એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત
- ચીન,મલેશિયા,થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી જ્યારે પાકિસ્તનમાં પીછેહઠ
- યુકે સહિતના વિકસિત દેશોની સ્થિતિ ટેરિફ બાદ ઓગસ્ટમાં નબળી રહી : ભારતનો બિઝનેસ કોન્ફિડેન્સ ઉંચકાયો
મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના મોટાભાગના દેશોના માલસામાન પર લાગુ કરાયેલા ટેરિફની પ્રારંભમાં કોઈ અસર પડી નહીં હોવાનું એશિયાના વિવિધ દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પરથી જણાઈ રહ્યું છે. ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ઓગસ્ટમાં ૫૯.૩૦ સાથે સતર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે એટલું જ નહીં એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ગયા મહિને મજબૂત રહી હોવાનું પ્રાપ્ત આંકડાઓ જણાવી રહ્યા છે.
વિકાસસિલ દેશોની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી રહ્યાનું જોવા મળ્યું છે જ્યારે વિકસિત દેશો આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
એશિયામાં ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે જુલાઈમાં ૪૯.૫૦ હતો તે ઓગસ્ટમાં વધી ૫૦.૫૦ રહ્યો છે. આમ ઓગસ્ટમાં ચીનના ઉત્પાદન ક્ષેત્રમાં વિસ્તરણ થયું છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
મલેશિયાનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ વધી ૧૫ મહિનાની ટોચે જ્યારે થાઈલેન્ડનો ૧૩ મહિનાની ટોચે જોવા મળ્યો છે. ઈન્ડોનેશિયામાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહી છે. પાકિસ્તાનનો પીએમઆઈ જે જુલાઈમાં ૫૦.૫૦ હતો તે ઓગસ્ટમાં ઘટી ૫૦.૧૦ રહ્યો છે. આનાથી વિપરીત વિકસિત દેશોમાં ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ સંકોચાયેલી રહી છે.
યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)નો પીએમઆઈ ફરી ૫૦થી અંદર રહ્યો છે, જાપાન તથા દક્ષિણ કોરિઆમાં સ્થિતિમાં સુધાર થયો છે પરંતુ ઈન્ડેકસ હજુપણ ૫૦ની અંદર હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
યુરોઝોનની વાત કરીએ તો તેણે અમેરિકા સાથે તાજેતરમાં કરેલા વેપાર કરારનો તેને લાભ મળી રહ્યાનું જોવા મળે છે. ઓગસ્ટમાં યુરો ઝોનનો મેન્યુફેકચરિંગ પીએમઆઈ ૫૦.૭૦ સાથે ૪૧ મહિનાની ટોચે રહ્યો છે.
એશિયામાં સ્થિતિસ્થાપકતા ઉપરાંત આશાવાદમાં ફરી વધારો જોવા મળ્યો છે.
ભારતની વાત કરીએ તો અહીં બિઝનેસ કોન્ફિડેન્સ ત્રણ વર્ષની નીચી સપાટીએથી ઊંચકાયો છે અને મોટાભાગની કંપનીઓ અમેરિકાના ટેરિફ છતાં પણ ભાવિ માગને લઈને આશાવાદી છે.
ચીનમાં પણ ઉત્પાદકોમાં વેપાર વિશ્વાસ વધ્યો છે. વિકસિત દેશોમાં અનિશ્ચિતતાના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. યુરોઝોન વિસ્તારમાં સેન્ટિમેન્ટ ભાગ્યેજ બદલાયુ છે અને યુકેમાં આઉટલુક પર વાદળો ઘેરાયેલા છે.