ટ્રમ્પનો ખોફ : દાવોસ મુલાકાત પૂર્વે વૈશ્વિક બજારોમાં સતત ફફડાટ
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને બાનમાં લઈ એક પછી એક દેશો પર અમેરિકાની માલિકીનો દાવો કરીને અસાધારણ અનિશ્ચિતતા સજીૅ રહ્યા હોઈ ગ્રીનલેન્ડ કબજે કરવાની વાત બાદ હવે કેનેડાને પોતાનું સ્ટેટ બનાવવાની હલચલને લઈ ત્રીજા વિશ્વ યુદ્વની આશંકાએ વૈશ્વિક બજારો સતત હચમચી ઉઠયા છે. ભારત પર ટેરિફમાં વધારો કર્યા બાદ હજુ અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવા વિશે અનિશ્ચિતતા રહેતાં અને જીઓપોલિટીકલ ટેન્શન વધતાં રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પે સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીમાં પણ લેવાલ બની રહ્યા હોઈ ઈક્વિટીમાં સતત જંગી ઓફલોડિંગ થતું જોવાયું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ સતત હેમરિંગ કરીને ઈન્ડિયા એક્ઝિટ કરવાનું ચાલુ રાખતાં અનેક શેરોમાં કડાકો બોલાતો જોવાયો હતો. ટ્રમ્પની દાવોસ-સ્વિટ્ઝરલેન્ડ ખાતે મુલાકાત અને સ્પીચ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં આજે બેંકિંગ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોમાં સતત ફંડો વેચવાલ રહ્યા હતા. જો કે મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૨૭૦.૮૪ પોઈન્ટ ગબડીને ૮૧૯૦૯.૬૩ અને નિફટી સ્પોટ ૭૫ પોઈન્ટ ઘટીને ૨૫૧૫૭.૫૦ બંધ રહ્યા હતા. શેરોમાં રોકાણકારોની સંપતિમાં આજે વધુ રૂ.૧.૭૩ લાખ કરોડના ધોવાણ સાથે છેલ્લા ૧૨ ટ્રેડિંગ દિવસમાં રૂ.૨૭.૧૫ લાખ કરોડનું ધોવાણ થયું છે. સેન્સેક્સ ૧૨ દિવસમાં ૩૮૫૨ પોઈન્ટ તૂટયો છે.
બેંકેક્સ ૬૨૬ પોઈન્ટ તૂટયો : આઈસીઆઈસીઆઈ રૂ.૨૭ તૂટયો : કેનેરા, યુનિયન બેંક, પીએનબી ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ ચાલુ રાખ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકના નબળા પરિણામની સતત નેગેટીવ અસરે ફંડોની વેચવાલી વધતાં શેર રૂ.૨૬.૯૦ તૂટીને રૂ.૧૩૪૮.૪૫ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૫૦.૭૦, યુનિયન બેંક રૂ.૩ ઘટીને રૂ.૧૭૨.૫૫, પીએનબી રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૨૪, એચડીએફસી બેંક રૂ.૧૧ ઘટીને રૂ.૯૨૦.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૯૯, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯ ઘટીને રૂ.૧૦૨૮.૧૫, એક્સિસ બેંક રૂ.૮.૭૫ ઘટીને રૂ.૧૨૮૪.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૨૬.૧૨ પોઈન્ટ તૂટીને ૬૬૨૭૦.૧૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરો મંદીના વમળમાં : વારી એનજી રૂ.૮૨, એસ્ટ્રલ રૂ.૪૪, કેઈઆઈ રૂ.૧૨૪ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની સતત વેચીને થઈ રહેલી એક્ઝિટને લઈ શેરો મંદીના મોટા વમળમાં અટવાતા જોવાયા હતા. વારી એનજીૅ રૂ.૮૧.૬૦ તૂટીને રૂ.૨૪૧૫.૮૦, એસ્ટ્રલ રૂ.૪૪ તૂટીને રૂ.૧૩૪૭.૪૫, કેઈઆઈ રૂ.૧૨૪.૩૦ તૂટીને રૂ.૩૯૪૦.૨૫, પ્રીમિયર એનજીૅ રૂ.૨૨ ઘટીને રૂ.૭૧૦.૩૫, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૦૫.૧૦, ભારત ડાયનામિક્સ રૂ.૩૩.૨૫ ઘટીને રૂ.૧૪૧૮.૬૦, જયોતી સીએનસી રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૮૨૬.૯૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૧.૨૫ ઘટીને રૂ.૪૨૬૦.૧૦, ડાટાપેટર્ન રૂ.૩૭.૪૫ ઘટીને રૂ.૨૨૧૩.૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૧૫ ઘટીને રૂ.૬૯૬૦.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૯૫ ઘટીને રૂ૩૩૪૮.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૭૩.૧૨ પોઈન્ટ ઘટીને ૬૧૮૪૬.૯૪ બંધ રહ્યો હતો.
