Business

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર

By GS TEAM
1 Oct 20252 mins read
ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની  બેઠકના આજના નિર્ણય પર બજારની નજર

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની સોમવારથી શરૂ થયેલી નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે આવતી કાલે રેપો રેટ યથાવત રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં સુધારા અને ફુગાવામાં ઘટાડાને ધ્યાનમાં રાખતા  એમપીસી માટે ૨૫ બેઝિસ પોઈન્ટના ઘટાડાનો અવકાશ રહેલો હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે. 

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફ ઉપરાંત અન્ય દેશોના માલસામાન પર પણ વિવિધ ટેરિફ લાગુ કર્યા છે ત્યારે હાલમાં વૈશ્વિક વેપાર વ્યવહારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે તેની ભારતની અર્થવ્યવસ્થા પર  પડનારી અસરનો  પણ એમપીસી તેની ત્રણ દિવસની બેઠકમાં અંદાજ મેળવશે. 

ટેરિફને કારણે દેશમાંથી નિકાસ પર અસર જોવા મળી રહી છે. વર્તમાન ૨૦૨૫ના વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં અત્યારસુધી ૧૦૦ બેઝિસ  પોઈન્ટનો ઘટાડો કરી તેને ૫.૫૦ ટકા પર લાવી દીધો છે. 

ગોલ્ડમેન સાચ્સના એક રિપોર્ટ પ્રમાણે આરબીઆઈ રેપો રેટ યથાવત રાખશે અને ડીસેમ્બરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે. જો કે વૈશ્વિક વેપાર નીતિને કારણે આર્થિક વિકાસ સામે જો ઘટાડા તરફી જોખમ  જણાશે તો એમપીસી પા ટકાનો ઘટાડો કરશે. 

હાલના તબક્કે રેપો રેટમાં ઘટાડો કરાશે તો બજારના માનસમાં સુધારો થશે એમ એક રિઅલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીના સીઈઓએ જણાવ્યું હતું. 

જીએસટીની પોઝિટિવ અસરને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક રેપો રેટ જાળવી રાખશે. જીએેસટીમાં ઘટાડાને કારણે તહેવારો નિમિત્તેની માગમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનું કોઈ કારણ જણાતું નથી એમ  એક બેન્કરે જણાવ્યું હતું. 

એકંદરે વૈશ્વિક પડકારો વચ્ચે રિઝર્વ બેન્ક વિકાસમાં સમતુલા, ફુગાવામાં ઘટાડા અને નાણાંકીય સ્થિરતાને પ્રાથમિકતા આપશે એમ જણાઈ રહ્યું છે.