આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે
- નિકાસ ઓર્ડર્સમાં એશિયા, મધ્ય પૂર્વ તથા અમેરિકાની બજારોમાંથી માંગમાં વધારો
મુંબઈ : આંતરરાષ્ટ્રીય વેચાણમાં જોરદાર વધારાને પરિણામે દેશની જૂનની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી દસ મહિનાની ટોચે રહી છે. પ્રવૃત્તિમાં વધારો થતાં રોજગાર નિર્માણ પણ હકારાત્મક રહ્યું હતું.
એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેકસજે મેમાં ૫૮.૮૦ રહ્યો હતો તે જૂનમાં વધી ૬૦.૪૦ જોવા મળ્યો છે. નવા બિઝનેસ ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારાને કારણે પીએમઆઈ ઊંચો રહ્યો છે.
પીએમઆઈની ભાષામાં ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
સેવા પૂરી પાડતી કંપનીઓને ઘરઆંગણે ઉપરાંત વિદેશમાંથી ઓર્ડરમાં વધારો થયો છે. ઘરઆંગણેની સરખામણીએ વિદેશમાંથી ઓર્ડરની માત્રા ધીમી રહી છે. કંપનીઓના માર્જિનમાં સુધારો જોવાયો છે કારણ કે સેવા પેટેના દરની સરખામણીએ કાચા માલના ખર્ચમાં નીચી વૃદ્ધિ થઈ છે એમ પીએમઆઈ માટેના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
ઓગસ્ટ, ૨૦૨૪ બાદ જૂનમાં નવા ઓર્ડર્સમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. નિકાસ ઓર્ડર્સમાં એશિયા, મધ્ય પૂર્વ તથા અમેરિકાની બજારોમાંથી માગમાં વધારો જોવા મળ્યો છે.
સેવા માટેની માગમાં વધારો થતા સેવા ક્ષેત્રમાં જૂનમાં સતત ૩૭માં મહિને રોજગારમાં વૃદ્ધિ જોવા મળી છે. આગામી એક વર્ષ માટેના વેપાર માટેની અપેક્ષા જળવાઈ રહી છે. સર્વેમાં ભાગ લેનારા સર્વિસ પ્રોવાઈડર્સમાંથી ૧૮ ટકાએ વિકાસની આશા વ્યકત કરી છે.
સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે મેમાં ૫૯.૩૦ હતો તે જૂૂનમાં વધી ૬૧ સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.