IPOના શેરોના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં રોકાણકારોમાં પ્રવર્તી રહેલી નિરાશા
- ઈસ્યુમાં રોકાણ બાદ નબળા લિસ્ટિંગે નુકશાની થઈ રહી હોઈ રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો પણ હવે સાવચેત
- મેનેજ્ડ માર્કેટ... ઊંચા વેલ્યુએશને પ્રમોટરો, ઈન્વેસ્ટરોની ઓફર ફોર સેલ સામે સવાલ : નિષ્ણાંતોની પ્રાઈમરી માર્કેટમાં રોકાણ સંદર્ભે લાલબત્તી

મુંબઈ : ભારતીય મૂડી બજારમાં અત્યારે સેકન્ડરી માર્કેટમાં સુસ્તી છવાયેલી રહ્યા સામે પ્રાઈમરી માર્કેટ-ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ((આઈપીઓ) થકી અનેક કંપનીઓના પ્રમોટરો અને આઈપીઓ પૂર્વે કંપનીમાં રોકાણ કરનારા શેરહોલ્ડરોએ ઓફર ફોર સેલ (એફપીઓ) લાવીને પોતાના શેરો પબ્લિકને પધરાવીને રોકડી કરવાની હોડ લગાવી છે. ગ્રે માર્કેટમાં ઊંચા પ્રીમિયમ બોલાવીને અને ભરણાને અનેક ગણા છલકાવી દઈ આઈપીઓમાં પબ્લિકને ઊંચા ભાવે શેરો વેચવાનો રીતસરનો ખેલ ખેલાઈ રહ્યો છે. પરંતુ અનેક ગણા છલકાતાં આઈપીઓના શેરોનું શેર બજારો પર લિસ્ટિંગમાં સૂરસુરિયું એટલે કે ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવા લાગતાં રોકાણકારો માટે આઈપીઓમાં રોકાણ ખોટનો સોદો પૂરવાર થઈ રહ્યો છે. જેથી અનેક રિટેલ રોકાણકારોમાં નિરાશા છવાઈ છે.
પાછલા સપ્તાહમાં જ સ્ટડ્સ એસેસરીઝ લિમિટેડનો સંપૂર્ણ ઓફર ફોર સેલ (ઓએફએસ)ના કરાયેલો આઈપીઓ અધધ...૭૩ ગણો છલકાવી દેવાયો હતો. પરંતુ શુક્રવારે તેના શેરોના લિસ્ટિંગમાં ફુગ્ગો ફૂટી ગયો હોય એમ ૩.૫ ટકા ડિસ્કાઉન્ટે શેરનું લિસ્ટિંગ થતાં અનેક રોકાણકારોમાં નિરાશા છવાઈ છે. શેરનું આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે સતત ધોવાણ ચાલુ રહી આજે શેર બીએસઈ પર વધુ ૨.૨૦ ટકા એટલે કે રૂ.૧૨.૩૦ તૂટીને રૂ.૫૪૮ આવી ગયો છે. જે નીચામાં રૂ.૫૪૫.૫૦ સ્પર્શ્યો હતો.
કંપનીએ શેર દીઠ રૂ.૫૮૫ ભાવે શેરોની આઈપીઓમાં ફાળવણી કરી હતી. આ આઈપીઓ ૭૩.૨૫ ગણો ભરાયો હતો. જેમાં રિટેલ કેટેગરીમાં જ ૨૭,૨૫,૧૪૨ શેરો અનામત સામે ૨૨.૦૯ ગણો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર્સ-ક્યુઆઈબીઝ કેટેગરીમાં ૧૫૯.૯૯ ગણો જંગી ભરાયો હતો. કુલ ઈશ્યુ સાઈઝ ૭૭,૮૬,૧૨૦ શેરોની જોઈએ તો બે દિવસમાં જ રોકાણકારોને આજના બંધ ભાવ રૂ.૫૪૮ મુજબ શેર દીઠ રૂ.૩૭નું એટલે કે રૂ.૨૮.૮૦ કરોડનું જંગી નુકશાન થઈ ગયું છે.
આ દરમિયાન લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડના પણ બહુચર્ચિત મેગા રૂ.૭૨૦૦ કરોડના આઈપીઓમાં પબ્લિક ઈસ્યુ ૯,૯૭,૬૧,૨૫૭ શેરો માટે જંગી ૨૮.૨૬ ગણો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ આજે-સોમવારે ૧૦, નવેમ્બરના કંપનીના શેરોનું લિસ્ટિંગ નિરાશાજનક થઈ ડિસ્કાઉન્ટે રૂ.૩૯૫ ભાવે લિસ્ટિંગ થઈ શેર ઈન્ટ્રા-ડે રૂ.૩૫૬.૧૦ સુધી ગબડી ગયો હતો. જે અંતે રિકવર થઈ રૂ.૪૦૪.૫૫ રહ્યો હતો. આમ ઈસ્યુ ભાવ રૂ.૪૦૨ સામે ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ સાથે રોકાણકારોમાં નિરાશા છવાઈ હતી.
જ્યારે એમટીઆર ફેઈમ ઓર્કલા ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ જે ૨૬.૮૫ ગણો છલકાયો હતો, એ પણ રોકાણકારોની ફેન્સી ગુમાવવા લાગી વધતી નુકશાની સાથે આજે શેરના રૂ.૭૩૦ ઈસ્યુ ભાવ સામે ગબડીને ૭.૨૫ ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.૬૭૬ આવી ગયો છે. જે કંપનીના કુલ ૨,૨૮,૪૩,૦૦૪ શેરોના ઈસ્યુ મુજબ શેર દીઠ ભાવ રૂ.૫૪ તૂટી ગયો હોઈ રોકાણકારોને આજના બંધ ભાવ રૂ.૬૭૬ મુજબ રૂ.૧૨૩ કરોડ જેટલું નુકશાન થઈ રહ્યું છે. આમ પ્રાઈમરી-આઈપીઓ માર્કેટમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટી નુકશાની થઈ રહી છે.
બજારના નિષ્ણાંત સમક્ષકો પણ હવે પ્રાઈમરી માર્કેટમાં રોકાણ બાબતે લાલબત્તી બતાવવા લાગ્યા છે. નિષ્ણાંતના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીઓ બજારમાં મોટાપાયે સક્રિયતા જોવાઈ છે. પરંતુ મોટાભાગના પ્રમોટર્સ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકરો ઘણા સ્માર્ટ અને વધુ વ્યુહાત્મક બની ગયા છે.
વેલ્યુએશન અને સમય પ્રત્યેનો તેમનો અભિગમ બદલાયો હોય એવું લાગે છે. આ રોકાણકારો હવે સસ્તા વેલ્યુએશન સાથે બજારમાં નહીં આવીને ઊંચા વેલ્યુએશને શેરો ઓફર કરી રહ્યા છે. ઈસ્યુમાં રોકાણ બાદ નબળા લિસ્ટિંગે નુકશાની થઈ રહી હોઈ રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો પણ હવે સાવચેત બની રહ્યા છે.

