ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો
- ૨૦૧૯માં ડુંગળી ૧૦૦ રૂપિયે કિલો વેચાતી હતી,આજે તે છૂટથી મળે છે, ક્યારેક ગ્રાહકો રડે છે તો ક્યારેક સત્તાવાળા અકળાય છે
- ડુંગળીના ઉત્પાદનમાં ૧૪ ગણો વધારો થયો છે, કિસાનોની સમસ્યાનો ઉકેલ નથી આવતો
ડુંગળીમાં હોલસેલનોભાવ રૂ.૮,જ્યારે રીટેલમાં રૂ.૪૦
હાલમાં ડુંગળીના માર્કેટમાં તેનું ઉત્પાદન કરતા કિસાનોને રોવાનો વારો આવ્યો છે કેમકે ડુંગળીના હોલસેલમાં ભાવો સાવજ તળીયે પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં જે ડુંગળી ૪૦ રૂપિયે વેચાતી હતી તે હવે ૭ રૂપિયે વેચાય છે.
મુંબઇના મેટ્રો પોલીટન માર્કેટમાં આવતી ડુંગળી ફેબુ્રઆરીમાં ૩૫થી ૪૦ રૂપિયે કિલો હતી જે આજે માત્ર ૭થી ૧૨ રૂપિયે કિલોમાં વેચાય છે.
ડુંગળીનું ઉત્પાદન કરતા કિસોનો માટે ૨૦૨૫નો પ્રારંભ કમનસીબી ભર્યો રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫થી તૂટતી ડુંગળી આજકાલ સાવ તળીયે પહોંચી છે. એશિયામાં જ્યાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે મહારાષ્ટ્રના લાસલ ગામમાં ૨૦૨૫ની શરૂઆતમાં હોલસેલમાં ડુંગળીનો ભાવ ૧૦થી ૧૫ રૂપિયે કિલો હતો જે આજે ઘટીને ૮થી ૧૦ રૂપિયે કિલો પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ડુંગળીના ભાવો ૫૮ ટકા જેટલા તૂટયા છે.
ભારતના સત્તાવાળાઓ સતત ડુંગળીના ભાવની ચડ ઉતરનો સામનો કરતા આવ્યા છે. ૧૯૮૦,૧૯૯૮,૨૦૧૦,૨૦૧૩,૨૦૧૫ અને ૨૦૧૯માં ડુંગળીના ભાવોમાં નાટકીય ઢબે ઉછાળો જોવા મળ્યો હતો.
લોકોને ના પરવડે એેટલા ઉંચા ડુંગળીના ભાવો થાય ત્યારે લોકોમાં ઉહાપોહ થાય ત્યારે સરકારની આંખો ખુલે છે પરંતુ જ્યારે તેના ભાવ તૂટે અને કિસાનોને રડવાનો વારો આવે ત્યારે સરકારની આંખો ભાગ્યેજ ખુલતી હોય છે. હાલમાં કિસાનોને રોવાનો વારો આવ્યો છે.
૨૦૧૯માં ડુંગળી ૧૦૦ રૂપિયે કિલો વેચાતી હતી. પાંઉ ભાજી બનાવનારા ડુંગળી મોંઘી હોવાથી તેની જગ્યાએ કોબીજનો ઉપયોગ કરતા હતા. ડુંગળીની સપ્લાય ચેન તૂટે છે ત્યારે છૂટક બજારોમાં ડુંગળીના ભાવ ઉછળે છે. હાલમાં ડુંગળી હોલસેલના બજારોમાં આવે છે કે તરતજ ્અન્ય કૃષિ બજારોમાં ઠાલવી દેવાય છે.
એક તરફ ડુંગળીના ઉત્પાદનમાં ૧૪ ગણો વધારો થયો છે તો સામે છેડે તેના વપરાશમાં પણ વધારો થયો છે. પરંતુ હોલસેલમાં ડુંગળીના ભાવો તૂટતાં તેના છૂટક બજારના ભાવોમાં કોઇ નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળતો.
કોમોડિટી ક્ષેત્રે જ્યારે સપ્લાય વધે છે ત્યારે તેની કિંમતમાં ઘટાડો થાય છે. પરંતુ ડુંગળીના ભાવ વધારા સાથે અન્ય મુદ્દાઓ પણ ગણત્રીમાં લેવાય છે. જેમકે સ્ટોરેજની ક્ષમતા, માર્કેટમાં ડિમાન્ડ સમજી ના શકવી અને ટ્રાન્સપોર્ટેશનની સવલતના ધાંધીયા વગેરોનો સમાવેશ થાય છે.
કમનસીબી એ છે કે જે ડુંગળીના હોલસેલના ભાવ તૂટીને ૮ રૂપિયા પર પહોંચ્યા છે તે છૂટક બજારમાં ૪૦ રૂપિયે કિલો વેચાય છે.