રતન ટાટાના નજીકના સાથીદાર મેહલી મિસ્ત્રીની ટાટા ટ્રસ્ટમાંથી વિદાય નક્કી, ત્રણ ટ્રસ્ટીએ નિમણૂકનો કર્યો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehli Mistry To Exit From Tata Trust: દિવંગત રતન ટાટાના અંગત મેહલી મિસ્ત્રી પણ ટૂંક સમયમાં ટાટા ટ્રસ્ટમાંથી વિદાય લેવાના છે. ગત સપ્તાહે જાહેર કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે ટાટા ટ્રસ્ટના છમાંથી ત્રણ ટ્રસ્ટીએ મેહલી મિસ્ત્રીની પુનઃનિમણૂક વિરૂદ્ધ મતદાન કર્યું હતું. જેના લીધે મિસ્ત્રીએ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ બંનેના બોર્ડમાંથી રાજીનામું આપવું પડશે. મીડિયા સૂત્રો અનુસાર, તેમની પુનઃનિમણૂકનો વિરોધ કરનારા ત્રણ ટ્રસ્ટીમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, ટીવીએસ ગ્રૂપના ચેરમેન વેણુ શ્રીનિવાસન અને પૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહ સામેલ છે.
મેહલી મિસ્ત્રી પ્રથમ વખત 2022માં ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ 28 ઓક્ટોબરના રોજ પૂર્ણ થવાનો છે. તેમની ફરી નિમણૂકનો આ પ્રસ્તાવ એવા સમયે રજૂ કરાયો, જ્યારે ટાટા ટ્રસ્ટની અંદર આંતરિક મતભેદો ચાલી રહ્યા છે. એક ગ્રૂપ ચેરમેન નોએલ ટાટાનું સમર્થન કરી રહ્યું છે, જ્યારે બીજુ ગ્રૂપ મિસ્ત્રીના નેતૃત્વમાં છે. જે રતન ટાટાના અંગત વ્યક્તિ પૈકી એક છે.
કોણ છે મેહલી મિસ્ત્રી?
મેહલી મિસ્ત્રી શાપૂરજી પાલોનજી મિસ્ત્રીના પિતરાઈ ભાઈ છે. હાલ તે બંને અલગ થઈ ગયા છે. મેહલી મિસ્ત્રી રતન ટાટાના અત્યંત અંગત મિત્ર હતા. ગ્રૂપની વેબસાઈટ અનુસાર, તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ટાટા સ્ટીલ, ટાટા પાવર અને ટાટા NYKની કંપનીઓમાં પણ તે જોડાયેલા છે. તેઓ 2022માં સર દોરાબજી અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ આરએનટી એસોસિએટ્સ પર પણ સેવા આપતા હતા.
ભાઈના બદલે રતન ટાટાને પસંદ કર્યા
રતન ટાટા સાથે તેઓ 2000થી જોડાયેલા છે. રતન ટાટા અને મેહલીના પ્રથમ પિતરાઈ ભાઈ સાયરસ મિસ્ત્રી સાથે વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે મેહલીએ પિતરાઈ ભાઈના બદલે રતન ટાટાને સમર્થન આપ્યું હતું. જેના લીધે તેમના પરિવારમાં વિવાદ ઊભો થયો હતો. સાયરસ અને મેહલીના દાદા સગા ભાઈ હતા. આમ છતાં તેમણે પરિવારના બદલે ટાટાને પસંદ કર્યા હતા.
ટાટા ટ્રસ્ટમાં વિખવાદ
છેલ્લા ઘણા મહિનાથી ટાટા ટ્રસ્ટમાં વિવિધ મુદ્દાઓ પર ટ્રસ્ટીઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ટાટા સન્સ બોર્ડ પર નોમિની ડિરેક્ટર તરીકે વિજય સિંહની પુનઃનિમણૂકના પ્રસ્તાવ પર સમર્થન મળ્યુ ન હતું. તેના લીધે તેમણે રાજીનામું આપવુ પડ્યું હતું. મિસ્ત્રી સહિતના ટ્રસ્ટીઓએ સિંહના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ઓક્ટોબર, 2024માં ટ્રસ્ટીની મુદ્દત મામલે કરવામાં આવેલા સુધારા પર પણ ટ્રસ્ટીઓ વચ્ચે ફાટો પડ્યો હતો. આ સુધારો ફિક્સ્ડ મર્યાદા વગર પુનઃનિમણૂકની મંજૂરી આપતો હતો. પરંતુ અમુક ટ્રસ્ટીઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.









