રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત
- એક બાજુ સારુ ચોમાસુ તો બીજી બાજુ ટ્રમ્પનું ટેરિફ ટેરર
મુંબઈ : એક તરફ અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય અને રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ધીમી પડવાની શકયતા જ્યારે બીજી બાજુ દેશમાં ચોમાસાની સારી સ્થિતિને ધ્યાનમાં રાખી સોમવારથી અહીં શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠકમાં રેપો રેટના નિર્ણય સંદર્ભમાં મિશ્ર મત વ્યકત થઈ રહ્યા છે. એક વર્ગ રેપો રેટ જળવાઈ રહેવાની ધારણાં રાખે છે જ્યારે બીજા કેટલાક તેમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવશે તેમ માની રહ્યો છે.
માર્ચ ૨૦૨૬ સુધીમાં ફુગાવો ફરી વધી ૪.૫૦ ટકા પર આવી જવાની શકયતાને ધ્યાનમાં રાખતા એમપીસી હાલમાં રેપો રેટ જાળવી રાખશે તેવી સંભાવના વધુ છે એમ એક બેન્કરે જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૭માં ફુગાવો ચાર ટકાની નજીક જળવાઈ રહેવાની જ્યાંસુધી ખાતરી ન થાય ત્યાંસુધી રેપો રેટમાં કોઈ ઘટાડો ન થાય તે જ યોગ્ય ગણાશે.
રિઝર્વ બેન્ક દ્વારા લિક્વિડિટીની જે રીતે ઠાલવણી કરવામાં આવી છે તેને જોતા રેપો રેટ યથાવત રહેશે તેવી એસબીઆઈ મ્યુચ્યુઅલ ફન્ડના એક અર્થશાસ્ત્રીએ ધારણાં વ્યકત કરી હતી.
જો કે વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટથી નીચે રહેવાના અંદાજને ધ્યાનમાં રાખતા રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાની ઈક્રાના સુત્રોએ ધારણાં મૂકી હતી. એમપીસીની મીટિંગ જે અગાઉ ૫થી ૭ ઓગસ્ટ મળનારી હતી તે હવે ૪થી ૬ ઓગસ્ટના યોજાઈ રહી છે.
દિવાળી પહેલા ધિરાણમાં વૃદ્ધિ લાવવા રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની ધારણાં છે, એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. દિવાળી પહેલા રેપો રેટમાં ઘટાડાથી ધિરાણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનો તેમણે દાવો કર્યો હતો.
હાલમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ જોવાઈ રહી છે અને ખરીફ પાકની વાવણી પણ પ્રગતિના પંથે છે ત્યારે ખાધ્ય પદાર્થોનો ફુગાવો નીચો રહેવાની અપેક્ષા છે. જો કે ખરીફ પાકના અંદાજ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે એમ એક બેન્કરે જણાવી હાલમાં રેપો રેટ જૈસે થે રહેવાની શકયતા વ્યકત કરી હતી.