Get The App

IT શેરોમાં તેજીએ બજારનો યુ-ટર્ન : સેન્સેક્સ 375 પોઈન્ટના કડાકા બાદ અંતે 85107

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
IT શેરોમાં તેજીએ બજારનો યુ-ટર્ન : સેન્સેક્સ 375 પોઈન્ટના કડાકા બાદ અંતે 85107 1 - image


- RBI દ્વારા 0.25 ટકા ઘટાડો અપેક્ષિત : ડોલર સામે રૂપિયાનું પતન

- ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ , કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં કડાકો : નિફટી સ્પોટ 46 પોઈન્ટ ઘટીને 25986 : FPIs/FIIની કેશમાં રૂ.3207 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું પતન થઈ આજે ૯૦ની સપાટી તોડીને ૯૦.૧૯ના નવા તળીયે બંધ રહેતાં ભારતની ક્રુડ ઓઈલ સહિતની આયાતો મોંઘી બનવાના અને મોંઘવારી વધવાના ભય વચ્ચે ભારતીય શેર બજારોમાં આરંભમાં શેરોોમાં ગાબડાં પડયા હતા. કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોએ મોટું હેમરિંગ કર્યું હતું. પરંતુ બીજી તરફ ભારતની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓને મજબૂત ડોલરનો ફાયદો થવાની અપેક્ષાએ અને અમેરિકાને ચેકમેટ કરવા ભારતના રશીયા સાથે સંબંધોને વધુ મજબૂત કરવા રશીયાના પ્રમુખ પુતિનની આજથી શરૂ થનારી ભારત મુલાકાતમાં ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં શુક્રવારે વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો અપેક્ષિત હોવાના કેટલાક બેંકરોના મતે બજારે યુ-ટર્ન લીધો હતો. સેન્સેક્સ આરંભમાં ૩૭૪.૬૩ પોઈન્ટ તૂટીને નીચામાં ૮૪૭૬૩.૬૪ સુધી ગબડી ગયા બાદ ઘટયામથાળેથી પાછો ફરીને ૮૫૧૬૦ નજીક આવી અંતે ૩૧.૪૬ પોઈન્ટ ઘટીને ૮૫૧૦૬.૮૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં નીચામાં ૨૫૮૯૧ સુધી ખાબકી અંતે ૪૬.૨૦ પોઈન્ટ ઘટીને ૨૫૯૮૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૦૬ ગબડયો : પાવર ઈન્ડિયા રૂ.૯૨૨ તૂટયો : જયોતી સીએનસી રૂ.૩૧ તૂટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે વેચવાલી કરી હતી. પાવર ઈન્ડિયા રૂ.૯૨૨.૧૫ તૂટીને રૂ.૨૧,૮૩૭.૧૫, જયોતી સીએનસી રૂ.૩૦.૭૦ તૂટીને રૂ.૯૫૮.૧૦, ટીમકેન રૂ.૯૧.૮૦ ગબડીને રૂ.૩૦૭૩.૭૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૧.૩૦ ઘટીને રૂ.૧૪૮૪.૧૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૯.૮૫ ઘટીને રૂ.૧૦૮૫.૧૦, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૩૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૫.૫૦ ઘટીને રૂ.૮૭૨૧.૪૫, કેઈન્સ રૂ.૧૦૫.૫૦ ઘટીને રૂ.૫૩૦૬.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૦૫.૯૦ પોઈન્ટ તૂટીને ૬૮૦૭૪.૪૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોનો ઈન્ડેક્સ ૬૯૫ પોઈન્ટ તૂટયો : સોના બીએલડબલ્યુ, મહિન્દ્રા, ઉનો  મિન્ડા, મધરસન ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે એકાએક હેમરિંગ કર્યું હતું. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૧૪.૦૫ તૂટીને રૂ.૪૯૨.૨૦, મધરસન સુમી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૧૬.૫૫, ઉનો મિન્ડા રૂ.૨૫.૯૦ તૂટીને રૂ.૧૨૬૫.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૬.૩૫ ઘટીને રૂ.૩૬૫૦.૧૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૬.૫૦ ઘટીને રૂ.૨૭૪૧.૬૫, એક્સાઈડ રૂ.૬ ઘટીને રૂ.૩૭૨.૪૦, એમઆરએફ રૂ.૨૪૧૧.૮૦ ઘટીને રૂ.૧,૫૨,૧૫૦,  બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૨૪૦૭.૪૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૩૫૬.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૯૫.૪૪ પોઈન્ટ તૂટીને ૬૧૫૯૦.૫૮ બંધ રહ્યો હતો.

