સિપમાં થતું રોકાણ ઓલ ટાઇમ હાઇ પરંતુ ઈક્વિટી ફંડમાં જંગી ગાબડું
- ઈક્વિટી ફંડોમાં રોકાણ ૭૮ ટકા ઘટયું જ્યારે સિપમાં રૂા. ૮૨૭૩ કરોડનો સર્વાધિક ઈન્ફ્લો
નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2019, સોમવાર
વિતેલા નવેમ્બર માસમાં શેરબજારના ઈન્ડેક્સે નવી વિકલી સપાટીની રચના કરી હતી. તો બીજી તરફ મ્યુ. ફંડ ક્ષેત્રે સિપમાં (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) સર્વાધિક રોકાણ જોવાયું હતું. જો કે, આ સમય દરમિયાન ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં ૭૮ ટકાનું ગાબડું નોંધાયું હતું.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલ ડેટા મુજબ વિતેલા નવેમ્બર માસ દરમિયાન રૂા. ૮૨૭૩ કરોડનું રોકાણ થયું હતું. જે અગાઉના માસની તુલનાએ રૂા. ૨૭ કરોડ વધુ હતું. ઓકટોબરમાં સિપમાં રૂા. ૮૨૪૫ કરોડ ઠલવાયા હતા.
ઈક્વિટી ફંડોની વાત કરીએ તો, નવેમ્બર માસમાં ઈક્વિટી ફંડોમાં ઠલવાતા પ્રવાહમાં રૂા. ૧૩૧૧ કરોડનો ઘટાડો નોંધાયો હતો. અગાઉના ઓકટોબર માસમાં ઈક્વિટી ફંડોમાં રૂા. ૬૦૨૬.૩૮ કરોડ ઠલવાયા હતા.
ક્ષેત્રીય ફંડોની વાત કરીએ તો લાર્જ-મિડકેપ ફંડોમાંથી રૂા. ૨૫૨ કરોડ પાછા ખેંચાયા હતા જ્યારે કોન્ટ્રા ફંડમાંથી રૂા. ૯૫૫ કરોડ અને અન્ય ક્ષેત્રીય ફંડોમાંથી રૂા. ૬૩૬.૫૫ કરોડ પાછા ખેંચાયા હતા.
નવેમ્બર માસ દરમિયાન મ્યુ. ફંડ ક્ષેત્રે નવા ૫.૩૩ લાખ એકાઉન્ટનો ઉમેરો થતા સિપ અકાઉન્ટની કુલ સંખ્ય ૨.૯૪ કરોડ પહોંચી હતી. સિપ હેઠળની એસેટ્સ ઓકટોબર માસના ૩.૦૩ લાખ કરોડની તુલનાએ વધીને રૂા. ૩.૧૨ લાખ કરોડ પહોંચી હતી.
નવેમ્બર માસના અંતે કાર્યરત મ્યુચ્યુઅલ ફંડોની કુલ એસેટ્સ રૂા. ૫૪૪૧૯ કરોડ વધીને રૂા. ૨૭,૦૧૪ લાખ કરોડ પહોંચી હતી. જે ઓકટોબરમાં રૂા. ૨૬.૩૨ લાખ કરોડ હતી.