Get The App

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

- નિફ્ટી ૫૦માં આઈટી સેવા સેક્ટરનું કુલ વેઇટેજ ઘટીને ૮.૮ ટકા થઈ ગયું : વર્તમાન સ્તર માર્ચ ૧૯૯૯ પછીનું સૌથી નીચું સ્તર છે, તે વખતે ફક્ત ૭.૧ ટકા હતું

- આઈટી શેરોમાં છેલ્લા ૧૦ દિવસથી સતત ઘટાડાની અસર

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે 1 - image

મુંબઈ : ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સર્વિસિઝ કંપનીઓ જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ), ઈન્ફોસીસ, વિપ્રો અને એચસીએલ ટેકનોલોજીના શેરોમાં પાછલા કેટલાક દિવસોથી થઈ રહેલી જંગી વેચવાલીના પરિણામે દેશના બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ નિફટી ૫૦માં આઈટી સેક્ટરનું વેઈટેજ ઘટીને ૨૬ વર્ષના તળીયે ઉતરી ગયું છે.

આઈટી સર્વિસિઝ સેક્ટરનું નિફટી ૫૦ ઈન્ડેક્સમાં વેઈટેજ ગત વર્ષના માર્ચના અંતના ૧૧.૭ ટકાની તુલનાએ ઘટીને હવે ૮.૮ ટકા રહી ગયું છે. જે કોરોના મહામારીના સમયમાં માર્ચ ૨૦૨૧માં ૧૬.૨ ટકાની ઊંચી સપાટીએ હતું. આમ આ સેક્ટરનું વેઈટેજ અત્યારે માર્ચ ૧૯૯૯ બાદની સૌથી નીચી સપાટીએ રહ્યું છે. એ સમયે ઈન્ડેક્સમાં આઈટી સેક્ટરનું વેઈટેજ ૭.૧ ટકા રહ્યું હતું.

ઉદ્યોગે સૌ પ્રથમ ૧૯૯૮ના બીજા ભાગમાં ઈન્ફોસીસ અને  એનઆઈઆઈટી સાથે નિફટી ૫૦માં પ્રવેશ કર્યો હતો. હાલમાં, પાંચ આઈટી સર્વિસિઝ કંપનીઓ ઈન્ડેક્સનો ભાગ છે, જેમાં ઈન્ફોસીસ ૩.૯૭ ટકા વેઈટેજ સાથે આગળ છે, ત્યાર બાદ ટીસીએસ ૨.૨૭ ટકા છે. આ ઘટાડા સાથે, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે, તે પછી ઈન્ડેક્સમાં ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર બની ગયું છે. ઓઈલ એન્ડ ગેસ સેક્ટર હવે ઈન્ડેક્સમાં ૯.૨ ટકા વેઈટેજ ધરાવે છે, જે ગત વર્ષે માર્ચના અંતમાં ૯.૮ ટકા હતું.

છ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે, આઈટી સેક્ટર હવે બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં બીજા ક્રમનું સૌથી મોટું યોગદાન આપનાર રહેશે નહીં. બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને ઈન્સ્યોરન્સ (બીએફએસઆઈ) સેક્ટરનું પ્રભુત્વ જળવાયું છે, નિફટી ૫૦માં ૩૬.૫ ટકા વેઈટેજ છે, જે ગત વર્ષે માર્ચના અંતમાં ૩૫.૬ ટકા રહ્યું હતું. ચાલુ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં આઈટી સેક્ટરના વેઈટેજમાં તીવ્ર ઘટાડો મહ્દઅંશે વ્યાપક બજારની સરખામણી અન્ડરપર્ફોર્મન્સના કારણે રહ્યો છે.

 નિફટી આઈટી ઈન્ડેક્સ જે દેશની ટોચની ૧૦ સૌથી મોટી લિસ્ટેડ આઈટી કંપનીઓના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશનને ટ્રેક કરે છે, એ ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૧.૪ ટકા ઘટયો છે. જ્યારે નિફટી ૫૦માં ૮.૩ ટકા વૃદ્વિ થઈ છે.

આ જ પ્રમાણે નિફટી આઈટી ઈન્ડેક્સ કેલેન્ડર વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૩.૭ ટકા ઘટયો છે, જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨.૫ ટકા ઘટયો છે. નિફટી આઈટી ઈન્ડેક્સ તેની ડિસેમ્બર ૨૦૨૪ની સર્વોચ્ચ સપાટી ૪૩,૩૩૮થી હવે ૨૬ ટકા ઘટી ગયો છે. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ નવેમ્બર ૨૦૨૫ની રેકોર્ડ સપાટી ૨૬,૨૦૩થી માત્ર ૨.૮ ટકા ઘટયો છે. વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૯ દરમિયાન નિફટી આઈટી ઈન્ડેક્સ બન્ને ઈન્ડેક્સોની સાથે લગભગ એકસમાન ૧૨૦ ટકા જેટલા વધ્યા હતા. 

કોરોના મહામારીના સમયકાળમાં ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન ડિજિટાઈઝેશન અને ઓફિસસ વર્ક ઓટોમેશનના પરિણામે તીવ્ર તેજી આવતા આઈટી સેક્ટરની આવક અને નફામાં મોટી વૃદ્વિ થઈ હતી. 

નિફટી આઈટી ઈન્ડેક્સે આ સમયગાળા માર્ચ ૨૦૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન ૨૦૩ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. જેની  તુલનાએ નિફટી ૫૦ ઈન્ડેક્સમાં ૧૦૨ ટકાની વૃદ્વિ થઈ હતી.