આઈટી શેરોએ બજારનો યુ-ટર્ન : સેઈનસિસ રૂ.૪૪, બિરલા રૂ.૧૮, ટીસીએસ રૂ.૪૪, ઈમુદ્રા રૂ.૧૬ વધ્યા

રૂપિયા સામે અમેરિકી ડોલરની સતત મજબૂતીથી ભારતની આઈટી સર્વિસિઝ નિકાસોને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં મોટી ખરીદી કરી હતી. જેના કારણે બજારમાં ધોવાણ અટકી ઈન્ડેક્સ બેઝડ યુ-ટર્ન મળ્યો હતો. સેઈનસિસ ટેક રૂ.૪૩.૯૦ વધીને રૂ.૯૨૨.૩૫, બિરલા સોફ્ટ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૪૨૨.૪૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૪.૩૫ વધીને રૂ.૩૬૪.૪૦, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૨૩.૬૫ વધીને રૂ.૭૫૭.૮૦, પ્રોટીએન રૂ.૨૫ વધીને રૂ.૮૧૮.૮૦, ઈમુદ્રા રૂ.૧૫.૭૦ વધીને રૂ.૬૨૧.૩૫, વિપ્રો રૂ.૪.૩૫ વધીને રૂ.૨૫૪.૬૦, ટીસીએસ રૂ.૪૪.૩૫ વધીને રૂ.૩૧૭૯.૯૫, રામકો સિસ્ટમ રૂ.૭.૯૫ વધીને રૂ.૫૭૨.૨૦, ઈન્ફોસીસ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૧૫૭૮.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૮૨.૩૦ પોઈન્ટ વધીને ૩૬૬૪૭.૬૪ બંધ રહ્યો હતો.

વ્યાજ દરમાં ઘટાડો અપેક્ષિત : બેંકિંગ શેરોમાં મજબૂતી : આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ વધ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગના ચાલતાં અને શુક્રવારે જાહેર થનારા નિર્ણય પૂર્વે આજે ફરી અમુક બેંકરો અને બજારના સમીક્ષકોએ વ્યાજ દરમાં ૦.૨૫ ટકા ઘટાડો થવાની શકયતા બતાવતાં બેંકિંગ શેરોમાં કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૩૯૧.૪૦, એચડીએફસી બેંક રૂ.૧૦.૪૫ વધીને રૂ.૧૦૦૦.૪૫, એક્સિસ બેંક રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૨૭૦.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૫.૦૩ પોઈન્ટ વધીને ૬૬૪૯૪.૦૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૬૭ તૂટયો : ડિક્સન રૂ.૪૭૬, વ્હર્લપુલ રૂ.૨૭, ટાઈટન રૂ.૭૨ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોએ ફરી હેમરીંગ કર્યું હતું. ડિક્સન ટેકનોલોજી રૂ.૪૭૬.૩૦ તૂટીને રૂ.૧૪,૦૨૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૬.૭૦ ઘટીને રૂ.૯૮૩.૭૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૫૭૨.૭૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૪૯૦.૧૦, ટાઈટન રૂ.૭૨.૪૦ ઘટીને રૂ.૩૮૧૫.૫૫, વોલ્ટાસ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૧૩૩૪.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૬૬.૬૬ પોઈન્ટ તૂટીને ૬૧૦૩૧.૮૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફરી તેજીને બ્રેક : થાયરોકેર રૂ.૩૧, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૦, વોક્હાર્ટ રૂ.૮૦ ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં તેજીને બ્રેક લાગી આજે કેટલાક શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. થાયરોકેર રૂ.૩૦.૮૦ ઘટીને રૂ.૪૩૩, સન ફાર્મા એડવાન્સ રૂ.૯.૪૦ ઘટીને રૂ.૧૫૧.૭૦, વોક્હાર્ટ રૂ.૭૯.૬૦ ઘટીને રૂ.૧૪૧૫.૧૫, વેનબરી રૂ.૮.૫૦ ઘટીને રૂ.૨૪૦.૨૫, કોપરાન રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૪૦.૭૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૮૯૮, કોન્કોર્ડ બાયો રૂ.૨૭.૪૦ ઘટીને રૂ.૧૪૦૫.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૪૦.૧૧ પોઈન્ટ ઘટીને ૪૪૪૩૪.૮૯ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં સાવચેતીમાં સેલિંગ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલ, ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા ઘટયા

રૂપિયાનું ડોલર સામે પતન થતાં ક્રુડ ઓઈલની આયાત મોંઘી બનવાના નેગેટીવ પરિબળે આજે ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં પણ સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૯૨.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૫૦ ઘટીને રૂ.૧૭૦.૪૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૬.૨૫ ઘટીને રૂ.૪૧૦.૪૫, ઓએનજીસી રૂ.૩.૩૫ ઘટીને રૂ.૨૪૦.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૦.૫૪ પોઈન્ટ ઘટીને ૨૭૮૮૧.૧૭ બંધ રહ્યો હતો.

સતત સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતી વેચવાલીએ  માર્કેટબ્રેડથ વધુ ખરાબ : ૨૭૬૭ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આરંભિક ધોવાણ બાદ રિકવરી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વેચવાલી વધારતા માર્કેટબ્રેડથ  વધુ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૯૬  અને ઘટનારની સંખ્યા ૨૭૬૭  રહી હતી. 

FPIs/FIIની રૂ.૩૨૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૭૩૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૩૨૦૬.૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૧૩૪.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૪૧.૮૯  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૭૩૦.૪૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૧૮૮.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૫૭.૬૫કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૯.૬૭ લાખ કરોડ

શેરોમાં આજે સતત ઓલ રાઉન્ડ ધૂમ વેચવાલી  થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૯.૬૭ લાખ કરોડ રહી ગયું હતું.

Tags :