Get The App

રોકાણકારો ઓકટોબરમાં પુન: બજારમાં પ્રવેશ્યા :30 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા

- સ્થિતિ સાનુકૂળ બનતા પ્રાઈમરી તથા સેકન્ડરી માર્કેટમાં આકર્ષણ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
રોકાણકારો ઓકટોબરમાં પુન: બજારમાં પ્રવેશ્યા :30 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા 1 - image


મુંબઈ : દેશમાં ઈક્વિટીસના જાહેર ભરણાં સાથે પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિમાં વધારો અને સેકન્ડરી બજાર ફરી ઊંચકાતા ડીમેટ ખાતા ખોલવામાં રોકાણકારોનો ધસારો શરૂ થયાનું જોવા મળી રહ્યું છે. ઓકટોબરમાં ૩૦ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.

વર્તમાન ૨૦૨૫ના વર્ષમાં ઓકટોબર બીજો એવો મહિનો છે જેમાં ડીમેટ ખાતાનો ઉમેરો ૩૦ લાખથી વધુનો થયો છે. 

ઓકટોબરના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧ કરોડ રહી હતી, જે ગયા વર્ષના ઓકટોબરના  અંતની સરખામણીએ ૧૭.૪૦ ટકા વધુ છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થવાની શકયતા અને ટેરિફ ઘટી જવાની ધારણાંએ ઓકટોબરમાં સેકન્ડરી બજાર ફરી ધમધમવા લાગ્યું છે. 

ગયા મહિને સેન્સેકસ તથા નિફટી બન્ને ચાર ટકાથી વધુ વધ્યા હતા. નવા ભરણામાં વળતર મળી રહેવાની અપેક્ષાએ રિટેલ રોકાણકારો તેમાં નાણાં ઠાલવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જેને પરિણામે પણ ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં એકંદરે ૨.૧૮ કરોડ  નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે જે ૨૦૨૪ના જાન્યુઆરી થી સપ્ટેમ્બરના નવ મહિનામાં ખોલાયેલા ૩.૬૧ કરોડની સરખામણીએ ૪૦ ટકા ઓછા છે. 

વર્તમાન વર્ષમાં ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે અને મિડકેપ તથા સ્મોલ કેપમાં મોટા કરેકશન જોવા મળ્યા હતા જેને પરિણામે રિટેલ રોકાણકારોનો શેરબજાર તરફનો રસ ઓસરી ગયાનું જોવા મળ્યું હતું. જો કે હવે સ્થિતિ ફરી બદલાઈ છે અને રોકાણકારો શેરબજાર તરફ વળવા લાગ્યા હોવાનું ઓકટોબરના ડીમેટ ખાતા પરથી કહી શકાય છે. 

સપ્ટેમ્બરમાં ૨૪.૬૦ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા હતા જે મે બાદ સૌથી નીચા હતા. ઓગસ્ટમાં ૨૪.૯૦ લાખ અને જુલાઈમાં ૨૯.૮૦ લાખ નવા ખાતા ખોલાયા હતા. પ્રથમ નવ મહિનામાં માસિક સરેરાશ ૨૪.૨૦ લાખ નવા ખાતા ઉમેરાયા છે જે ગયા વર્ષે ૪૦ લાખ રહ્યા હતા એમ ડીપોઝિટરીના આંકડા પરથી કહી શકાય એમ છે. 

વર્તમાન વર્ષના પાછલા ત્રણ મહિનામાં જાહેર ભરણાંના સૂચિત ધસારાને ધ્યાનમાં રાખતા ડિસેમ્બર ત્રિમાસિકમાં ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 


Tags :