સપ્ટેમ્બર માસમાં ઉત્પાદન પ્રવૃત્તિ ધીમી પડી આઠ મહિનાના તળિયે
- કંપનીઓની નબળી નફા વૃદ્ધિની કર્મચારીઓની ભરતી પર અસર
મુંબઈ : સમાપ્ત થયેલા સપ્ટેમ્બર મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નબળી પડીને આઠ મહિનાની નીચી સપાટીએ રહી હતી. ફેકટરી ઉત્પાદન તથા વેચાણ વૃદ્ધિમાં ગયા મહિને સાધારણ નરમાઈ જોવા મળી હોવાનું એક સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ત્રણ મહિનાથી સતત ઘટી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે. નબળી નફા વૃદ્ધિએ કર્મચારીઓની ભરતી પર અસર કરી છે.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓગસ્ટમાં ૫૭.૫૦ રહ્યો હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૫૬.૫૦ જોવા મળ્યો છે. જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
સપ્ટેમ્બરનું ફેકટરી ઉત્પાદન તથા વેચાણ વિસ્તરણ વર્તમાન વર્ષના જાન્યુઆરી બાદ સૌથી નરમ રહ્યું હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. આમછતાં રોજગારમાં વધારો થયો હતો અને વેપાર વિશ્વાસ પણ લાંબા ગાળાની સરેરાશના સ્તરે જળવાઈ રહ્યો હતો.
ભાવ મોરચે કાચા માલના ભાવમાં અને વેચાણ કિંમતમાં સાધારણ વૃદ્ધિ રહી હતી. સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને પીએમઆઈમાં પીછેહઠ જોવા મળી છે. નિકાસ ઓર્ડરોમાં વૃદ્ધિનો દર પણ દોઢ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. નવા નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિ ધીમી રહેતા એકંદર વેચાણમાં વધારો નબળો જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ખાસ કરીને કન્ઝયૂમર તથા કેપિટલ ગુડસ સેગમેન્ટસમાં ઉત્પાદન વૃદ્ધિ ધીમી રહી છે.
કેમિકલ, પેકેજિંગ, પ્લાસ્ટિક તથા મેટલની કિંમતોમાં વધારાને પરિણામે ખર્ચનું દબાણ ઊંચુ જોવા મળ્યું છે. સપ્ટેમ્બરમાં રોજગાર વૃદ્ધિ ધીમી પડી હતી. કેટલાક ઉત્પાદન એકમોમાં પાર્ટ ટાઈમ તથા કામચલાઉ કર્મચારીઓની સંખ્યામાં ગત મહિને ઘટાડો જોવા મળ્યો હતો. રોજગારમાં વૃદ્ધિની માત્રા ત્રણ મહિનાની નીચી સપાટીએ રહી હતી. નફામાં નબળી વૃદ્ધિ કંપનીઓની નવી ભરતીની ક્ષમતા પર કદાચ અસર કરી હશે એમ રિપોર્ટમાં અનુમાન મુકાયું છે.