અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે
- ૨.૨ મિલિયન ટન LPG માટે કરાર થકી ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા તરફનું પગલું

નવી દિલ્હી : ભારતે અમેરિકા સાથે ૨.૨ મિલિયન ટન એલપીજી માટે ટર્મ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વૈશ્વિક ઉર્જા બજારમાં ઉભી થતી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પગલું ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ કરાર મુજબ, ૨૦૨૬થી, ભારતની સરકારી માલિકીની તેલ કંપનીઓ દેશના કુલ એલપીજીના ૧૦ ટકા અમેરિકાથી આયાત કરશે.
અત્યાર સુધી, ભારતનો અમેરિકા સાથે એલપીજી આયાત માટે ટર્મ ડીલ નહોતો. દેશની સ્થાનિક એલપીજી જરૂરિયાતોનો લગભગ ૬૦ ટકા આયાત પર આધારિત છે, અને હાલમાં ૯૦ ટકા એલપીજી આયાત પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી એટલે કે સંયુક્ત આરબ અમીરાત, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈતથી આવે છે.
નિષ્ણાતોના મતે, અમેરિકાથી એલપીજી આયાત કરવાનો નિર્ણય ભારતની સ્ત્રોત વિવિધતા વધારવામાં અને પશ્ચિમ એશિયાઈ દેશો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. ઈકરાએ જણાવ્યું હતું કે યુએસ કુદરતી ગેસ પ્રવાહીનો મુખ્ય ઉત્પાદક છે. યુએસથી એલપીજી આયાત કરવી એ ચાલુ વેપાર વાટાઘાટો સાથે સુસંગત છે અને વૈશ્વિક રાજકીય તણાવના સમયે ભારત માટે ફાયદાકારક રહેશે.
આ વર્ષની શરૂઆતમાં, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભારતના એલપીજી પુરવઠા પર અસર પડી શકે છે.
આ કરાર દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને લાખો ઘરોને સસ્તું અને સ્વચ્છ રસોઈ ગેસ પૂરો પાડવામાં મદદ કરશે. જોકે, કરારની કિંમત જાહેર કરાઈ નથી. આ કરાર હેઠળ યુએસ એલપીજી ખરીદીનો ભાવ માઉન્ટ બેલેવ્યુ પર આધારિત હશે, જે એક મુખ્ય યુએસ એલપીજી ભાવ નિર્ધારણ કેન્દ્ર છે.
મરીન ઇન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના એક અહેવાલ મુજબ, ભારતે ૨૦૨૫ માં અત્યાર સુધીમાં તેના એલપીજીના ૩૬% યુએઈથી, ૨૧% કતાર થી, ૧૬% કુવૈત થી અને ૬% યુએસથી આયાત કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષોમાં, યુએસનો હિસ્સો ફક્ત ૦.૫% થી ૨% સુધીનો રહ્યો છે.

