુલેટરી કમ્પલાયન્સ વધતાં અને ડિસ્કાઉન્ટ બ્રોકિંગ, ફુલબુકે બ્રોકિંગ હાઉસોની હરિફાઈમાં અનેક બ્રોકરોએ બિઝનેસ બંધ કર્યો

Updated: Dec 24th, 2024

GS TEAM

Google News
Google News
ચાર વર્ષમાં 40 લાખથી વધુ નવા ડિમેટ એકાઉન્ટ ખુલ્યા, બ્રોકરો 40 ટકા ઘટયા 1 - image


મુંબઇ : દેશમાં શેર બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવો રોકાણકાર વર્ગ પ્રવેશ્યા સાથે ઈક્વિટી રોકાણમાં જંગી વધારો થયો છે. યુવા વર્ગનું શેરોમાં રોકાણ આકર્ષણ વધ્યા સાથે છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ નવા ડિમેટ એકાઉન્ટો ખુલ્યા છે, પરંતુ બીજી તરફ બ્રોકિંગ બિઝનેસમાં એક તરફ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ સાહસો તરફથી તીવ્ર હરિફાઈ અને  ફુલબુકે બ્રોકિંગ બિઝનેસમાં રહેલા પોતાનું કોર્પોરેટ-બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા મોટા બ્રોકિંગ હાઉસો તરફથી હરિફાઈના પરિણામે નાનાથી મધ્યમ અનેક બ્રોકિંગ હાઉસોનો મૃત્યુઘંટ વાગી ગયો છે. ઘણા બ્રોકરોએ તેમનો બિઝનેસ બંધ કરવા સાથે નવા નાનાથી મધ્યમ સાહસિકો આ ક્ષેત્રે પ્રવેશવાથી દૂર રહેતાં બ્રોકરોની સંખ્યામાં ધરખમ ૪૦ ટકાનો ઘટાડો થયો છે. 

બ્રોકિંગ ક્ષેત્રે માર્ચ ૨૦૨૧માં શેર બજારો પર રજીસ્ટર્ડ બ્રોકરોની સંખ્યા જે ૮૨૬૯ બ્રોકરની હતી એ નવેમ્બર ૨૦૨૪માં ઘટીને ૫૦૯૧ રહી ગઈ છે. જે ૪૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સામે ડિમેટ  એકાઉન્ટોની સંખ્યા આ સમયગાળામાં ૫.૫૦ કરોડથી ત્રણ ગણાથી વધુ વધીને ૧૮.૨ કરોડ એકાઉન્ટની પહોંચી છે.

 બજારના નિષ્ણાંતોના મતે એક તરફ હરિફાઈ અને બીજી બાજુ રેગ્યુલેટરી કમ્પલાયન્સમાં નિયામક તંત્રો દ્વારા સતત વધારા અને સતત ઈન્નોવેશન સાથે ટેકનોલોજીમાં રોકાણનો ખર્ચ વધતો હોઈ મોટા બ્રોકિંગ હાઉસો સામે નાનાથી મધ્યમ બ્રોકરોએ ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.

આ દરમિયાન હવે સબ-બ્રોકરો તરીકે ઓળખ ધરાવતા ઓથોરાઈઝ્ડ પર્સન્સ (એપીઝ) જે સબ-બ્રોકરોની સંખ્યામાં પણ નોંધનીય વૃદ્વિ થઈ છે. બન્ને શેર બજારો પર રજીસ્ટર્ડ ઓથોરાઈઝ્ડ પર્સન્સની સંખ્યા બે લાખથી વધુ થઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં કોટક સિક્યુરિટીઝ દ્વારા નવ મિડ  સાઈઝ્ડ સ્ટોક બ્રોકરો એપીઝ તરીકે જોડાયા છે.

 અલબત એપીઝની સંખ્યામાં થઈ રહેલા વધારો ઉદ્યોગ માટે નવી સમસ્યા ઊભી કરી રહ્યાનું અને અનરેગ્યુલેટેડ એપીઝ દ્વારા ગ્રાહકોને આકર્ષવા અનરેગ્યુલેટેડ પ્રોડક્ટસને પ્રોત્સાહન આપીને ઓફરિંગ થઈ રહ્યાના કિસ્સા પણ વધી રહ્યા છે. જો કે સેબી આ પ્રકારના એપીઝ માટે કડક નિયમનો લાદવા પર કામ કરી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે, એપી સર્વિસ માટે સ્પષ્ટ વ્યાખ્યા, માન્યતા માટે એનઆઈએસએમ પરીક્ષા, કમિશન પર મર્યાદા, વ્યક્તિનો ભૂતકાળ એ સહિતના માપદંડો દાખલ કરવામાં આવે એવી શકયતા છે. કડક ધોરણો થકી સિસ્ટમનો આવા વર્ગ દ્વારા દુરૂપયોગને અટકાવી શકાશે. શેર બજારો દ્વારા પણ એપીઝને લેતાં પહેલા તેમનું યોગ્ય ડયુ ડિલિજન્સ અને તપાસ કરવા બ્રોકરોને  સૂચના આપવામાં આવી છે.

Tags :