L&T Infotech સાથે માઈન્ડટ્રીના મર્જરની અટકળો, 22 અબજ ડોલરની કંપની બનશે અસ્તિત્વમાં આવશે
મુંબઇ,તા.18 એપ્રિલ 2022,સોમવાર
લાર્સન-ટુર્બો ગ્રૂપ શેરબજારમાં લિસ્ટેડ તેની બે સોફ્ટવેર કંપની એલએન્ડટી ઇન્ફોટેક અને માઇન્ડ ટ્રી લિમિટેડનું મર્જર કરવા અંગે વિચારણા કરી રહી છે.
મર્જરથી અસ્તિત્વમાં આવનાર નવી કંપની દુનિયાભરની દિગ્ગજ આઇટી કંપનીઓ સાથે સ્પર્ધામાં સક્ષમ હશે. સુત્રોએ જણાવ્યુ કે, આગામી સપ્તાહેએબંને કંપનીઓનું મેનેજમેન્ટ બોર્ડ મર્જરના પ્રસ્તાવ અંગે વિચારણા કરી શકે છે.
નોંધનીય છે કે, લાર્સન-ટુર્બો ગ્રૂપે વર્ષ 2019માં માઇન્ડ-ટ્રી લિમિટેડને ટેકઓવર કરી હતી. પ્રાપ્ત આંકડાઓ અનુસાર માઇન્ડ-ટ્રીની માર્કેટ વેલ્યૂએશન 8.3 અબજ ડોલર છે અને તેમા લાર્સન-ટુર્બોનો 61 ટકા હિસ્સો છે. તો એલએન્ડટી ઇન્ફોટેકની માર્કેટ કેપિટલાઇઝેશન 13.6 અબજ ડોલર છે જેમાં લાર્સન ગ્રૂપનો લગભગ 74 ટકા હિસ્સો છે. આમ પ્રસ્તાવિત મર્જરથી અસ્તિત્વમાં આવનાર નવી આઇટી-સોફ્ટવેર કંપનીની માર્કેટ વેલ્યૂએશન 22 અબજ ડોલર જેટેલી હોઇ શકે છે.
જો કે સુત્રોએ જણાવ્યુ કે, મર્જરનો પ્રસ્તાવ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને આ યોજના ટળી શકે છે.
માઇન્ડ-ટ્રી અને એલએન્ડટી ઇન્ફોટેકની વચ્ચે મર્જરના અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે કોરોના મહામારી બાદ દુનિયાભરમાં કંપનીઓ ઝડપથી ડિજિટલાઇઝેશન અપનાવી રહી છે તેના પ્રતાપે આઇટી અને સોફ્ટવેર કંપનીઓના આવક-નફામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તે ઉપરાંત મોટી આઇટી આઉટસોર્સિંગ કંપનીઓ ઝડપથી સાયબર સિક્યોરિટીઝ, ઓટોમેશન, મશીન લર્નિંગ સપોર્ટ વગેરે સેગમેન્ટમાં પણ વિસ્તરણ કરી રહી છે.