ઉત્પાદન ક્ષેત્રની ગાડી પાટા પર : PMI વધીને 52ની સપાટીએ
- લોકડાઉનના કારણે એપ્રિલ માસમાં મેન્યુ. પીએમઆઇ ૨૭.૪ના તળિયે પટકાયો હતો
- જુલાઈમાં આ ઇન્ડેક્સ ૪૬ની સપાટીએ હતો
નવીદિલ્હી, તા. 01 સપ્ટેમ્બર 2020, મંગળવાર
લોકડાઉનના આકરા અમલ બાદ અનલોકના તબક્કામાં મોટાપાયે રાહતો મળતા દેશમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રની ગાડી પુન: પાટા પર આવી ગઈ છે. આ ક્ષેત્રે કામકાજમાં વધારો થતા મેન્યુ. ક્ષેત્રનો પીએમાઇ (પરચેઝીંગ મેન્યુફેકચર ઇન્ડેક્સ) ચાર માસ પછી વધીને ૫૦ના લેવલ ઉપર ૫૨ની સપાટીએ પહોંચ્યો હતો.
આઇએચએસ માર્કિટ ઇન્ડિયાના માસિક સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં અનલોકના વિવિધ તબક્કામાં મોટાપાયે છુટછાટો અપાતા મેન્યુફેકચરીંગ ક્ષેત્ર પુન: ધમધમતું થતા ઓગસ્ટ માસનો મેન્યુ. પીએમઆઇ વધીને બાવનની સપાટીએ પહોંચ્યો હતો. જે તેની અગાઉના જુલાઈ માસ દરમિયાન ૪૬ની સપાટીએ અને જૂનમાં ૪૭.૨ની સપાટીએ હતો.
જોકે, એપ્રિલ માસમાં દેશભરમાં લોકડાઉન અમલી બનવાના કારણે તે ૨૭.૪ની ઐતિહાસિક તળિયાની સપાટીએ ઊતરી આવ્યો હતો. આમ, ચાર માસ પછી દેશમાં મેન્યુ. ક્ષેત્રની ગાડી પુન: પાટા પર આવી છે. આ ઇન્ડેક્સ ૫૦થી ઉપર હોય તો તે ઉત્પાદનની ગતિવિધીઓમાં વધારો સૂચવે છે.
મેન્યુ. ક્ષેત્રના પીએમઆઈમાં સુધારો એ અર્થતંત્ર માટે પોઝિટિવ સંકેત આપે છે. ઓગસ્ટ માસ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. જે માંગ અને વપરાશમાં વધારો થયો છે તેમ સૂચવે છે. ઘરેલું બજારમાં માંગમાં વધારો થતા ઊત્પાદન વધ્યું છે.
જોકે, લોકડાઉનના કારણે બેરોજગારીમાં મોટાપાયે વધારો થયો હતો. આ ક્ષેત્રે એટલે કે રોજગારીના મોરચે હજુ પણ નેગેટીવ ચિત્ર જ જોવા મળી રહ્યું છે. જોકે, ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધારો થતા શ્રમિકો પુન: કામ પર પાછા વળશે તેમ મનાઈ રહ્યું છે.