ITR Filing Rules: જાણો કયા સંજોગોમાં મૃતક વ્યક્તિનું IT રિટર્ન ફાઈલ કરવામાં આવે છે અને શું છે તેની પ્રોસેસ
નવી દિલ્હી, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર
નાણાકીય વર્ષ 2021-22નું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા જોર શોર પર ચાલી રહી છે. અને આ મહીનાના અંતમાં તેની છેલ્લી તારીખ પણ સમાપ્ત થશે. આ દરમિયાન હવે ચર્ચા પણ ઉઠી રહી છે કે, શું મૃત વ્યક્તિનું આઈટીઆર ભરવું પણ જરૂરી છે.
આ વિશે ઈન્કન ટેક્સ એક્સપર્ટ બલવંત જૈનનું કહેવું છે કે, જો મૃત વ્યક્તિ ટેક્સના દાયરામાં આવે છે તો તેનું આઈટીઆર ભરવું જરૂરી છે. જો કે, આ માટે તે મૃતકના કાયદેસરના વારસદાર હોવા જરૂરી છે જેને આ કામ કરવા માટે કોર્ટ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મૃતક અને તેના કાનૂની વારસદારો બંનેના પાન કાર્ડની વિગતો દાખલ કરવી જરૂરી રહેશે. જો મૃત વ્યક્તિનો PAN આવકવેરા પોર્ટલ પર નથી, તો વારસદાર તેના સ્થાને તેના PAN નોંધણી કરાવી શકે છે.
કાયદાકીય વારસદાર તરીકે પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રોસેસ
- સૌથી પહેલા ઈન્કમટેક્ષ વિભાગના ઈ-ફાયલિંગ પોર્ટલ પર જવુ અને કાયદાકીય વારસદારના દસ્તાવેજો સાથે લોગ ઈન કરવું.
- પોર્ટલ ઓપન થયા પર ઓથોરાઈઝ્ડ પાર્ટનર્સ પર જવું અને રજિસ્ટર એઝ રિપ્રેઝન્ટેટિવ સિલેક્ટ કરી ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરવું.
- ત્યારબાદ ક્રિએટ ન્યુ રિકવેસ્ટ પર ક્લિક કરવું અને બધી માહિતી ભરવી.
- રજિસ્ટ્રેશન માટે મૃત્યુ પ્રમાણપત્ર, મૃત વ્યક્તિનું પાન કાર્ડ, વારસદારનું પાન કાર્ડ, વારસદાર તરીકે બનેલું સર્ટિફિકેટ અને તેના વિશેની કોર્ટના આદેશની કોપી અપલોડ કરવી.
- ત્યારબાદ પ્રોસીટ બટન પર ક્લિક કરી રિકવેસ્ટ વેરિફાઈ કરવી.
- છેલ્લે સબમિટ રિકવેસ્ટનું બટન પ્રેસ કરતા જ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે જેની જાણકારી ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી મળી જશે.
આગળ શું કરવાનું રહેશે
એકવાર તમામ દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જાતા ઈન્કમ ટેક્ષ ઈ-ફાઈલિંગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ચકાસવામાં આવશે અને જો રિકવેસ્ટ મંજૂર થઈ જશે તો કાનૂની વારસદારને મૃત વ્યક્તિની જગ્યાએ ITR સંબંધિત તમામ અધિકારો મળશે. પરંતુ જો રિકવેસ્ટ રિજેક્ટ થઈ જશે તો વિભાગ દ્વારા સંબંધિત વ્યક્તિને કારણ સાથે જાણ કરવામાં આવશે. આ પછી, જો વારસદારો ઈચ્છે તો તેઓ તેના પર જરૂરી પગલાં લઈ શકે છે.
વેરિફિકેશન અને મંજૂરી મળ્યા બાદ વારસદાર સામાન્ય કરદાતાની જેમ જ મૃત વ્યક્તિનું ITR ફાઈલ કરી શકે છે.આ ITR આધાર OTP, નેટ બેંકિંગ જેવી ઘણી રીતે પણ ચકાસી શકાય છે. ધ્યાનમાં રાખો કે ITR ફાઇલ કરતા પહેલા મૃત વ્યક્તિની કુલ આવકની ગણતરી કરવી જરૂરી છે. તે સંબંધિત નાણાકીય વર્ષની શરૂઆતથી કરદાતાના મૃત્યુની તારીખ સુધીની હોવી જોઈએ. જો કરદાતાના મૃત્યુ પછી કોઈ આવક થાય છે તો તેને વારસદારની આવકના ભાગ તરીકે ગણવામાં આવશે અને વારસદારે તેના આવકવેરા રિટર્નમાં આ માહિતી આપવાની રહેશે.
આવકવેરા અધિનિયમ જણાવે છે કે જો મૃત વ્યક્તિ પર કર બાકી હોય, તો તે કાયદાકીય વારસદાર દ્વારા ચૂકવવો પડશે. જો કે, આમાં સ્પષ્ટ છે કે જો વારસદારને બાકી વેરા કરતાં ઓછી મિલકત મળે તો તે મિલકત જેટલો જ વેરો ચૂકવવા માટે જવાબદાર રહેશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ તેના પિતા પાસેથી વારસદાર તરીકે રૂ. 8 લાખના મૂલ્યના શેર મેળવ્યા હોય અને તેના પિતા પાસે રૂ. 9.5 લાખ ટેક્સ બાકી હોય, તો વારસદારે માત્ર રૂ. 8 લાખ ટેક્સ તરીકે ચૂકવવાના રહેશે.