અમેરિકામાં દવાની નિકાસ બંધ થવાના અહેવાલે ફાર્મા શેરો વેનબરી રૂ.૧૮, પેનેશિયા બાયોટેક રૂ.૨૪ તૂટયા
અમેરિકાના આકરાં ટેરિફ સામે ભારતમાંથી દવાઓની અમેરિકા થતી નિકાસ પર ટેરિફ સહિતના અંકુશો લાદવાની ઉઠેલી માંગને લઈ ફાર્મા કંપનીઓની કામગીરી પર અસરની શકયતાએ આજે ફંડોએ ફાર્મા-હેલ્થકેર શેરોમાં સતત વેચવાલી કરી હતી. વેનબરી રૂ.૧૮ તૂટીને રૂ.૧૮૦.૬૫, પેનેશિયા બાયોટેક રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૩૬૧.૦૫, ગુજરાત થેમીસ રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૩૧૫.૩૫,સુવેન રૂ.૮.૦૫ ઘટીને રૂ.૧૩૫.૨૫, જગશન ફાર્મા રૂ.૮.૭૫ ઘટીને રૂ.૧૬૫.૨૫, ડિકાલ રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૨૧૯.૧૫, લૌરસ લેબ રૂ.૪૬.૧૫ ઘટીને રૂ.૯૮૮.૭૫, કોહાન્સ રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૩૮૪.૨૦, થેમીસ મેડી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૮૦.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૩૭.૭૯ પોઈન્ટ ઘટીને ૪૧૩૫૯.૭૧ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં સતત ઘટાડો : ઓરિઓનપ્રો રૂ.૬૧, રામકો સિસ્ટમ રૂ.૨૩, સિએન્ટ રૂ.૬૦ તૂટયા
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. અમેરિકાના એચ૧બી વીઝા અંકુશોને લઈ ઘણા આઈટી પ્રોફેશનલોને કંપનીઓ નોકરીમાંથી છુટ્ટા કરી રહી હોવાના અને આઈટી પ્રોફેશનલો ભારત પરત ફરી રહ્યા હોઈ આઈટી ઉદ્યોગની હાલત કફોડી બનવાના એંધાણે આઈટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. ઓરિઓનપ્રો રૂ.૬૧.૪૫ તૂટીને રૂ.૯૧૪.૭૦, રામકો સિસ્ટમ્સ રૂ.૨૩.૧૫ તૂટીને રૂ.૪૨૯.૧૦, સિએન્ટ રૂ.૬૦ તૂટીને રૂ.૧૧૨૨.૮૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૩૦૮.૫૦, નેટવેબ રૂ.૧૨૩.૪૦ તૂટીને રૂ.૩૧૧૨.૫૫, ઈમુદ્રા રૂ.૧૮.૭૮૫ ઘટીને રૂ.૫૨૦.૧૫, રેટગેઈન રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૬૩૦.૯૦, મોસચીપ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૧૭૫.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૮.૯૨ પોઈન્ટ ઘટીને ૩૬૬૭૬.૨૦ બંધ રહ્યો હતો.
ઓટો શેરો રિવર્સ ગીયરમાં : ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૮, એમઆરએફ રૂ.૨૯૮૧, હ્યુન્ડાઈ મોટર રૂ.૪૧ તૂટયા
ઓટોમોબાઈલ કંપનીઓ માટે પણ નિકાસ મોરચે ટેરિફના પડકારો વધી રહ્યા હોવા સાથે ઘરઆંગણે મંદીની પરિસ્થિતિ વકરી રહી હોઈ વાહનોની ખરીદી ધીમી પડી હોવાના અહેવાલોએ આજે ઓટો શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૮.૪૦ તૂટીને રૂ.૨૨૭૧.૭૫, એમઆરએફ રૂ.૨૯૮૧.૪૦ તૂટીને રૂ.૧,૪૦,૦૯૧, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૪૧.૧૫ તૂટીને રૂ.૨૨૭૬.૮૫, બોશ રૂ.૩૬૭.૯૦ ઘટીને રૂ.૩૫,૧૩૮.૩૦, અપોલો ટાયર રૂ.૫.૨૦ ઘટીને રૂ.૫૦૧.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૪૮.૨૫ ઘટીને રૂ.૫૫૩૫.૯૫, આઈશર મોટર્સ રૂ.૩૦.૫૦ ઘટીને રૂ.૭૧૪૪.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૧.૪૯ પોઈન્ટ ઘટીને ૫૯૭૩૨.૯૨ બંધ રહ્યો હતો.
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીએ મેટલ શેરોમાં ખરીદી : હિન્દુસ્તાન ઝિંક, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા
સોના-ચાંદીના ભાવોમાં અવિરત રેકોર્ડ તેજીના પરિણામે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૫૫ વધીને રૂ.૬૯૭.૦૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬ વધીને રૂ.૧૧૭૫.૨૦, હિન્દાલ્કો રૂ.૧૦.૮૫ વધીને રૂ.૯૩૯.૦૫, નાલ્કો રૂ.૨.૯૦ વધીને રૂ.૩૬૧.૮૦, વેદાન્તા રૂ.૫ વધીને રૂ.૬૭૬.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૬.૮૨ પોઈન્ટ વધીને ૩૭૭૧૧.૨૧ બંધ રહ્યો હતો.
રોકાણકારો નુકશાનીમાં ઓફલોડિંગ કરતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખાનાખરાબી : ૨૯૬૮ શેરો નેગેટીવ બંધ
અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ થતા રહી હજુ પત્તાના મહેલની માફક સ્મોલ, મિડ કેપ શેરો તૂટતાં જઈ આજે વધુ મોટા ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૬૮ અને વધનારની સંખ્યા ૧૩૧૭ રહી હતી.
DIIની રૂ.૪૫૨૦ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૧૭૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૭૮૭.૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૫,૩૭૦.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૫૮.૬૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૫૨૦.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૩૮૭.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૬૬.૮૭ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૫.૮૨ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં સતત નરમાઈ સાથે ઘણા શેરોના ભાવો તૂટવાનું ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૪.૦૯ લાખ કરોડ રહી ગયું હતું. આમ છેલ્લા ૧૨ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૨૭.૧૫ લાખ કરોડનું ધોવાણ થયું છે.


