આઈટી શેરો પાછળ બજારમાં કડાકો : સેન્સેક્સ 466 પોઈન્ટ ગબડી 82160
- નિફટી ૧૨૫ પોઈન્ટ તૂટી ૨૫૨૦૨ : FPIs/FIIની કેશમાં રૂ.૨૯૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી
- સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટા ગાબડાં : હેલ્થકેર શેરોમાં ધોવાણ :
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
ભારતને ભીંસમાં લેવા દરેક પ્રયાસ કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સૌથી વધુ એચ-૧બી વિઝાનો લાભ મેળવતા ભારતીયોની રોજગારી છીનવવા તરફી એકાએક વનટાઈમ એક લાખ ડોલર વીઝા ફી વસૂલવાનો નિર્ણય જાહેર કરતાં દેશના સૌથી વધુ આ વીઝાનો લાભ મેળવતી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાના સંકેતે આજે આઈટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો. ફંડોએ આઈટી શેરોની સાથે કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોબાઈલ શેરોમાં પણ ઓફલોડિંગ કર્યું હતું. અલબત પસંદગીના મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણે ઈન્ડેક્સ બેઝડ ઘટાડો મર્યાદિત રહ્યો હતો. મોદી સરકારે ઘટાડે જીએસટી દરોનો આજથી અમલ થઈ જતાં દેશની ગ્રાહક જનતા અને ઉદ્યોગોને ફાયદો થવાની અપેક્ષા છતાં આ પરિબળને આજે બજારે ડિસ્કાઉન્ટ કર્યું હતું. સેન્સેક્સ ૪૬૬.૨૬ પોઈન્ટ ગબડીને ૮૨૧૫૯.૯૭ અને નિફટી ૫૦ સ્પોટ ૧૨૪.૭૦ પોઈન્ટ તૂટીને ૨૫૨૦૨.૩૫ બંધ રહ્યા હતા.
ટીસીએસ રૂ.૯૬, ઈન્ફોબિન રૂ.૪૬, ઝેનસાર રૂ.૪૭, એમ્ફેસીસ રૂ.૧૩૬ : આઈટી ઈન્ડેક્સ ૯૮૦ તૂટયા
એચ-૧બી વીઝા ફી એક લાખ ડોલર વસુલવાના ટ્રમ્પ સરકારના નિર્ણયે આઈટી ઉદ્યોગમાં મોટી મંદી આવવાની શકયતાના અહેવાલોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ધૂમ વેચવાલી નીકળી હતી. ઈન્ફોબિન રૂ.૪૫.૭૦ તૂટીને રૂ.૫૨૦, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૫૫.૩૫ તૂટીને રૂ.૭૨૬.૫૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૪૭ તૂટીને રૂ.૮૧૦.૩૦, એમ્ફેસીસ રૂ.૧૩૬.૫૫ તૂટીને રૂ.૨૮૫૫.૧૫, કોફોર્જ રૂ.૭૮.૬૦ તૂટીને રૂ.૧૭૧૬.૫૫, નેલ્કો રૂ.૩૨.૯૦ તૂટીને રૂ.૯૭૯.૪૦, મોસચીપ રૂ.૯.૬૦ ઘટીને રૂ.૨૬૦.૧૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૩૦.૭૫ તૂટીને રૂ.૫૨૭૧.૮૫, ટેક મહિન્દ્રા રૂ.૪૯.૮૦ તૂટીને રૂ.૧૫૦૪.૨૦, ટીસીએસ રૂ.૯૫.૮૦ તૂટીને રૂ.૩૦૭૪,૦૫, માસ્ટેક રૂ.૭૫.૯૫ ઘટીને રૂ.૨૩૪૬.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૮૦.૨૩ પોઈન્ટ તૂટીને ૩૪૯૮૮.૨૦ બંધ રહ્યો હતો.
