ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા
- સોનાના ઊંચા ભાવને પરિણામે ખરીદદારોના ખરીદી ગણિત ખોરવાઈ ગયા
- સોના-ચાંદી રૂપિયા એક લાખને પાર : ગોલ્ડ ઈટીએફમાં ઇન્ફલો વધવાની શક્યતા
મુંબઈ : સોનાચાંદીના ભાવ હાલમાં ભલે ઐતિહાસિક ટોચે પહોંચી ગયા પરંતુ આવનારી તહેવારો તથા લગ્નસરાની મોસમમાં ઊંચા ભાવે ગ્રાહકોની ખરીદી મંદ રહેવાની જ્વેલર્સમાં ચિંતા પ્રસરી ગઈ છે. દેશમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના રૂપિયા એક લાખ જ્યારે ચાંદી કિલો દીઠ રૂપિયા ૧૧૫૦૦૦ આસપાસ પહોંચી ગઈ છે. સામાન્ય ભારત જેવા દેશમાં ગોલ્ડની ઈન્વેસ્ટમેન્ટ માગ કરતા ઝવેરાતના સ્વરૂપમાં માગ વધુ રહેતી હોય છે ખાસ કરીને લગ્નસરા તથા રક્ષા બંધન કે દિવાળીના તહેવારો દરમિયાન ઉપરાંત લગ્નસરા માટે ઝવેરાતની વધુ ંમાગ નીકળતી હોય છે.
ઊંચા ભાવને કારણે વપરાશકારોએ પોતાના બજેટ પ્રમાણે ઓછી માત્રામાં અથવા તો ઓછી શુદ્ધતા સાથેના ઝવેરાતની ખરીદી કરવા તરફ વળવુ પડી શકે છે, એમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
વૈશ્વિક સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને જોતા દિવાળી બાદ લગ્નસરાની મોસમમાં સોનાના ભાવ હાલના કરતા પણ ઊંચા જોવા મળે તો નવાઈ નહીં ગણાય એમ બજારમાં ચર્ચાઈ રહ્યું છે. ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વપરાશકારો પોતાની પાસેના ઊંચા કેરેટ સાથેના જુના સોનાના દાગીનાની બદલીમાં ઓછા કેરેટ અથવા ઓછા વજનના દાગીના લેવાનું પણ પસંદ કરી રહ્યાનું જણાવાયું હતું.
ઊંચા ભાવને કારણે વપરાશકારોએ સોનાની ખરીદી મોકૂફ રાખવાનો પણ વારો આવી શકે છે. વિશ્વમાં અત્યારસુધી ખાણમાંથી બહાર કઢાયેલા સોનામાંથી ૬૫ ટકા સોનાનું જ્વેલરીમાં રૂપાંતર થયેલું હોવાનું તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવાયું હતું.
તેજીની સ્થિતિમાં વૈશ્વિક સોનાના ભાવ વર્તમાન વર્ષના ડિસેમ્બર અંત સુધીમાં પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલર પહોંચવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં ધારણાં મૂકી હતી. પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલરના ભાવે વર્તમાન વર્ષના અંતે સોનામાં અંદાજે ૪૦ ટકા વળતર મળી રહેશે.
જ્વેલરીના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વપરાશકારો તરફથી ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલોસ વધવાની શકયતા નકારાતી નથી.