સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા
- ૭૦ કંપનીઓની રૂ. ૧ લાખ કરોડથી વધુ એકત્ર કરવાની યોજના : ૯૦ કંપનીઓ અંદાજિત ૧.૬ લાખ કરોડ એકત્ર કરવા માટે મંજૂરીની રાહમાં
- આ મહિને SME સેગમેન્ટમાં ૫૬ IPO જોવા મળ્યા
અમદાવાદ : સપ્ટેમ્બરમાં પ્રારંભિક જાહેર ઓફર એટલે કે પ્રાયમરી (આઈપીઓ) બજારમાં તેજી રહી છે. આ મહિને લગભગ ત્રણ દાયકામાં મુખ્ય બોર્ડ અને એસએમઈ પ્લેટફોર્મ બંને પર સૌથી વધુ આઈપીઓ જોવા મળ્યા હતા. સપ્ટેમ્બરના અંત સુધીમાં, આગામી સપ્તાહ માટે નિર્ધારિત ચાર ઇશ્યૂ સહિત, મુખ્ય બોર્ડ પર કુલ આઈપીઓની સંખ્યા ૨૫ થશે. જાન્યુઆરી ૧૯૯૭ પછી કોઈપણ મહિનામાં જારી કરાયેલા આઈપીઓની આ સૌથી વધુ સંખ્યા છે.
આ મહિને SME સેગમેન્ટમાં ૫૬ આઈપીઓ પણ જોવા મળ્યા. આ પ્લેટફોર્મ પર આઈપીઓની આ સૌથી વધુ સંખ્યા છે, જે ૨૦૧૨માં નાના વ્યવસાયોને શેરબજારમાં પ્રવેશવામાં મદદ કરવા માટે રજુ કરવામાં આવ્યા હતા. મોટાભાગની પ્રવૃત્તિ સ્મોલકેપ સેગમેન્ટમાં રહી છે. મેઇનબોર્ડ ઇશ્યૂનું સરેરાશ કદ આશરે ૫૩૦ કરોડ છે.
બજારના સહભાગીઓ આઈપીઓમાં આ ઉછાળાનું કારણ માંગમાં ઘટાડો થવાથી લઈને નિયમનકારી સમયમર્યાદા સુધીના પરિબળોને આભારી છે. માર્ચ અને મે દરમિયાન પ્રાથમિક બજાર સુસ્ત હતું, પરંતુ ત્યારબાદ, તેજી જોવાઈ હતી. આઈપીઓની મંજુરી લેપ્સ થતી હોઈ કંપનીઓ ૩૦ સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલાં તેમના મૂડી એકત્રીકરણ અભિયાન પૂર્ણ કરવા માંગતી હતી. વધુમાં, વર્ષના બીજા ભાગમાં ખર્ચનું આયોજન કરવાની જરૂરિયાતે ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓને ઝડપી બનાવવા માટે પ્રેરિત કરી હતી.
વિશ્લેષકોના મતે, આઈપીઓ બજારમાં આ તેજી ચાલુ રહેવાની શક્યતા છે. હાલમાં, ૭૦ કંપનીઓ ૧ લાખ કરોડથી વધુ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ કંપનીઓને તેમના આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી મંજૂરી મળી ગઈ છે. વધુમાં, ૯૦ અન્ય કંપનીઓ અંદાજિત ૧.૬ લાખ કરોડ એકત્ર કરવા માટે સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચાણ, નબળા રૂપિયા અને H-1B વિઝા પર અમેરિકાના નિર્ણય અને ટ્રેડ ટેરિફને કારણે ગૌણ બજારમાં ઉથલપાથલ વચ્ચે પ્રાથમિક બજારમાંથી મૂડી એકત્ર કરવામાં આ વધારો થયો છે.
રિટેલ રોકાણના બળ પર પ્રાયમરી બજાર તેજીમાં છે, પરંતુ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે ગૌણ બજાર દબાણ હેઠળ છે. છેલ્લા એક વર્ષમાં વ્યાપક સૂચકાંકોમાં નોંધપાત્ર વળતરના અભાવને કારણે આઈપીઓમાં રોકાણકારોનો રસ પણ વધ્યો છે.
નિફ્ટી ઈન્ડેક્સ એક વર્ષમાં ૪.૩% ઘટયો છે, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંકો તેમના ટોચના શિખરથી લગભગ ૮% નીચે છે.
૨૦૨૪ માં, કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ રૂ. ૧.૬ લાખ કરોડ એકત્ર કર્યા હતા. આ રેકોર્ડને પાર કરવા માટે, આ વર્ષના બાકીના ત્રણ મહિનામાં ૭૪,૦૦૦ કરોડથી વધુ એકત્ર કરવાની જરૂર પડશે.