જાપાનના નિક્કી225 ઈન્ડેકસમાં 4450 પોઈન્ટનો ઐતિહાસિક કડાકો
- જાપાનની નાણાં સંસ્થાઓનું ભારતીય ઈક્વિટીમાં રૂપિયા ૨.૦૬ લાખ કરોડનું રોકાણ
- વૈશ્વિક શેરબજારોની સુનામીમાં સૌથી વધુ નુકસાન જાપાનને
મુંબઈ : વૈશ્વિક શેરબજારોમાં સોમવારે આવેલી સુનામીમાં સૌથી વધુ નુકસાનના જાપાનના શેરબજારને થયું છે. જાપાનના બેન્ચમાર્ક નિક્કી૨૨૫ ઈન્ડેકસમાં સોમવારે એક જ દિવસમાં ૪૪૫૧ પોઈન્ટ અથવા ૧૨ ટકાથી વધુનો ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. નિક્કી ઈન્ડેકસમાં આટલો મોટો કડાકો પ્રથમ વખત જ જોવા મળ્યો હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે.
ગયા સપ્તાહના અંતે અમેરિકામાં જોબ ડેટા નબળા આવતા ત્યાં મંદી આવવાની શકયતા ઊભી થતા અને જાપાન દ્વારા વ્યાજ દરમાં અચાનક જ વધારો કરાતા વિશ્વભરના શેરબજારોનું માનસ સોમવારે પણ ખરડાયું હતું.
ગયા સપ્તાહના અંતે નિક્કીમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો જોવાયો હતો. વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કો હાલમાં વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે ત્યારે બેન્ક ઓફ જાપાને ગયા સપ્તાહમાં વ્યાજ દરમાં વધારો કર્યો હતો. ઊંચા ફુગાવા તથા જાપાનના ચલણ યેનની નબળાઈને ધ્યાનમાં રાખી વ્યાજ દરમાં વધારો આવી પડયો છે. જાપાનના આ નિર્ણયને કારણે પણ વૈશ્વિક શેરબજારો હચમચી ગયા છે.
પ્રાપ્ત આંકડા પ્રમાણે જાપાનના ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)નું ભારતીય શેરબજારમાં અંદાજે રૂપિયા ૨.૦૬ લાખ કરોડનું રોકાણ છે. જો કે દેશના શેરબજારોમાં કુલ એફપીઆઈ રોકાણમાં આ હિસ્સો ત્રણ ટકાથી પણ સાધારણ નીચો છે.
નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિ. (એનએસડીએલ)ના આંકડા પ્રમાણે, ઈક્વિટી, ડેબ્ટ તથા હાઈબ્રિડ મળીને ભારતીય મૂડી બજારમાં જાપાનના એફપીઆઈનું કુલ રોકાણ રૂપિયા ૨.૧૭ લાખ કરોડ છે જેમાંથી રૂપિયા ૨.૦૬ લાખ કરોડ ઈક્વિટીસમાં છે.
દેશના મૂડીબજારમાં વિવિધ દેશોના એફપીઆઈસના રોકાણમાં જાપાનનો ક્રમ નવમો છે.
દ. કોરિયાના બજારમાં હાહાકાર, સર્કિટ લાગતા ટ્રેડિંગ સસ્પેન્ડ
અમેરિકન અર્થતંત્રમાં મંદી અને જાપાનના શેરબજારના તાંડવે દક્ષિણ કોરિયામાં પણ તોફાન મચાવ્યું હતુ. દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ કોસ્પી ૮.૭૭ ટકા ઘટીને ૨૪૪૧.૫૫ પર બંધ થયો આવ્યો હતો જ્યારે સ્મોલ કેપ કોડૈક ૧૧.૩ ટકા ઘટીને ૬૯૧.૨૮ પર બંધ થયો હતો.
કોરિયાના માર્કેટમાં સકટ ફિલ્ટર ૮ ટકા છે અને તેને કારણે જ ઈન્ડેકસમાં સર્કિટ લાગતા એક્સચેન્જે કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. કોસ્પી ઇન્ડેક્સમાં સ્થાનિક સમયાનુસાર બપોરે ૨.૧૪ વાગ્યે ૨૦ મિનિટ અને કોસ્ડેક ઇન્ડેક્સમાં બપોરે ૧.૫૬ વાગ્યે ટ્રેડિંગ અટકાવવામાં આવ્યું હતું.
ચોંકાવનારી વાત એ છે કે હોંગકોંગ અને ચીનના શેરબજારમાં જાપાનની કોઈ અસર થઈ નથી. અને આ બજારોમાં સૌથી ઓછો ઘટાડો જોવા મળ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧.૬૧ ટકા અને મેઈનલેન્ડ ચાઈનાના શાંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેક્સ-૩૦૦માં માત્ર ૦.૪૮ ટકાનો ઘટાડો થયો છે.
આ સિવાય તાઇવાનનો બેંચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ પણ ઐતિહાસિક તૂટયો છે. એશિયન અને અમેરિકન બજારોમાં કોહરામને પગલે તાઈવાનના તાઈપેએ પણ ભારે વેચવાલીનો સામનો કરવો પડયો હતો. તાઈપેઈ ઈન્ડેકસમાં ૮.૪ ટકાનો કડાકો ૧૯૬૭ બાદની એટલેકે છેલ્લા ૫૭ વર્ષનો સૌથી ખરાબ દિવસ જોવા મળ્યો છે.