આઈટી બાદ હવે ટ્રમ્પ ભારતના ફાર્મા ઉદ્યોગને ટાર્ગેટ કરશે ? વિમતા, પેનેશિયા બાયોટેક, ગ્લેનમાર્ક તૂટયા
એચ-૧બી વીઝા ફીનો નિર્ણય લઈ ભારતીય આઈટી ઉદ્યોગને ટાર્ગેટ કર્યા બાદ હવે શક્ય છે કે, ટ્રમ્પ ભારતના ફાર્મા-હેલ્થકેર ઉદ્યોગને ટાર્ગેટ કરીને અત્યાર સુધી ટેરિફમાંથી મુક્ત રાખવામાં આવેલા ઉદ્યોગની નિકાસો પર ટેરિફ વધારવાનું જાહેર કરે એવી શકયતાની ચર્ચાએ ફાર્મા શેરોમાં વેચવાલી થઈ હતી. વિમતા લેબ્સ રૂ.૬૦.૩૦ ઘટીને રૂ.૭૬૪.૩૦, પેનેશીયા બાયોટેક રૂ.૧૮ ઘટીને રૂ.૪૦૯.૨૦, કોન્કોર્ડ બાયો રૂ.૭૦.૪૫ ઘટીને રૂ.૧૬૨૧, ગ્લેનમાર્ક રૂ.૭૦.૨૫ ઘટીને રૂ.૨૦૧૪.૩૫, મેટ્રોપોલિસ રૂ.૬૮.૯૫ ઘટીને રૂ.૨૦૬૫.૧૦, આરતી ફાર્મા રૂ.૨૯.૭૫ ઘટીને રૂ.૯૦૦.૫૫, પિરામલ ફાર્મા રૂ.૫.૪૫ ઘટીને રૂ.૨૦૨.૮૫, લુપીન રૂ.૫૦.૭૫ ઘટીને રૂ.૨૦૦૫.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૭.૦૯ પોઈન્ટ ગબડીને ૪૪૭૬૯.૫૨ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોનું સેલીંગ : હ્યુન્ડાઈ રૂ.૮૮, સોના રૂ.૧૫, ટાટા મોટર્સ રૂ.૧૨, એકસાઈડ રૂ.૧૦ તૂટયા
ચોમાસું શરૂઆતમાં સારૂ રહ્યા બાદ અતિવૃષ્ટિની સ્થિતિ અને જીએસટી દરોમાં ઘટાડો અને તહેવારોની સીઝનમાં માંગ વૃદ્વિની અપેક્ષા છતાં વાહનોની ખરીદીની પૂછપરછ અપેક્ષિત નહીં રહેતાં ફંડોએ આજે ઓટો શેરોમાં સેલીંગ વધાર્યું હતું. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૪૨૦.૫૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૮૮.૦૫ ઘટીને રૂ.૨૭૧૯.૩૦, એક્સાઈડ રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૪૦૪.૨૦, ટાટા મોટર્સ રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૬૯૬.૧૦, ભારત ફોર્જ રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૧૨૫૬.૩૦, મારૂતી સુઝુકી રૂ.૬૨.૫૫ ઘટીને રૂ.૧૫,૮૦૮.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૯.૦૬ પોઈન્ટ ઘટીને ૬૦૬૫૬.૬૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૪૫ પોઈન્ટ તૂટયો : સિમેન્સ તૂટી રૂ.૩૨૪૨ : ટીટાગ્રહ, કમિન્સ, અપાર ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે વેચવાલી કરી હતી. સિમેન્સ રૂ.૮૩.૫૫ ઘટીને રૂ.૩૨૪૨.૧૫, ટીટાગ્રહ રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૯૩૧.૭૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૦૬.૭૫ ઘટીને રૂ.૪૮૦૮.૧૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૮.૪૫ ઘટીને રૂ.૩૯૯૪, એબીબી ઈન્ડિયા રૂ.૭૭.૬૫ ઘટીને રૂ.૪૧૨૩, જયોતી સીએનસી રૂ.૯.૬૦ ઘટીને રૂ.૯૪૫, થર્મેક્સ રૂ.૩૯.૧૫ ઘટીને રૂ.૩૨૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૪૫.૦૨ પોઈન્ટ ગબડીને ૭૦૬૮૬.૧૪ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : અદાણી એન્ટર. રૂ.૧૦૭ વધી રૂ.૨૬૩૦ : હિન્દુસ્તાન ઝિંક વધ્યો
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો મોટાપાયે આકાર લઈ રહ્યા હોવા સાથે ચાઈનાની ઝડપી રિકવરીના પગલે વૈશ્વિક મેટલના ભાવમાં મજબૂતીની અપેક્ષાએ ફંડોની આજે પસંદગીના મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી રહી હતી. કિંમતી મેટલ સોના-ચાંદીના ભાવોમાં સતત રેકોર્ડ તેજીની પણ મેટલ શેરોમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૧૫ વધીને રૂ.૪૬૦.૧૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૭.૦૫ વધીને રૂ.૨૬૨૯.૯૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૯.૯૫ વધીને રૂ.૭૮૮.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૮.૪૩ પોઈન્ટ વધીને ૩૩૨૫૭.૬૮ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૨૯૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૫૮૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૨૯૧૦.૦૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૫૪૪.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૫૪.૭૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૫૮૨.૬૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૭૧૫.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૩૩.૩૩ કરોડની વેચવાલી કરી હતી.
કન્ઝયુમર શેરોમાં તેજીને બ્રેક : વોલ્ટાસ રૂ.૪૫ ઘટીને રૂ.૧૩૭૫ : પીજી ઈલેક્ટ્રો, ક્રોમ્પ્ટન, ડિક્સન ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તેજીને આજે બ્રેક લાગી હતી. વોલ્ટાસ રૂ.૪૪.૭૦ ઘટીને રૂ.૧૩૭૪.૭૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૫૬૧.૨૦, ક્રોમ્પ્ટન રૂ.૪.૯૦ ઘટીને રૂ.૩૦૯.૨૦, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૫૦૬.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૦૧.૩૦ ઘટીને રૂ.૧૮,૦૮૭.૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૯૭.૩૯ પોઈન્ટ ઘટીને ૬૦૮૫૩.૨૮ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ખેલંદાઓ, ફંડોની ધૂમ વેચવાલી : ૨૬૧૨ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં આઈટી શેરો પાછળ કડાકો બોલાયા સાથે આજે સ્મોલ,મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ખેલંદાઓ, ફંડોની ધૂમ વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૬૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૮૮ અને ઘટનારની સંખ્યા ૨૬૧૨રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૦૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં મોટા ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૦૬ લાખ કરોડ રહ્યું હતું.