IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ
- આઈટી સેવા કંપનીઓની સંયુક્ત હૂંડિયામણ આવક માત્ર ૩.૮ ટકા વધીને ૬૯ બિલિયન ડોલર
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકના ચુકવણી સંતુલન ડેટા ભારતની સોફ્ટવેર સેવાઓ નિકાસમાં મજબૂત બે-અંક વૃદ્ધિ દર્શાવે છે, ત્યારે લિસ્ટેડ ટેક કંપનીઓ વિદેશી હૂંડિયામણ આવક અને ચોખ્ખા વેચાણમાં ધીમા સિંગલ-અંક વૃદ્ધિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, FY૨૫માં ભારતની સોફ્ટવેર નિકાસ વાર્ષિક ધોરણે ૧૨.૭ ટકા વધીને ૧૮૦.૬ બિલિયન ડોલર થઈ છે. તેનાથી વિપરીત, બીએસઈ ૫૦૦, બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ સૂચકાંકોમાં સમાવિષ્ટ ૬૪ લિસ્ટેડ આઈટી સેવા કંપનીઓની સંયુક્ત વિદેશી હૂંડિયામણ આવક માત્ર ૩.૮ ટકા વધીને ૬૯.૬ બિલિયન ડોલર થઈ છે.
કોરોના પછીના સમયગાળામાં જ તેમાં વધારો થયો છે. ભારતની સોફ્ટવેર સેવાઓની નિકાસ છેલ્લા પાંચ વર્ષમાં ૧૪.૨ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૯૩.૧ બિલિયન ડોલરથી બમણી થઈને છેલ્લા નાણાકીય વર્ષમાં ૧૮૦.૬ બિલિયન ડોલર થઈ છે.
તેની તુલનામાં, લિસ્ટેડ આઈટી કંપનીઓની વિદેશી વિનિમય આવક માત્ર ૭.૧ ટકાના દરથી વધી છે, જે આ સમયગાળા દરમિયાન ૪૯.૫ મિલિયન ડોલરથી ૪૦ ટકા વધીને ૬૯.૬ મિલિયન ડોલર થઈ છે.
પરિણામે, કુલ નિકાસમાં લિસ્ટેડ આઈટી કંપનીઓનો ફાળો સતત ઘટી રહ્યો છે. દેશની સોફ્ટવેર સેવાઓની નિકાસમાં તેમનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઘટીને ૩૮.૫ ટકાના ૧૪ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૪૧.૮ ટકા અને નાણાકીય વર્ષ ૧૯માં ૫૫ ટકાની ટોચ પર હતો.
આ અગાઉના વલણોથી વિપરીત છે. નાણાકીય વર્ષ ૨૦૦૫ અને નાણાકીય વર્ષ ૨૦૧૯ વચ્ચે, લિસ્ટેડ આઇટી કંપનીઓએ તેમની વિદેશી હૂંડિયામણ આવકમાં ૧૬.૩ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વધારો કર્યો હતો, જે એકંદર સોફ્ટવેર નિકાસના ૧૧.૭ ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર કરતા નોંધપાત્ર રીતે વધારે છે.