IT કંપનીઓનું મૂલ્યાંકન પાંચ વર્ષમાં સૌથી નીચું
- કેલેન્ડર વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી આઈટી કંપનીઓનું સંયુક્ત બજાર મૂડીકરણ ૨૪ ટકા ઘટયું
- આઈટી કંપનીઓના શેરના ભાવ અને બજાર મૂડીકરણમાં સતત ઘટાડો : આ ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો
અમદાવાદ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દેશની ટોચની આઈટી કંપનીઓનું સંયુક્ત બજાર મૂડીકરણ ૨૪ ટકા ઘટયું છે. એટલું જ નહીં, તેમનું મૂલ્યાંકન પણ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે. દેશની મોટી માહિતી ટેકનોલોજી (આઈટી) સેવા કંપનીઓના નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, રોકાણકારો તેમનાથી દૂર થઈ રહ્યા છે. આ કંપનીઓની ધીમી કમાણી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ભયને ધ્યાનમાં રાખીને, રોકાણકારોનો આઈટી ક્ષેત્ર પર વિશ્વાસ ડગમગી રહ્યો છે.
છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર, આઈટી ક્ષેત્ર બીએસઈ સેન્સેક્સના અગાઉના પીઈ ગુણાંકથી નીચે ટ્રેડ કરી રહ્યું છે. ટોચની પાંચ કંપનીઓનો પીઈ ગુણાંક ડિસેમ્બર ૨૦૨૪માં ૨૫.૫ ગણો હતો તે ઘટીને ૨૨.૩ ગણો થઈ ગયો છે. ડિસેમ્બર ૨૦૨૧માં તેમનો પીઈ મલ્ટિપલ ૩૬ ગણો ઊંચો હતો.
તેની સરખામણીમાં, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતથી બીએસઈ સેન્સેક્સ ૨.૨ ટકા વધ્યો છે. આઈટી કંપનીઓથી વિપરીત, છેલ્લા ત્રણ વર્ષમાં સેન્સેક્સનું મૂલ્યાંકન મર્યાદિત શ્રેણીમાં રહ્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રાનું કુલ બજાર મૂડીકરણ ડિસેમ્બરના અંતમાં ૩૨.૬૭ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ગત શુક્રવારે ૨૪.૮૬ લાખ કરોડ રૂપિયા થયું છે.
TCSને સૌથી વધુ નુકસાન થયું છે. ૨૦૨૫ માં કંપનીનું બજાર મૂડીકરણ અત્યાર સુધી ૨૬ ટકા ઘટયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઇન્ફોસિસનું બજાર મૂડીકરણ ૨૪.૩ ટકા અને લ્લભન્ ટેકનું ૨૩.૧ ટકા ઘટયું છે. ટેક મહિન્દ્રાનું પ્રદર્શન તુલનાત્મક રીતે સારું રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં માત્ર ૧૩.૨ ટકાનો ઘટાડો થયો છે. વિપ્રોના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૨૦.૭ ટકાનો ઘટાડો થયો છે.
વિશ્લેષકોના મતે, કમાણીમાં મંદી અને રોકાણકારોનું અન્ય ક્ષેત્રો તરફ વળવું એ આઈટી કંપનીઓના શેરના ભાવ અને બજાર મૂડીકરણમાં ઘટાડા માટે જવાબદાર છે.
એપ્રિલ-જૂન ૨૦૨૫ ક્વાર્ટરમાં, આઈટી કંપનીઓની આવક અને આવક વૃદ્ધિ અપેક્ષા કરતા ઓછી હતી. આ કંપનીઓના ચોખ્ખા વેચાણ અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ એક અંકમાં રહી હતી.
કેટલાક માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી, વૈશ્વિક વિકાસમાં અનિશ્ચિતતાને કારણે માંગ નબળી પડી છે. નબળી માંગને કારણે આઈટી ક્ષેત્રમાં નિરાશાજનક પરિણામો આવ્યા છે.