બજાર તૂટવા પાછળના મુખ્ય 4 કારણ
અમદાવાદ, તા. 06 ફેબ્રુઆરી 2018, મંગળવાર
બજેટની રજૂઆત બાદ ભારતીય શેરબજારમાં એકધારી પીછેહઠ થઇ રહી છે. આજે પણ બજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. બજારના અભ્યાસી વર્તુળના જણાવ્યા મુજબ બજાર તૂટવા પાછળ મુખ્ય ચાર કારણ છે. આ ચાર કારણ પર નજર કરીએ તો,
બોન્ડની ઊપજ
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના લીધેલા નિર્ણયના પગલે અમેરિકાના બોન્ડની યીલ્ડ છેલ્લા ચાર વર્ષની સૌથી ઊંચી એવી ૨.૮૯ ટકાની સપાટીએ પહોંચી ગઇ છે. આ ઉપરાંત અમેરિકી અર્થતંત્ર સુધરતા હવે ફુગાવાનો તેમજ બોરોઈંગ કોસ્ટ વધવાનો ભય ઊભો થવા પામ્યો છે.
અમેરિકી શેરબજાર
આ અહેવાલો પાછળ ગઇકાલે (તા. ૫ ફેબુ્રઆરી) અમેરિકી શેરબજારમાં છેલ્લા ૭ વર્ષનો સૌથી મોટો એકદિવસીય કડાકો નોંધાયો હતો. અમેરિકી શેરબજારનો ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં ઈન્ટ્રાડે ૧૬૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ કામકાજના અંતે ૧૧૭૫.૨૧ પોઇન્ટ તૂટયો હતો. જે ઓગસ્ટ ૨૦૧૧ પછીનો સૌથી મોટો એકદિવસીય કડાકો છે. આ મુદ્દાની ભારતીય બજાર પર અસર થઇ હતી.
એશિયન બજારો
અમેરિકી શેરબજારોમાં કડાકો બોલી જવા પાછળ વૈશ્વિક સ્તરે ફુગાવાની ચિંતા પાછળ આજે એશિયાઇ શેરબજારો પણ તૂટયા હતા. જેમાં જાપાન શેરબજારમાં ૫ ટકા, સિંગાપોરમાં ૨ ટકા, હોંગકોંગમાં ૫ ટકા, તાઇવાનમાં ૫ ટકા અને ચીનના બજારમાં ૪ ટકાનું ગાબડું નોંધાયું હતું. આ મુદ્દાની પણ ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી.
રિઝર્વ બેંક પોલીસી
રિઝર્વ બેંકની ધિરાણ દરની સમીક્ષા બેઠકનો આજે પ્રારંભ થયો છે. ફુગાવાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંક રેપોરેટ યથાવત રાખે તેવો અંદાજ હોઇ આ મુદ્દાની બજાર પર સીધી અસર થઇ હતી.