મ્યુ. ફંડો માટે સોના, ચાંદીના સ્પોટ ભાવ ગણતરીમાં લેવાનું ફરજીયાત બનશે
- પારદર્શકતાની દિશામાં નિયમનકાર સેબીની મહત્વની પહેલ : ગોલ્ડ ઈટીએફમાં ધસારો
- એસેટ્સ મૂલ્યાંકન માટે ભાવ નિર્ધારણની પદ્વતિ જાહેર કરવી પડશે અને સ્થાનિક કોમોડિટી એક્સચેન્જો દ્વારા પ્રકાશિત ભાવનો ઉપયોગ કરવાનો રહેશે : કન્સલ્ટેશન પેપર જારી કરાયો
મુંબઈ : રોકાણકારો-ઈન્વેસ્ટરોના હિત રક્ષણ કાજે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) વર્તમાન ચેરમેન તુહિન કાંતા પાંડેના નેતૃત્વમાં એક પછી એક સરાહનીય મહત્વના નિર્ણયો લઈ રહ્યું છે. સેબીએ રોકાણકારોને તેમની અસ્કયામત એટલે કે રોકાણનું મૂલ્ય કેટલું છે એ કેના આધારે નક્કી કરવામાં આવે છે, મૂલ્યાંકન ગણતરી માટે ક્યાં ભાવોને મ્યુચ્યુઅલ ફંડો એટલે કે, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી) ગણનામાં લે છે એની પારદર્શકતા લાવવાની દિશામાં સેબીએ નવી પહેલ કરી છે.
ગોલ્ડ, સિલ્વર ઈટીએફ સહિત મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટરોના વધતાં રોકાણ આકર્ષણને લઈ રોકાણકારોને તેમના રોકાણનું મૂલ્ય કેટલું છે એ નિર્ધારણ માટે આ એએમસીઝ સોના અને ચાંદીના ક્યાં બજાર ભાવ ગણતરીમાં લે છે એ સ્પષ્ટ કરવા સેબીએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માટે એક પ્રસ્તાવ મૂક્યો છે. જે મુજબ એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ આ પ્રસ્તાવ મંજૂર થવાના સંજોગોમાં સોના અને ચાંદીના મૂલ્યાંકન માટે સ્થાનિક કોમોડિટી એક્સચેન્જો દ્વારા પ્રકાશિત સ્પોટ ભાવનો ઉપયોગ કરવાનો રહેશે. સોના અને ચાંદીના સ્પોટ બજાર માટે ભાવ નિર્ધારણ-પોલ્ડ પ્રાઈસ પરની પારદર્શકતા વધારવા સેબીએ એક કન્સલ્ટેશન-પરામર્શ પત્ર- પેપર જારી કર્યું છે, જેમાં પ્રાઈસ પોલ્ડ મેકેનીઝમ એટલે કે ભાવ નિર્ધારણ પધ્ધતિને જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેબીએ જણાવ્યું છે કે, પ્રસ્તાવિક ફેરફારોથી સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અને સોના અને ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ દ્વારા કરવામાં આવતાં રોકાણો માટે સોના અને ચાંદીના મૂલ્યાંકનમાં એકરૂપતા આવવાની અપેક્ષા છે. સેબીએ આ પરામર્શ પેપર પર ૬, ઓગસ્ટ સુધીમાં પ્રતિસાદ માંગ્યો છે.
વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાને કારણે સુરક્ષિત-સેફ હેવન એસેટ્સમાં રોકાણ આકર્ષણ વધવાના આ સમયગાળામાં સેબી દ્વારા આ પારદર્શકતાની પહેલ કરાઈ છે. જે સરાહનીય છે. ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં માસિક ધોરણે ૧૦ ગણો રોકાણ વધારો થયો છે. જે જૂનમાં પાંચ વર્ષની ઊંચી સપાટીએ રૂ.૨૦૮૧ કરોડ જેટલું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ ઈટીએફઝમાં પાછલા પાંચ વર્ષમાં રોકાણકારોને આકર્ષક વળતર છૂટયું છે અને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન-એસઆઈપી થકી માસિક રૂ.૧૦,૦૦૦નું રોકાણ મૂલ્ય કેટલાક ફંડોમાં રૂ.૧૦ લાખ જેટલું થઈ ગયું છે.
સોનાના ભાવ છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત વિક્રમી વધતાં રહીને ૧૦ ગ્રામનારૂપિયા એક લાખની સપાટી પાર કરીને નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. સોનામાં સીધું રોકાણ નહીં કરનારા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડોની ગોલ્ડ ઈટીએફ થકી માસિક નાના રોકાણ થકી સોનામાં રોકાણની તક મળી રહેતી હોઈ ઈન્વેસ્ટરોનું પાછલા વર્ષોમાં ગોલ્ડ ઈટીએફમાં આકર્ષણ વધ્યું છે.