Get The App

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.40,608 કરોડની ટોચેે

- એસઆઈપી થકી રોકાણ વધીને રૂ.૨૧,૨૬૨ કરોડ પહોંચ્યું :

- સ્મોલ, મિડ કેપમાં જાવક : મલ્ટિ કેપ ફંડોમાં ૭૮ ટકા વધારો થયો

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.40,608 કરોડની ટોચેે 1 - image


ઉદ્યોગની એયુએમ વધીને રૂ.૬૧.૧૬ લાખ કરોડ પહોંચી

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનો રોકાણ ઉત્સાહ સતત જળવાયેલો રહીને જૂન ૨૦૨૪ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૭ ટકા વધીને રૂ.૪૦,૬૦૮.૧૯ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડામાં જાહેર કરાયું છે.

મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ  અગાઉના મહિનાની તુલનાએ ૮૩.૪૨ ટકા વધીને રૂ.૩૪,૬૯૭ કરોડની રેકોર્ડ ઊંચાઈએ નોંધાયો હતો. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જૂન મહિનામાં વધીને રૂ.૬૧.૧૬  લાખ કરોડ પહોંચી છે. 

ઉદ્યોગની આ એયુએમ પહોંચ્યું છે. જે પ્રથમ વખત રૂ.૬૦ લાખ કરોડનો આંક પાર કરી ગયું છે. આ દરમિયાન ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં જૂન મહિનામાં રૂ.૧,૦૭,૩૫૭.૬૨ કરોડની રોકાણ જાવક નોંધાઈ છે. ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડોમાં જૂનમાં રૂ.૪૩,૧૦૮.૮૦ કરોડની નેટ રોકાણ જાવક નોંધાઈ છે.

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકર ચેલાસાનીએ જૂન મહિનાના આંકડા વિશે જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે નોંધનીય વૃદ્વિ નોંધાવી છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડો, હાઈબ્રિડ ફંડો અને પેસિવ ફંડોમાં સતત રોકાણ પ્રવાહથી ઉદ્યોગને અવિરત લાભ થયો છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) થકી જૂનમાં રોકાણ  વધીને રૂ.૨૧,૨૬૨ કરોડ નોંધાયું છે, જે મે મહિનામાં રૂ.૨૦,૯૦૪ કરોડ નોંધાયું હતું. જૂન ૨૦૨૪માં એસઆઈપીની સંખ્યા પણ વધીને ૫૫.૧૩ લાખ થઈ છે. 

જ્યારે એસઆઈપી એયુએમ જૂન મહિનામાં સૌથી વધુ રૂ.૧૨.૪૪ લાખ કરોડ નોંધાયું છે. જે મે મહિનામાં રૂ.૧૧.૫૩ લાખ કરોડ નોંધાયું છે. આ ઉપરાંત એસઆઈપી એકાઉન્ટોની સંખ્યા પણ મે મહિનાના ૮.૭૬ કરોડની તુલનાએ જૂન ૨૦૨૪માં વધીને ૮.૯૯ કરોડ થઈ છે.

સેકટરલ/થીમેટિક ફંડો થકી ઈક્વિટી ફંડોમાં સૌથી વધુ રોકાણ પ્રવાહ જૂનમાં રૂ.૨૨,૩૫૧.૬૯ કરોડ નોંધાયો છે. નવા ફંડ ઓફરમાં નવ ફંડોએ જૂન મહિનામાં રૂ.૧૨,૯૭૪ કરોડ એકત્ર  કર્યા છે. ઈક્વિટી ફંડ કેટેગરીમાં મલ્ટિકેપ ફંડોમાં જૂનમાં રોકાણ પ્રવાહ ૭૮ ટકા વધીને રૂ.૪૭૦૮.૫૭ કરોડ નોંધાયો છે. આ ઉપરાંત લાર્જકેપ ફંડોમાં રોકાણ ૪૬ ટકા વધીને રૂ.૯૭૦.૪૯ કરોડ રહ્યું છે. 

જો કે સ્મોલ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૭ ટકા ઘટીને રૂ.૨૨૬૩.૪૭ કરોડ રહ્યો છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રોકાણ ત્રણ ટકા ઘટીને રૂ.૨૫૨૭.૮૪ કરોડ રહ્યો છે. ફિક્સ્ડ ઈન્કમ ફંડોમાં ડેટ ફંડોમાં લિક્વિડ ફંડોમાં જૂનમાં રૂ.૮૦,૩૫૪.૦૩ કરોડની ચોખ્ખી રોકાણ જાવક નોંધાઈ છે. ઓવરનાઈટ ફંડ કેટેગરીમાં રોકાણ જાવક રૂ.૨૫,૧૪૨.૭૨ કરોડની રહી છે. 


Google NewsGoogle News