Get The App

જુનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટીને નવ માસના તળિયે ઉતર્યો

- વેપાર આશાવાદ પણ છેલ્લા બે વર્ષનો સૌથી નીચો રહ્યો

- માલસામાનની પૂરવઠો ખેંચ હળવી થયાના સંકેત

Updated: Jul 1st, 2022

GS TEAM

Google News
Google News
જુનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટીને નવ માસના તળિયે ઉતર્યો 1 - image


મુંબઇ : કિંમતોમાં વધારાને કારણે માગ તથા ઉત્પાદન પર અસર પડતા દેશનો જુન મહિનાનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ)  ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. વેપાર આશાવાદ પણ છેલ્લા બે વર્ષમાં સૌથી નીચો  રહ્યો છે, એમ એક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

એપ્રિલમાં ૭.૭૯ ટકા સાથે ફુગાવો આઠ વર્ષની ઊંચી સપાટીએ રહ્યા બાદ મેમાં તે સાધારણ ઘટી ૭.૦૪ રહ્યો હોવા છતાં, નજીકના ગાળામાં ખાસ કોઈ ફેરબદલ જોવા મળતો નથી. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ વધારામાં આક્રમકતા ચાલુ રહેવાની અપેક્ષા છતાં, નજીકના ભવિષ્યમાં  ફુગાવામાં મોટો ઘટાડો થવાની શકયતા જણાતી નથી. 

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે મેમાં ૫૪.૬૦ હતો તે જુનમાં ઘટી ૫૩.૯૦ સાથે નવ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. 

જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો દેશના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહી છે. 

ભાવના સખત દબાણ, વ્યાજ દરમાં વધારા, રૂપિયામાં નબળાઈ તથા ભૌગોલિકરાજકીય પડકારો વચ્ચે પણ ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. 

જો કે ફેકટરી ઓર્ડર્સ, ઉત્પાદન, નિકાસ, કાચા માલની ખરીદી તથા રોજગારના આંકડાઓનો વૃદ્ધિ દર મંદ પડયો છે કારણે ઊંચા ફુગાવાને કારણે કલાયન્ટસ તથા વેપારગૃહોએ ખર્ચમાં મર્યાદા  રાખી હતી. 

જુનમાં નવા ઓર્ડર્સ તથા ઉત્પાદનનો વૃદ્ધિ દર ગયા વર્ષના સપ્ટેમ્બર બાદ સૌથી નબળો રહ્યો છે અને કંપનીઓ દ્વારા ભરતીની ગતિ પણ ધીમી રહી હતી. વેપાર આશાવાદ બે વર્ષ અગાઉ કોરોનાની લહેર શરૂ થવાના સમય બાદ સૌથી નીચી સપાટીએ  રહ્યો છે. જો કે માલસામાનની ડિલિવરીનો સમયગાળો સૂચવતો સબ-ઈન્ડેકસ  ફેબુ્રઆરી ૨૦૨૧ બાદ  પહેલી વખત ૫૦ પોઈન્ટની ઉપર રહ્યો છે એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં તે સૌથી વધુ છે જે પૂરવઠા સાંકળનું દબાણ હળવું થયાના સંકેત આપે છે.


Tags :