ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Market Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઇલ માર્કેટ કહો કે પછી કરન્સી માર્કેટ હોય કે બુલિયન બજાર દરેકમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન આજે ભારતીય શેરબજાર ખુલતાં જ પ્રી ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી જોવા મળી. જોકે પછીથી સેન્સેક્સમાં સતત ઘટાડો થતો દેખાયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ?
સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ ગત ક્લૉઝિંગ 75318.39 બાદ સીધું 75732.42 પર ખુલ્યું હતું અને પછી 75945.79ના હાઇ લેવલને સ્પર્શી ગયું હતું. જે 627 પોઇન્ટની તેજી દર્શાવેછે. જોકે ટ્રેડિંગ શરૂ થયા બાદ સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સ ફરી ગબડીને 75590.77 પર આવી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીમાં ગઇકાલનું જૂનું ક્લૉઝિંગ 23659.00 હતું જે આજે 23830.05 પર ખુલ્યું હતું. જે બાદમાં 23859.90ના લેવલે સ્પર્શી ગયું હતું. જે 200 પોઇન્ટની તેજી દર્શાવે છે. જોકે પછીથી સમાચાર લખાવા સુધીમાં નિફ્ટી પણ ગબડીને 23748ની સપાટીએ આવી ગઈ હતી.
ક્રૂડ ઓઇલમાં કડાકો
બીજી બાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઈરાન સાથે જલદી જ સમજૂતી થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલમાં અચાનક જ મોટો કડાકો બોલાયો હતો. જે ગઇકાલ સુધીમાં 110 ડૉલરની આસપાસ હતું તે ક્રૂડ ઓઇલ આજે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે, જે એકઝાટકે 5 ડૉલરનો ઘટાડો દર્શાવે છે. આની સાથે ફરી એકવાર વિશ્વને રાહતના સંકેત મળ્યા છે.
ડૉલર સામે રૂપિયો મજબૂત થયો
બીજી બાજુ એક સારા સંકેત પણ એ રહ્યા છે. રૂપિયાએ પહેલા તો ડૉલર સામે 96.96ની સપાટી બનાવી હતી. જોકે આ ઓલ ટાઇમ લૉ લેવલે પહોંચ્યા બાદ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો અને પછી રૂપિયાની કિંમત એકઝાટકે 96.10 સુધી આવી ગઈ હતી જે સારા સંકેત મનાય છે. હાલમાં સમાચાર લખવા સુધીમાં ડૉલર સામે રૂપિયો 96.325 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સોના-ચાંદીમાં કડાકો
આજે સૌથી વધુ કડાકો ચાંદીમાં બોલાયો હતો. ગઈકાલે ચાંદી વાયદા બજારમાં 274265 રૂપિયાએ બંધ થઈ હતી. જે આજે 2291 રુપિયા તૂટીને 271974ની આજની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે બીજી બાજુ સોનું પણ સસ્તુ થયું છે. ગઈકાલે સોનું ફરી એકવાર 160006ની સપાટીએ પહોંચ્યું હતું પરંતુ આજે તે ફરીએકવાર તૂટતાં 159533ની સપાટીએ પહોંચ્યું હતું. આજે સોનું લગભગ 473 રૂપિયા જેટલું સસ્તું થયું છે.









