મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી
- સ્પર્ધા પંચે અત્યાર સુધીમાં ૧,૨૮૪ મર્જર અને એક્વિઝિશન કેસમાંથી ૧,૨૫૬ને મંજૂરી આપી છે
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નિયમનકારી વ્યવસ્થા કડક હોવી જોઈએ પરંતુ જો સ્પર્ધા માટે કોઈ ખતરો ન હોય તો મર્જર અને એક્વિઝિશન સોદાઓને સ્પર્ધા પંચે તાત્કાલિક અને કોઈપણ મુશ્કેલી વિના મંજૂરી આપવી જોઈએ.
નાણામંત્રીએ કહ્યું, જ્યારે સમગ્ર વિશ્વ નિકાસ, ઉર્જા અને ઉત્સર્જન મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે વૃદ્ધિ માટે સ્થાનિક પરિબળો પર વધતી જતી નિર્ભરતા વચ્ચે નિયમો અને સ્વતંત્રતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે. નિયમનકારી મંજૂરીમાં વિલંબ થાય છે, ત્યારે અનિશ્ચિતતા ઊભી થાય છે.
સ્પર્ધા પંચના ગ્રીન ચેનલ મિકેનિઝમ હેઠળ, જ્યાં બજારમાં સ્પર્ધા પર પ્રતિકૂળ અસર થવાનું જોખમ ન હોય ત્યાં મર્જર અને એક્વિઝિશન સોદાઓને આપમેળે મંજૂરી મળે છે. આનાથી મર્જર અને એક્વિઝિશન સોદાઓનો ખર્ચ ઓછો થાય છે અને ઓછો સમય પણ લાગે છે.
નિયમનકારોએ ઓછામાં ઓછા જરૂરી અને સૌથી વ્યવહારુના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ જેથી નિયમનકારી દેખરેખ વૃદ્ધિને ટેકો આપતી માનસિકતા સાથે સંતુલિત થાય. તેમણે કહ્યું કે જો સ્પર્ધા પંચ નિયમનકારી તકેદારી અને વૃદ્ધિને ટેકો આપતી માનસિકતા વચ્ચે સંતુલન જાળવી શકશે, તો ભારતમાં એક મજબૂત, સમાન અને નવીનતા-સંચાલિત આથક વ્યવસ્થાનું નિર્માણ થશે. જેમ જેમ ભારત વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં એકીકૃત થઈ રહ્યું છે, તેમ તેમ ખુલ્લા બજારો જાળવી રાખવા તેની સ્પર્ધા કરવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ બનશે.
સ્પર્ધા પંચે અત્યાર સુધીમાં ૧,૨૮૪ મર્જર અને એક્વિઝિશન કેસમાંથી ૧,૨૫૬ ને મંજૂરી આપી છે. તેણે ૧,૩૦૦ વિરોધી સ્પર્ધા કેસમાંથી ૧,૨૦૦ કેસોનું સમાધાન પણ કર્યું છે.
સંપત્તિ મુદ્રીકરણ, વિનિવેશ અને ડિજિટલ જાહેર માળખા જેવા મૂળભૂત સુધારાઓ બજાર ક્ષમતામાં વધારો કરી રહ્યા છે અને સ્પર્ધાને પણ તીવ્ર બનાવી રહ્યા છે. ડેટા ઉપલબ્ધતામાં અસમપ્રમાણતા અને બિઝનેસ મોડેલ્સની સરહદ પારની અસરને કારણે ડિજિટલ બજારો પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સીમા પાર ડિજિટલ એકાધિકારના ઉદય માટે વૈશ્વિક સહયોગ અને કડક નિયમનની જરૂર છે.