Explainer: 'શૂન્ય વ્યાજ'ના યુગનો અંત થતા જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત

End of Japan’s Zero-Rate Policy Sparks Economic Crisis and Market Shock : જાપાનનું અર્થતંત્ર ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આશરે ત્રણ દાયકાથી ચાલ્યો આવતો 'શૂન્ય વ્યાજ'નો આર્થિક સિદ્ધાંત ખતમ થઈ ગયો છે, જેના કારણે દેશની અંદર જ નહીં, પણ વૈશ્વિક બજારોમાં પણ ડરનો માહોલ છે. આ પરિવર્તનની સંભવિત નકારાત્મક અસરો બાબતે નિષ્ણાતો ચેતવણીના સંકેત આપી રહ્યા છે.
ત્રણ દાયકાથી ચાલતા 'શૂન્ય વ્યાજ'નો અંત
છેલ્લા ત્રણ દાયકાથી જાપાનની બેંકોએ વ્યાજ દરો શૂન્યની આસપાસ જ રાખ્યા હતા, જેને લીધે જાપાન વિશ્વભરના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. વિદેશી રોકાણકારો અને મોટી સંસ્થાઓ જાપાનમાંથી ઓછા ખર્ચે યેન ઉધાર લઈને અમેરિકા અને ભારત જેવા દેશોમાં શેર બજાર અને બોન્ડમાં રોકાણ કરતા હતાં, જ્યાં તેમને 4% થી 8% સુધીનું વ્યાજ મળી જતું. આમ, જાપાનની 'શૂન્ય વ્યાજ' નીતિ રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થતી હતી. હવે આ નીતિ ઇતિહાસ બની ગઈ છે, કેમ કે જાપાને આ નીતિ બંધ કરી દીધી છે.

'યેન કેરી ટ્રેડ': વૈશ્વિક રોકાણ-વ્યૂહનું પતન
જાપાનના ઓછા વ્યાજ દરોએ વૈશ્વિક રોકાણ વ્યૂહરચનાને જન્મ આપ્યો હતો, જે 'યેન કેરી ટ્રેડ' (yen carry trade) તરીકે ઓળખાય છે. આ વ્યૂહ રચનામાં રોકાણકારો જાપાનીઝ યેનમાં સસ્તા દરે ઉધાર લેતા અને પછી તે રકમને વિશ્વના અન્ય ભાગોમાં ઉચ્ચ વ્યાજ દર વાળી મિલકતોમાં રોકાણ કરતા. આ રીતે બે દેશોના વ્યાજ દરો વચ્ચેના તફાવતમાંથી સરળતાથી નફો મેળવી શકાતો હતો. જ્યાં સુધી જાપાનમાં વ્યાજ દર નીચા હતા, ત્યાં સુધી રોકાણની આ 'યેન કેરી ટ્રેડ' પ્રક્રિયા સફળતાપૂર્વક ચાલુ રહી. પરંતુ હવે જાપાનની સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં વધારો કર્યો હોવાથી 30 વર્ષથી ચાલતો આવેલો વૈશ્વિક રોકાણનો આ માર્ગ તૂટી પડ્યો છે.
પરિવર્તનનું મુખ્ય કારણ ફુગાવો છે
આ નાટકીય બદલાવ પાછળનું મુખ્ય કારણ છે જાપાનમાં વધી ગયેલો ફુગાવો. 25 વર્ષમાં પહેલીવાર દેશમાં ફુગાવાનો દર 2.5% થી પણ વધી ગયો છે. ચીજવસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે જાપાનની બેંકો પાસે હવે વ્યાજ દરો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 19 નવેમ્બરે જાપાને તેના ઉધાર દરને 2.8% સુધી વધારવાનો નિર્ણય લીધો, જે લગભગ ત્રણ દાયકામાં સૌથી વધુ છે. ગયા વર્ષે કરાયેલા માત્ર 0.25%ના વ્યાજ વધારાએ પણ વિશ્વભરના બજારોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો.

આગામી સમયમાં શું થશે?
બેંકિંગ નિષ્ણાતો આ પરિસ્થિતિ બાબતે ચેતવણી આપે છે કે જો જાપાનમાં વ્યાજ દર 3%ના આંકડાને પાર કરશે, તો દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) કરતાં 2.5 ગણા દેવાનો બોજ વધુ ગંભીર બની શકે છે અને તેને કાબુમાં લેવું મુશ્કેલ થઈ પડશે. 'યેન કેરી ટ્રેડ'માંથી મળતો નફો ઓછો થઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારો ગભરાટમાં અન્ય બજારોમાંથી પોતાનું નાણાં પાછું ખેંચી શકે છે. આ પગલું વૈશ્વિક શેર બજારો પર મોટા દબાણનું કારણ બની શકે છે.
Photo: Envato

