Get The App

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે

- જીએસટીમાં ઘટાડાને કારણે તહેવારોમાં માંગમાં થયેલો વધારો નવેમ્બરમાં નબળો પડતા મેન્યુફેકચરીંગ પીએમઆઇ ઘટીને ૫૬.૬૦ રહ્યો

- ટેરિફના કારણે નિકાસ ઘટતા નવા ઓર્ડર પર પ્રતિકૂળ અસર

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે 1 - image


મુંબઈ : તહેવારો બાદની માગ નબળી પડતા અને અમેરિકાના ટેરિફને કારણે નિકાસ ઓર્ડરો પર અસર પડવાને પરિણામે ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નવેમ્બરમાં ઘટી ૫૬.૬૦ સાથે નવ મહિનાની નીચી સપાટીએ રહી હતી. ઓકટોબરમાં આ આંક ૫૯.૨૦ રહ્યો હતો. ઊંચા ટેરિફની અસર દેખાવાની શરૂ થયાનું આની પરથી કહી શકાય એમ છે. 

એચએસબીસી ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) પ્રમાણે નવેમ્બરમાં નવા નિકાસ ઓર્ડર ઘટી ૧૩ મહિનાની નીચી સપાટીએ રહ્યા છે. 

વર્તમાન વર્ષના માર્ચ બાદ નવેમ્બરમાં પહેલી જ વખત ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૭ની નીચે સરકી ગયો છે. જો કે ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

પીએમઆઈ તૈયાર કરવા હાથ ધરાયેલા સર્વેમાં માગની સ્થિતિ પણ અસ્પષ્ટ જણાઈ હતી. કેટલાક માલસામાન માટે માગમાં આકર્ષણ જળવાઈ રહ્યું છે જ્યારે કેટલીક શ્રેણીના માલસામાન માગ નબળી પડયાનું જણાયું હતું.

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએેસટી)માં કપાતને કારણે માગમાં જોવા મળેલી વૃદ્ધિ હવે અટકી પડી છે અને ટેરિફને કારણે માગ સામે ઊભા થયેલા પડકારોને ભરપાઈ કરવા જીએસટીની કપાત પૂરતી નહીં હોવાનું જણાય છે એમ રિપોર્ટમાં નોંધાયું હતું.

બિઝનેસ કોન્ફિડેન્સ પણ નોંધપાત્ર નીચે ગયો છે. ટેરિફની અસરની ચિંતાને કારણે બિઝનેસ કોન્ફિડેન્સ નબળો પડી સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ ગયો છે.

કર્મચારીઓની ભરતી પણ સાવચેતીપૂર્ણ રીતે થઈ રહ્યાના સંકેત મળે છે. ભરતીની માત્રા નવેમ્બરમાં ૨૧ મહિનાની નીચી સપાટીએ રહી હતી. જો કે માલસામાનની કિંમતોમાં નરમાઈ આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર ૮.૨૦ ટકા સાથે દોઢ વર્ષની ટોચે રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં મજબૂત વિકાસ દરને જોતા સંપૂર્ણ વર્ષનો વિકાસ દર સાત ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે. 

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓ બંધ પડી ગઈ

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓ બંધ પડી ગઈ છે. કોર્પોરેટ બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન હર્ષ મલ્હોત્રા દ્વારા  લોકસભામાં પૂરી પડાયેલી લેખિત માહિતીમાં જણાવાયું હતું કે, નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ થી નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના ગાળામાં કુલ ૨,૦૪,૨૬૮ કંપનીઓ બંધ પડી ગઈ હતી.

અમાલ્ગમેશન, કન્વર્ઝન,  છૂટા પડવા અથવા સત્તાવાર રેકોર્ડસમાંથી દૂર થઈ જવાને કારણે કંપનીઓની સંખ્યા ઘટી છે. 

આ કંપનીઓના કર્મચારીઓના પુનર્વસન બાબતે સરકાર પાસે હાલમાં કોઈ દરખાસ્ત નહીં હોવાની પણ સ્પષ્ટતા કરાઈ હતી. લાંબા ગાળા સુધી બિનસક્રિય હોય તેવી કંપનીઓને રેકોર્ડસ પરથી દૂર કરવામાં આવે છે.  નિયનકારી ધોરણોના પાલન કરીને કંપનીઓ સ્વૈચ્છીક રીતે બંધ થઈ શકે છે. 

Tags :