Get The App

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો 1 - image

- ઊંચી માગને પગલે ઓકટોબરનો મેન્યુ. પીએમઆઈ 60ની નજીક

મુંબઈ : સપ્ટેમ્બરમાં ૫૭.૭૦ રહ્યા બાદ દેશનો એચએસબીસી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ઓકટોબરમાં વધી ૫૯.૨૦ રહ્યો છે. તહેવારો નિમિત્તેની માગ અને સરકાર દ્વારા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાતને કારણે માગમાં વધારો થયાનું ઓકટોબરના ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈ પરથી કહી શકાય એમ છે. 

છેલ્લા સાત મહિનામાં  ઓકટોબર સતત પાંચમો મહિનો એવો છે જેમાં પીએમઆઈ ૫૮ના સ્તરની ઉપર રહેવા પામ્યો છે, જે ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ દેશનું ઉત્પાદન ક્ષેત્ર સ્થિતિસ્થાપક રહી શકયું હોવાનું સૂચવે છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

ઓકટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની મજબૂત સ્થિતિનો અર્થ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાનો પ્રારંભ મજબૂતાઈ સાથે થયો હોવાનું સંકેત મળે છે.વિતેલા મહિનામાં જીએસટીમાં કપાત ઉપરાંત,  મજબૂત ઘરેલુ માગ અને ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ પીએમઆઈમાં વધારો થવા માટેના કારણો રહ્યા હોવાનું તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

માગમાં વધારાને કારણે નવા ઓર્ડરોમાં વૃદ્ધિ થઈ છે જેને પરિણામે રોજગાર નિર્માણમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ઘરેલુ માગમાં વધારો થયો છે જ્યારે નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિની ગતિ મંદ રહી છે. 

જીએસટીમાં સુધારા, ક્ષમતા વિસ્તરણ અને માર્કેટિંગના જોરદાર પ્રયાસોને કારણે ઉત્પાદકો ભાવિ વેપાર સ્થિતિ અંગે આશાવાદી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી વધારો હતો. બીજા ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ૭ ટકા રહેવા રિઝર્વ બેન્કની અપેક્ષા છે.

વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સારો રહેવાની મોટાભાગની વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ ધારણાં મૂકી છે.