છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર
- સિલ્વર ઈટીએફ હાલના સમયમાં રોકાણકારો માટે વળતરદાયી
મુંબઈ : સોનાચાંદીના ભાવમાં આવેલી ઐતિહાસિક તેજીને પગલે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાં રોકાણ પર છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોને નોંધપાત્ર રોકાણ પ્રાપ્ત થયું છે. ગોલ્ડ ઈટીએફસમાં સરેરાશ ૪૦ ટકા જ્યારે સિલ્વર ઈટીએફસમાં ૩૬ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે.
છેલ્લા ૧૨ મહિનામાં કાર્યરત ૧૬ ગોલ્ડ ઈટીએફસે સરેરાશ ૪૦.૪૪ ટકા વળતર પૂરુ પાડયું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સિલ્વર ઈટીએફસની કામગીરી પણ આ સમયગાળા દરમિયાન આકર્ષક રહી છે અને છેલ્લા ૧૨ મહિનામાં ૨૧ સિલ્વર ઈટીએફસે સરેરાશ ૩૬.૧૪ ટકા વળતર આપ્યું છે.
સોનાચાંદીની વર્તમાન રેલી માટે ભૌગોલિકરાજકીય તાણ, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા તથા મજબૂત ઔદ્યોગિક માગ કારણભૂત હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
બદલાઈ રહેલા વૈશ્વિક સમીકરણો વચ્ચે ચાંદીની ઔદ્યોગિક માગ વધવાની ધારણાંએ ચાંદીમાં પણ મોટી રેલી જોવા મળી રહી છે. જ્યારે ડોલરની નબળાઈ તથા સેફ હેવન ડીમાન્ડે સોનામાં ફન્ડોના રોકાણમાં વધારો થયો છે.
સોનાચાંદીના ભાવ હાલમાં ઐતિહાસિક સપાટીએ બોલાઈ રહ્યા છે અને રોજેરોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે.
જૂનમાં ગોલ્ડ ઈટીએફસમાં જોરદાર ઈન્ફલોસને જોતા હાલના અનિશ્ચિત વાતાવરણમાં રોકાણકારો સલામત રોકાણને પસંદ કરી રહ્યાનું સૂચવે છે.
સેમીકન્ડકટર, સોલાર પેનલ્સ, વીજ વાહનોમાં ચાંદીનો વપરાશ થતો હોવાથી ચાંદીની ઔદ્યોગિક માગ વધી રહ્યાનું જોવા મળે છે.
અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા વધી ગઈ છે તેને કારણે પણ સોનામાં ઉછાળો આવી રહ્યો છે.
વર્તમાન કેલેન્ડરની વાત કરીએ તો ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોને અત્યારસુધી સરેરાશ ૩૩ ટકા જ્યારે સિલ્વર ઈટીએફસે સરેરાશ ૩૫ ટકા વળતર પૂરુ પાડયું છે. આમ ૨૦૨૫માં સોનાની સરખામણીએ વળતરની દ્રષ્ટિએ ચાંદીની સારી કામગીરી જોવા મળી રહી છે.